Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

મોરબી રોડ નંદનવન પાર્કમાં મજૂર ખત્રી પ્રોૈઢનું મકાન કેટલાક તત્વોએ પાડી નાંખ્યું: પચાવી પાડવાનો ઇરાદો

મુળ જેતપુરના ભરતભાઇ પડીયા માતા-પિતા બિમાર હોઇ વતન જેતપુર દેખરેખ માટે ગયા'તાઃ દસ વર્ષ જુનુ મકાન પાડી નાંખવામાં આવ્યું: આરોપીના નામ જોગ લેખિત ફરિયાદ કરીઃ પરંતુ પોલીસે કહ્યું કોર્ટમાં ફરિયાદ કરવી પડે!

તસ્વીરમાં ફરિયાદ કરનાર ભરતભાઇ પડીયા અને તેમનું પાડી નખાયેલુ મકાન જોઇ શકાય છે

રાજકોટ તા. ૨: જેતુપર ફુલવાડી વિસ્તાર એફ-૮માં રહેતાં અને બંગડી બનાવવાની મજૂરીનું કામ કરી ગુજરાન ચલાવતાં બ્રહ્મક્ષત્રિય ભરતભાઇ ભીખાભાઇ પડીયા (ઉ.૫૨) નામના પ્રોૈઢનું રાજકોટ મોરબી રોડ પુલ નજીક રે.સ. નં. ૨૬માં આવેલી નંદનવન પાર્ક કો.ઓ.હા.સોસાયટીનું સુચીત પ્લોટ નં. ૩૧માં આવેલુ ૧૦૩ વારનું મકાન પચાવી પાડવાના ઇરાદે તોડી પાડવામાં આવતાં આ મામલે પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

ભરતભાઇએ વાલાભાઇ વરૂ અને બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ લેખિત ફરિયાદ કરી જણાવ્યું છે કે હું જેતપુરમાં કુટુંબ સાથે રહી બંગડીનું કામ કરૂ છું. રાજકોટ નંદનવન સોસાયટીમાં મેં દસ વર્ષ પહેલા પ્લોટ લઇને ૧૦૩ વારમાં મકાન બનાવ્યું હતું. હાલમાં મારા માતા-પિતા બિમાર હોઇ તેમની દેખરેખ માટે હું વધુ સમય માટે જેતપુર રહુ છું. રાજકોટના મકાને આવ-જા કરતો રહતો હતો. આ મકાનમાં  હું અગાઉ લાંબો સમય પરિવારજનો સાથે રહ્યો હતો. ૨૦૧૧માં મારું આ નંદનવનનું મકાન પડાવી લેવા માટે કેટલાક શખ્સો સક્રિય થયા હતાં અને કાવાદાવા ચાલુ કર્યા હતાં. વાલાભાઇ સહિતનાએ અમારા ઘરમાં તોડફોડ કરી હતી. અમારા મકાનની ફાઇલ માંગી હતી. એ વખતે અમે બી-ડિવીઝનમાં ફરિયાદ પણ કરી હતી. હાલમાં મારા માતા બિમાર રહેતાં હોઇ હું જેતપુરથી રાજકોટ આવ-જા કરતો હતો. થોડા દિવસો સુધી હું રાજકોટ આવી શકયો નહોતો. હાલમાં આવીને જોતાં અમારું મકાન પાડી નાંખવામાં આવ્યાનું જણાયું હતું. મકાન અગાઉ જેના વિરૂધ્ધ અરજી કરી હતી તેણે જ પાડ્યું કે કેમ તેની ખબર પડી નથી. સુચિત સોસાયટીઓને હાલમાં સરકાર કાયદેસર કરવાની છે ત્યારે માફીયાઓએ અમારી મિલ્કત પડાવી લેવા કાવત્રુ ઘડ્યું હોય તેમ જણાય છે. મારા જેવા ગરીબ નાના માણસને પ્રત્યક્ષ, પરોક્ષ રીતે ધમકીઓ આપી મિલ્કત પડાવી લેવા પ્રયાસ થઇ રહ્યો છે. પોલીસને મેં રજૂઆત કરતાં મને કોર્ટમાં ફરિયાદ કરવાનું કહેવાયું છે. પોલીસ કમિશનરશ્રી આ મામલે તાકીદે તપાસ કરાવે અને મને ન્યાય અપાવે તેવી મારી માંગણી છે. તેમ વધુમાં ભરતભાઇ પડીયાએ જણાવ્યું છે.

(4:04 pm IST)