Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

રાજારામ સોસાયટીમાં અખબાર કર્મચારી અને કેમેરામેન પર સાત શખ્સોનો હુમલો

શું કામ રેકોર્ડિંગ કરો છો? કહી હસુ મુલીયા, દિપક મુંધવા, દિગો અને ચાર અજાણ્યા શખ્સોએ ઘુસ્તાપાટા માર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૨: રાજારામ સોસાયટીમાં બબાલ થઇ હોઇ તેનું રિપોર્ટીંગ માટે ગયેલા એક અખબારના કર્મચારી અને કેમેરામેનને સાતેક શખ્સોએ 'શું કામ રેકોર્ડિંગ કરો છો, તમારા લીધે જ આ થાય છે' કહી ગાળો દઇ મારકુટ કરી લેતાં થોરાળા પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે થોરાળા પોલીસે સંત કબીર રોડ પર ન્યુ શકિત સોસાયટી-૪માં આઇશ્રી મોમાઇ કૃપા ખાતે રહેતાં અને અખબારમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતાં ગોપાલ વિરમભાઇ બાંભવા (ભરવાડ) (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી હસુ મુલિયા, દિપક મુંધવા, દિગો અને ચાર અજાણ્યા વિરૂધ્ધ ૩૨૩, રાયોટીંગનો ગુનો નોંધ્યો છે.

ગોપાલે ફરિયાદમાં જણાવ્યું છે કે હું નોકરી કરુ છું. મારા પિતાએ ફોન કરી રાજારામ સોસાયટીમાં બબાલ થયાની જાણ કરતાં હું રિપોર્ટીંગ કરવા ગયો હતો. અમારા કેમેરામેન પંકજ ડાભાીને ફોન કરી દીધો હોઇ તે પણ આવી ગયા હતાં. ઘટના સ્થળે રિપોર્ટીંગ માટે પંકજ ડાભીએ કેકેરો કરી રેકોર્ડિંગ કરતાં હસુએ તું શું રેકોર્ડિંગ કરે છે? કહી પંકજને ગાળો દીધી હતી. તેમજ તમારા લીધે જ આ બધુ થાય છે તેમ કહ્યું હતું.

ત્યાં એક કાળી સ્કોપિર્યો આવી હતી. જેમાંથી ત્રણ ચાર જણા ઉતર્યા હતાં અને લત્તાવસીઓ સાથે માથાકુટ કરવા માંડ્યા હતાં. ત્યાં દિપક મારી પાસે આવેલ અને ગાળો દઇ તું શું કામ રેકોર્ડિંગ કરે છે કહી મને ઢીકાપાટુ મારવા માંડ્યો હતો. તેમજ ગાળાગાળી કરી હતી. બીજા શખ્સોએ પણ ભેગા થઇ મને માર માર્યો હતો. લોકોએ મને છોડાવ્યો હતો. પંકજ ડાભીએ જાણ કરતાં અમારા બીજા રિપોર્ટર શૈલેષભાઇ પણ આવી ગયા હતાં. એ પછી અમે ફરિયાદ નોંધાવવા થોરાળા પોલીસ સ્ટેશને ગયા હતાં.

હેડકોન્સ. જે. એસ. ગોવાણીએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:01 pm IST)