Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

સિવિલના બાળકોના વિભાગમાં હૃદય, ફેફસા, કિડની અને મગજના રોગોની સારવાર-રસિકરણની સુવિધા

રાજકોટ : રંગબેરંગી કપડાંઓમાં સજ્જ નાના નાના ભૂલકાઓ 'માં'ની ગોદમાં રમતા રમતા તંદુરસ્તીના ડોઝ લેતા સુંદર દ્રશ્યો સિવિલના બાળ રોગ વિભાગમાં રોજ બરોજ જોવા મળે છે. માં યશોદા રૂપી આરોગ્યકર્મીઓ બાળકોના જતનની સાથે તેમના સ્વાસ્થ્યનું જે રીતે ધ્યાન રાખી રહયાં છે તે જોઈને બાળકની માતાઓના ચહેરા પર પણ સ્મિત ખીલી ઉઠે છે.   

કોરોના મહામારીના સમયમાં રાજકોટ સિવિલનો પીડિયાટ્રિક વિભાગ સપ્તાહ દરમ્યાન સ્પેશિયાલિટી કિલનિક સાપ્તાહિક કાર્યક્રમ હેઠળ ગેસ્ટ્રોલોજી, અસ્થમા, કાર્ડિયોલોજી, વેલ બેબી, ન્યુરોલોજી, નેફ્રોલોજી, હાઈ રિસ્ક કિલનિકલ સારવાર અને રસીકરણ કાર્યક્રમ દ્વારા તંદુરસ્ત બાળની વિભાવના સાથે કાર્ય કરી રહયો છે.આ કાર્યક્રમ હેઠળ જુદા જુદા રોગ માટે સાપ્તાહિક કાર્યક્રમ સતત ચાલુ હોવાનું સિનિયર રેસિડન્ટ ડો. રચના દુર્ગાઈ જણાવે છે.

કોરોનાની સાથોસાથ બાળવિભાગમાં ૧૨ વર્ષની ઉમર સુધીના રોજના ૭૦ થી વધુ બાળકો નિઃશુલ્ક સારવાર લઈ રહ્યા છે. વેલ બેબી કાર્યક્રમ હેઠળ દર બુધવારે બાળકોને રસીકરણ, બાળકનો ગ્રોથ અને જાગૃતતા કાર્યક્રમ ડો. રચના અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહયો છે. માનસિક રીતે નબળા બાળકો માટે ખાસ ડીઆઈસી સેન્ટર કાર્યરત છે જયાં ખાસ થેરાપી દ્વારા બાળકોને સમજણ પુરી પાડવામાં આવે છે તેમજ બાળકોને જરૂરી કસરત પણ કરાવવામાં આવે છે.બાળરોગ વિભાગમાં વેકસીનેસનની મુખ્ય કામગીરી કરતા નર્સ ભાવનાબેન રામાવત જણાવે છે કે, કોરોના જયારે ટોચ પર હતો ત્યારે બાળકોને વેકસીન માટે તેમના માતા-પિતા લાવતા નહોતા, પરંતુ તેમને સમયસર ટીકા લાગી જાય તે માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી સાવચેતી રાખીએ તો તેમના બાળકોને કઈ જ નહિ થાય તેમ અમે સમજાવટ કરી તેઓને હોસ્પિટલ બોલાવતા હતા. હાલ રોજના ૧૦ થી ૧૫ બાળકોને નિયમિત રસીકરણ કરવામાં આવતું હોવાનું ભાવનાબેન જણાવે છે.

(12:57 pm IST)