Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

હેલ્મેટની હૈયાહોળીઃ ચોકે-ચોકે ચેકીંગમાં બમણો રોષ, બમણો દંડ

ગઇકાલે થોડી હળવાશ પછી આજે બીજા દિવસે આકરૂ વલણઃ આકરા 'દંડના ધોકા' સામે વાહનચાલકો લાચાર...ધરાર 'ટોપા' પહેરવા મજબૂરઃ સવારે ૧૦ થી ૧ સુધીમાં અલગ-અલગ સ્થળે પોલીસની ડ્રાઇવમાં હેલ્મેટના ૪૬૩ કેસઃ ટ્રાફિક બ્રાંચ-પોલીસની સાંજે પણ ખાસ ડ્રાઇવ

ચાલો ભાઇ હેલ્મેટનો દંડ ભરી દેજો...બહેન તમે પણ આ બાજુ આવો...રોકડા નથી તો ફોટો પડાવી લોઃ નવા ટ્રાફિક નિયમોનું અને ખાસ કરીને હેલ્મેટના કાયદાનું પાલન કરાવવા પોલીસ રિતસર મેદાને આવી ગઇ છે. ગઇકાલે થોડી હળવાશ રાખ્યા પછી આજે હેલ્મેટના દંડની કામગીરી વધુ વેગલી અને બમણી બનાવી દેવામાં આવી છે. ચોકે-ચોકે ચેકીંગમાં સાડા ત્રણ કલાકમાં ૪૬૩થી વધુ વાહન ચાલકો હેલ્મેટ વગર મળી આવતાં પોલીસે દંડ વસુલ કર્યો હતો. જેની પાસે રોકડા ૫૦૦ રૂપિયા નહોતા તેના વાહનની નંબર પ્લેટના ફોટા પાડી લેવાયા હતાં. હેલ્મેટ વગર નીકળેલા ભાઇઓ અને બહેનો એમ બધા વાહન ચાલકોને પોલીસે દંડ ફટકાર્યા હતાં. કેટલીક જગ્યાએ વાહન ચાલકો અને પોલીસ વચ્ચે જીભાજોડી પણ થઇ હતી. પણ પોલીસે શાંતિથી સમજાવવાનો માર્ગ અપનાવતાં કચવાતા મને, ભારે હૈયે વાહન ચાલકો દંડ ભરવા મજબૂર થયા હતાં. શહેરી વિસ્તારમાં ફરજીયાત હેલ્મેટના કાયદા સામે સખત રોષ વાહન ચાલકોમાં અંદરખાને વ્યાપી ગયો છે. જો કે મજબૂર થઇને તેઓ હેલ્મેટ પહેરી રહ્યા છે, કાં તો દંડ ભરી રહ્યા છે. અલગ-અલગ સ્થળે યોજાયેલી ડ્રાઇવના દ્રશ્યો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા) (૧૪.૧૦)

રાજકોટ તા. ૨: નવા મોટર વ્હીકલ એકટની જોગવાઇનો કડક અમલ કરાવવાની ગઇકાલથી શરૂઆત થઇ છે. લાભ પાંચમે જ પોલીસે દંડ ઉઘરાવવાનું શરૂ કરી દીધું હતું. પ્રારંભે જ સેંકડો વાહન ચાલકોને હેલ્મેટ પહેર્યા નહિ હોવાથી ૫૦૦-૫૦૦ના ચાંદલા કરવા પડ્યા હતાં. નવા કાયદા મુજબ હેલ્મેટ પહેરાવવા સરકાર કટીબધ્ધ છે, એ કારણે પોલીસ પણ પણ આ કામગીરીમાં વધુને વધુ ધ્યાન આપી રહી છે. ગઇકાલે પ્રારંભે હેલ્મેટના દંડ ઉઘરાવવાની કામગીરીમાં થોડી હળવાશ રાખવામાં આવી હતી. પરંતુ આજે હેલ્મેટની હૈયાહોળી વધુ સળગી છે. ચોકે-ચોકે ચેકીંગમાં વાહન ચાલકોમાં બમણો રોષ જોવા મળ્યો છે, તો સામે પોલીસે પણ દંડની કામગીરીને બમણી બનાવી દીધી છે. આજે સવારે સાડા ત્રણ કલાકની ડ્રાઇવમાં હેલ્મેટના ૪૬૩ કેસ હાજર દંડ અને આરટીપીથી નોંધવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.

ગઇકાલે પોલીસે સરકારી કચેરીઓ ખાતે ડ્રાઇવ યોજી હતી અને પોલીસ કમિશનર કચેરી, રૂરલ એસપી કચેરી, મામલતદાર ઓફિસ, મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ તથા ઝોન ઓફિસો, એસઆરપી કચેરી, કેકેવી ચોક સહિતના સ્થળોએ વાહન ચેકીંગ કરી ખાસ કરીને હેલ્મેટના કેસો જ વધુ કરવામાં આવ્યા હતાં. ગઇકાલે સવારે અને સાંજે યોજાયેલી ડ્રાઇવમાં ૧૧૮ એનસી કેસ કરી ૫૭૮૦૦નો દંડ વસુલાયો હતો. તો તેની સામે ૩૫૬ વાહન ચાલકોના ફોટા પાડી આરટીપી હેઠળ ઓનલાઇન મેમો મોકલવા કાર્યવાહી કરાઇ હતી.

તેની સામે આજે સવારની સાડા ત્રણ કલાકની ડ્રાઇવમાં જ પોણા પાંચસો જેટલા હેલ્મેટના કેસ નોંધાયા હતાં. ૧૩૧ એનસી કેસમાં ૭ કેસ અન્ય નિયમના ભંગના અને બાકીના ૧૨૪ હેલ્મેટ ન પહેર્યુ હોય તેના હતાં. આ ડ્રાઇવમાં ૬૨૧૦૦નો દંડ વસુલ કરાયો હતો. તેમજ આરટીપી હેઠળ ૩૩૯ વાહન ચાલકોના ફોટા પાડવામાં આવ્યા હતાં. એટલે કે ગઇકાલ કરતાં આજે દંડની કાર્યવાહી વધુ કડક અને બમણી બનાવાઇ હતી.

ગઇકાલથી ઝુંબેશ ચાલુ થઇ ત્યારથી જ ટુવ્હીલર ચાલકો અનિચ્છાએ પણ મસમોટા દંડથી ડરીને હેલ્મેટ પહેરતા થઇ ગયા છે. મજબૂરીવશ હેલ્મેટ પહેરીને નીકળતાં હોવાનું વાહન ચાલકો સ્પષ્ટ કહે છે. ૨૦૦-૩૦૦ કમાનારા લોકો ૫૦૦ના દંડથી ડરી ગયા છે. હૈયે બમણો રોષ છે. શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવાના ફરજીયાત કાયદા સામે સોમાંથી નેવું વાહન ચાલકો વિરોધ દર્શાવી રહ્યા છે. પરંતુ દંડની સામે ડરીને અને વિરોધ કરવાના સમયને અભાવે મજબૂરીવશ હેલ્મેટ પહેરવાનું યોગ્ય સમજી રહ્યા છે. પોલીસે આજે ગઇકાલ કરતાં બમણા જોશથી હેલ્મેટના દંડ વસુલ કર્યા છે. લોકોનો રોષ પણ બમણો થયો છે. પરંતુ આ રોષ મનમાં જ ધરબાયેલો રહ્યો છે. ઠેકઠેકાણે, ચોકે ચોકે ચેકીંગને કારણે હેલ્મેટ વગરના વાહન ચાલકો આગળ પોલીસને જોઇ પાછા વળી જતાં જોવા મળ્યા હતાં. ઘણી જગ્યાએ પોલીસ અને વાહન ચાલકો વચ્ચે જીભાજોડી પણ થઇ હતી. જો કે પોલીસે આદેશ મુજબ 'કામગીરી' કરી હતી.

સવારે સાડા ત્રણ કલાકની ડ્રાઇવ બાદ સાંજે પણ ખાસ ડ્રાઇવ યોજવામાં આવશે અને દંડ વસુલાત થશે. ટુવ્હીલર ચાલકોને ફરજીયાત હેલ્મેટ પહેરવા જ પડશે કે શહેરી વિસ્તારમાંથી આ કાયદામાં બાંધછોડ થશે? એ કોઇને ખબર નથી. હાલમાં તો દંડના ડરના માહોલ વચ્ચે વાહન ચાલકો હેલ્મેટ પહેરતા થઇ ગયા છે.

(3:50 pm IST)