Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

રાજકોટમાં છઠ્ઠ પૂજા મહોત્સવના ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમનો દબદબાભેર પ્રારંભ

શ્રી સુર્ય પૂજા સમીતી (હિન્દી સમાજ ભાષા) ભાષી સેલ દ્વારા અનેરૂ આયોજનઃ ભાવિકો ઉમટયા

રાજકોટ, તા., રઃ જે રીતે ગુજરાતમાં જયા પાર્વતી વ્રત, મોળાકત અને અન્ય ધાર્મિક તહેવારોનું મહત્વ છે એ રીતે ખાસ કરીને બિહારમાં છઠ્ઠ પૂજાનું ખુબ જ મહત્વ હોય છે. આ તહેવાર સૌથી મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે અને બે દિવસ સુધી ચાલે છે. રાજકોટમાં વસતા બિહારી બંધુઓ સહીતના રાજય બહાર વસતા લોકોમાં જેનું અનેરૂ મહત્વ છે તેવા  સુર્યપુજા  છઠ્ઠ મહોત્સવનો  સુર્યપુજા સેવા સમીતી (હિન્દી સમાજ ભાષા) તથા ભાષીસેલ દ્વારા ભવ્યાતીભવ્ય ધાર્મિક અને સંસ્કૃતિના સંગમ સમા રંગારંગ છઠ્ઠપૂજા મહોત્સવનો આજી ડેમ ખાતે આજ સાંજથી પ્રારંભ થયો છે.

બિહારી સમાજ માટે આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવનું વિશેષ મહત્વ હોય છે અને પૂજામાં ચુક થયે દેવતા નાખુશ બને છે તેવી માન્યતા હોવાના કારણે ભાવીકો ખુબ જ ભાવ પૂર્વક છઠ્ઠપૂજા મહોત્સવનો તહેવાર મનાવે છે તેમ આ છઠ્ઠપૂજા મહોત્સવ અંગે રસપ્રદ વિગતો આપતા મૂળ બિહારના અને આર્મ્સ યુનીટના આઇજી તરીકે ફરજ બજાવતા રાજય પોલીસ તંત્રના કર્તવ્યનિષ્ઠ  અધિકારી તરીકે છાપ ધરાવતા અજયકુમાર ચૌધરીએ અકિલાને જણાવ્યું હતું.

શ્રી સુર્ય છઠ્ઠ પૂજાના આ શુભ અવસર માટે માર્ગદર્શક નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રમુખ ધનંજયસિંહ, મહામંત્રી દિનેશ મંડલ, લેખાપાલ, રાજુ શર્મા, કાર્યાલય મંત્રી સુરેશ ગુપ્તા તથા શિવમ કલા કેન્દ્રના રાજુભાઇ તથા અગ્રણીઓ જંગબહાદુર મહેતા, સત્યનારાયણ ખારવા અને સજ્જન પ્રસાદ યાદવ સમારોહના મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત હોવાનું જાણવા મળે છે. મોટી સંખ્યામાં ભાવીકો જેમાં ઉપસ્થિત રહયા છે તેવા છઠ્ઠ પૂજા મહોત્સવ માટે ખુબ જ હર્ષઉલ્લાસ છવાયો છે.

(1:11 pm IST)