Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

કારજના કામે જવા નીકળેલા કોઠારીયાના જયાબેન ખેતરીયાનું પડોશીના બાઇકમાંથી પડી જતા મોત

મોલડી જવું હોઇ રોડ પરથી વાહન પકડવા પડોશી યુવાનના બાઇકમાં લિફટ લીધી ને ચક્કર આવ્યા

રાજકોટ તા. ૨: કોઠારીયા ગામના જયાબેન દેવાભાઇ ખેતરીયા (ઉ.વ.૫૦) કારજના કામે મોલડી જવા માટે પડોશીના બાઇક પાછળ બેસી ઘરેથી રોડ સુધી જતાં હોઇ રસ્તામાં ચક્કર આવતાં પાછળથી પડી જતાં માથામાં ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ જયાબેનના કોૈટુંબીક નણંદના સગામાં અવસાન થયું હોઇ તેઓ ચોટીલાના મોલડી ગામે લોૈકિકે જવા માટે આજે સવારે ઘરેથી નીકળ્યા હતાં. આગળ રોડ પરથી વાહન મળતાં હોઇ ત્યાં સુધી તેઓ ચાલીને જઇ રહ્યા હતાં. એ દરમિયાન પડોશી ધીરજભાઇ નીકળતાં તેના બાઇકમાં રોડ સુધી જવા માટે લિફટ લીધી હતી. એ દરમિયાન રસ્તામાં જયાબેનને ચક્કર આવી જતાં પાછળથી પડી જતાં ઇજા થઇ હતી અને મોત નિપજ્યું હતું.

મૃત્યુ પામનાર જયાબેનને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. પતિ દેવાભાઇ લક્ષમણભાઇ મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(3:33 pm IST)