Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

કુવાડવા પાસે કારને બીજી કારે ટક્કર મારીઃ પંચનાથ પ્લોટના વેપારી કલ્પેશભાઇ જોષી, તેમના પત્નિ સહિત ત્રણને ઇજા

રાજકોટથી વેવાઇની ઘરે જતી વખતે બનાવઃ સામેની કાર રેઢી મુકી ચાલક સહિતના નાશી ગયા

રાજકોટ તા. ૨: કુવાડવા ગામની ચોકડી પાસે રાત્રીના અગિયારેક વાગ્યે એક કારને બીજી કારના ચાલકે ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતમાં રાજકોટના પંચનાથ પ્લોટના વિપ્ર દંપતિ સહિત ત્રણને ઇજાઓ થતાં રાજકોટ સારવાર માટે દાખલ કરાયા છે. અકસ્માત સર્જનાર સ્વીફટ કારને રેઢી મુકી તેનો ચાલક સહિતના ભાગી ગયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ પંચનાથ પ્લોટ-૭માં રહેતાં અને કપડાનો વેપાર કરતાં કલ્પેશભાઇ ચંદ્રકાંતભાઇ જોષી (ઉ.વ.૪૨)  તથા તેમના પત્નિ ભાવનાબેન કલ્પેશભાઇ જોષી (ઉ.વ.૪૦), સાળા મનોજભાઇ પ્રવિણભાઇ જોષી, સાળાના પત્નિ કલ્પનાબેન એમ ચાર લોકો રાજકોટથી રાતે વેવાઇના ઘરે કુવાડવા તરફ જતાં હતાં ત્યારે કુવાડવા ચોકડીએ અચાનક આવેલી સ્વીફટ કાર જીજે૦ઇઆર-૨૨૯૩ના ચાલકે કલ્પેશભાઇની કાર સાથે અકસ્માત સર્જતા બંને કારમાં ભારે નુકસાન થયું હતું.

મનોજભાઇના કહેવા મુજબ અકસ્માત સર્જનાર સ્વીફટ કારનો ચાલક સહિતના શખ્સો તેની કાર રેઢી મુકીને ભાગી ગયા હતાં. અકસ્માતમાં મને નજીવી ઇજા થઇ હતી. જ્યારે કલ્પેશભાઇ, તેમના પત્નિ અને મારા પત્નિને વધુ ઇજા પહોંચી હતી. કલ્પેશભાઇને ગંભીર ઇજા પહોંચી છે. કુવાડવા પોલીસને જાણ થતાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

(1:02 pm IST)