Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

રામ નામમે લીન હૈ, દેખત સબમે રામ, તાકે પદ વંદન કરૂ જય જય શ્રી જલારામ...

કાલે જલારામ જયંતિ : રાજકોટમાં દર્શનિય શોભાયાત્રા

ઠેરઠેર મહાઆરતી - મહાપ્રસાદના આયોજનો : ચોકે ચોકે શોભાયાત્રાનું થશે સ્વાગત : મવડી, પંચનાથ, ૧૫૦ ફુટ રીંગરોડ, ઘંટેશ્વર સહિતના વિસ્તારો જલારામમય

રાજકોટ તા. ૨ : 'અન્નનો ટુકડો ત્યાં હરી ઢુંકડો' સુત્રને જીવનમાં ચરીતાર્થ કરી બતાવનાર વિરપુરનાવાસી પુ. જલારામબાપાની કાલે જન્મ જયંતિ છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જલારામ જયંતિની ધામધુમથી ઉજવણી થશે. અભ્યાગતોને સદાય હરીહરની હાકલ પાડતા રહેતા જલાબાપાની જયંતિ નિમિતે મહાપ્રસાદનો મહીમા ઉજાગર ન થાય તો કેમ ચાલે. ઠેરઠેર ગુંદી ગાંઠીયા અને કઢી ખીચડીનીની પ્રસાદીના આયોજનો થયા છે.

રાજકોટમાં જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રાનું આયોજન થયુ છે. કાલે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયુ છે. જેનો કાલે સાંજે ૪.૩૦ વાગ્યે ચૌધરી હાઇસ્કુલ મેદાન ખાતેથી મંગલ પ્રારંભ થશે. શહેરના મુખ્યમાર્ગો પર ફરી રાત્રે ૮ વાગ્યે પંચનાથ મહાદેવ મંદિરે શોભાયાત્રા વિરામ પામશે. ત્યાં મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન થયુ છે.

શોભાયાત્રામાં જલારામબાપાનો મુખ્ય રથ અને ત્યાર બાદ વિવિધ સંસ્થા - મંડળોના ફલોટસ જોડાશે. સદ્દગુરૂ  પરિવાર, બજરંગ મિત્ર મંડળ, બોલબાલા ટ્રસ્ટ, રઘુવંશી યુવા ગ્રુપ, રઘુવીર યુવા સેના, લોહાણા યુવક પ્રગતિ મંડળ, રઘુવંશી યુવા ગ્રુપ ડેરીલેન્ડ, દેવપરા શાકમાર્કેટ એસો., એનીમલ હેલ્પલાઇન, સદ્દગુરૂ ડીઝીટલ પોઇન્ટ, નરેન્દ્રભાઇ ખોલીયા, રમેશભાઇ ગણાત્રા (ટુ વ્હીલર) ફલોટસ સાથે જોડાશે.

શહેરભરમાં જલારામ જન્મોત્સવ નિમિતે આયોજીત કાર્યક્રમોની સંકલિત યાદી અહીં પ્રસ્તુત છે.

શિવસેના દ્વારા જયુબેલી ચોકમાં શોભાયાત્રાનું સ્વાગત કરાશે

કાલે સંતશ્રી પૂ. જલારામ બાપાની ૨૨૦ મી જન્મ જયંતિ નિમિતે યોજાયેલ શોભાયાત્રાનું જયુબેલી ચોકમાં શિવસેના દ્વારા ભાવભીનું સ્વાગત કરાશે. આતશબાજી કરી ફુલડે વધાવાશે. શિવસેના પ્રદેશ અગ્રણી જીમ્મીભાઇ અડવાણી, શહેર પ્રમુખ ચંદુભાઇ પાટડીયા, શહેર ઉપપ્રમુખ નિલેષભાઇ ચૌહાણ, સંજયભાઇ ટાંક, જયેશભાઇ વોરા, નાગજી બાંભવા, બિપિન મકવાણા, પ્રકાશ ઝિંઝુવાડીયા, કિશન સિધ્ધપુરા, રાજન દેસાણી, કરણ મકવાણા, વિશાલ કવા, વિમલ નૈયા વગેરે ઉપસ્થિત રહેશે.

ભાજપ દ્વારા નાગરીક બેંક ચોકમાં શોભાયાત્રાનું સ્વાગત

કાલે પૂ. જલરામબાપાની નિકળનાર દર્શનિય શોભાયાત્રાનું શહેર ભાજપ દ્વારા નાગરીક બેંક ચોક, પરાબજાર ખાતે ઉમળકાભેર સ્વાગત કરાશે. તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

પુનિત સદ્દગુરૂ ભજન મંડળ

પુનિત સદ્દગુરૂ ભજન મંડળ દ્વારા ધુન ભજન કાર્યક્રમ તેમજ સાથે સ્નેહ મિલન અને જલારામ જયંતિની ઉજવણી કાલે રવિવારે સાંજે પ થી ૮ પ્રશાંતભાઇ બિહારીલાલ ભોજાણીને ત્યાં ૨૦૨, બીજા માળે, કલ્પતરૂ એપાર્ટમેન્ટ, જે. કે. પાર્ક શેરી નં.૧ આલાપ ગ્રીન સીટી પાછળ, રૈયા રોડ ખાતે રાખેલ છે. ભાવિકોએ પધારવા બિહારીભાઇ ભોજાણી પરિવાર અને મંડળના પ્રમુખ જયેશભાઇ નથવાણીએ જાહેર અનુરોધ કરેલ છે.

રઘુવંશી યુવક મંડળ મવડી

રઘુવંશી યુવક મંડળ મવડી વિસ્તાર દ્વારા કાલે જલારામ જન્મોત્સવનું રૂડુ આયોજન કરાયુ છે. ઇન્દ્રપ્રસ્થ હોલ પાછળ, મવડી ચોકડીથી નજીક, સમોઝાદ સ્કુલ પાસે કાલે બપોરે ૧૧.૩૦ વાગ્યે છપ્પન ભોગ ધરાવી મહાઆરતી બાદ રઘુવંશી સમાજ માટે મહાપ્રસાદ રાખેલ છે.

જલારામ પ્રાર્થના મંદિર ઘંટેશ્વર

જામનગર રોડ પર આવેલ શ્રી જલારામ પ્રાર્થના મંદિરે રઘુવીર યુવા સેના દ્વારા કાલે જલારામ જયંતિ ભાવભેર ઉજવાશે. બપોરે અને સવાર - સાંજ ૬ વાગ્યે આરતી તેમજ બપોરે અને રાત્રે બન્ને સમય ભાવિકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ છે. જાણીતા કલાકાર બીપીન વસાણી પ્રસ્તુત સરગમ ઓરકેસ્ટ્રા દ્વારા જલારામ બાપાની ઝાંખી, ભકિત સંગીત રજુ થશે. હેતલ મીસ્ત્રી, જયંત ગજજર, સુચિત્રા મહેતા, દિપક શુકલ, વિજય વાઘેલા, નીતિન ઢાંકેશા વગેરે કલાકારો ભાગ લઇ અવસરને યાદગાર બનાવશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા રઘુવીર યુવા સેનાના પ્રમુખ ભરતભાઇ અનડકટના માર્ગદર્શન હેઠળ શૈલેષ પુજારા, કેતન ઠકરાર, હિતેષ અનડકટ, મહેશ સોમૈયા, હસુભાઇ રાયચુરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

જલારામ યુવા કલબ  ૧૫૦ ફુટ રીંગ રોડ

સ્ટર્લીંગ હોસ્પિટલની બાજુમાં, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે જલારામ યુવા કલબ દ્વારા કાલે પૂ. જલારામ જન્મોત્સવની ઉજવણીરૂપે શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદનું આયોજન કરાયુ છે. ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધા રાખેલ છે. કાલે સવારે ૯ વાગ્યે અભિષેકભાઇ કકકડના નિવાસ સ્થાન, કકકડ હાઉસ, પરફેકટ મારૂતી શો રૂમની પાછળ, ધરમનગર સોસાયટી ખાતેથી વાજતે ગાજતે પૂ. બાપાની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી સ્ટર્લીંગ હોસ્પિટલની બાજુના મેદાનમાં 'જલારામધામ' ખાતે વિરામ અપાશે. આખો દિવસ વિવિધ કાર્યક્રમો ચાલશે. રાત્રે ૮ વાગ્યે જલારામ ભજન સંધ્યા સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સંતો મહંતો, વડીલો, સર્વ ધર્મ, સર્વજ્ઞાતિ, સર્વ સંપ્રદાયના ભાવિક સમુદાયના સથવારે ઉજવણી કરાશે. કિરીટભાઇ ગંગદેવ, કૃણાલ ગણાત્રા, હિરેન વડેરાના નેતૃત્વમાં કાર્યકરો, સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. વિશેષ માહીતી માટે મૌલીકભાઇ ચંદારાણા (મો.૮૧૫૪૮ ૭૬૦૦૦), દીપેન ઠકકર (મો.૯૭૭૩૦ ૭૮૯૭૩) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:00 pm IST)