Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

દિવાળી પર્વે ખોડલધામમાં ઉમટી પડ્યુ ભકતોનું ઘોડાપૂર : મંદિર પરિસરમાં લાઈટોથી શણગાર

રાજકોટ : મા ખોડલનો જયાં સાક્ષાત વાસ છે એવું જેતપુરના કાગવડ ગામ પાસે આવેલું ખોડલધામ દેશ-વિદેશમાં જાણીતું બની ગયું છે. ટૂંકાગાળામાં જ ખોડલધામની ભકિતની સુવાસ ચારેકોર ફેલાઈ ચૂકી છે. ધર્મ સ્થાનની સાથે સાથે ખોડલધામ સૌરાષ્ટ્ર વિસ્તારનું પ્રવાસન ધામ પણ બની ગયું છે. એમાંય વેકેશનના દિવસોમાં તો ખોડલધામ મંદિરે દરરોજ લાખોની સંખ્યામાં ભકતો ઉમટી પડે છે. દિવાળીના વેકેશનમાં પણ દેશ-વિદેશના લાખો ભકતોએ ખોડલધામની મુલાકાત લઈ મા ખોડલના આશીર્વાદ મેળવી નવા વર્ષનો મંગલ પ્રારંભ કર્યો. દરરોજ મોટી સંખ્યામાં ભકતો દર્શનાર્થે આવતા હોવાથી કોઈ પણ જાતની તકલીફ ઉભી ન થાય તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં ભકતોએ મા ખોડલના દર્શન કરીને મંદિર પરિસરમાં આવેલા રમણીય બગીચા, ગજીબા, શકિતવનમાં પરિવાર સાથે પ્રકૃતિનો આનંદ માણ્યો હતો.

ભકતોએ ખોડલધામ અન્નપૂર્ણાલયમાં મહાપ્રસાદ લીધો હતો. વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો મા ખોડલના દર્શને આવતા હોવાથી અન્નપૂર્ણાલયમાં ભકતોને કોઈ મુશ્કેલી ન પડે તેની પણ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તકેદારી રાખવામાં આવી હતી. નેશનલ હાઈવેથી લઈને ખોડલધામ મંદિર સુધી ભકતોને કોઈ તકલીફ ન પડે તે માટે વેકેશનમાં દરરોજ ૩૦૦થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી. ખોડલધામમાં દર્શન માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી સ્વયંસેવકોએ પાર્કિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા, અન્નપૂર્ણાલય, કેન્ટીન, બગીચા, પ્રસાદઘર વગેરે વિભાગોમાં ખડેપગે રહીને સવારથી સાંજ સુધી સેવા આપી હતી. દિવાળાના વેકેશનમાં માતાજીના દર્શન કરવા માટે મંદિરના અંદરના ભાગથી લઈને બહાર સુધી મોટી લાઈનો લાગી હતી તેમ છતાં કોઈ જ પ્રકારની મુશ્કેલી વિના ભકતોએ શાંતિથી દર્શન કર્યા હતા. ઉપરાંત ભકતો માટે વિનામૂલ્યે ચા-પાણીની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દિવ્યાંગ કે સિનિયર સિટીઝન માટે મુખ્યગેટથી મંદિર સુધી જવા માટે વ્હીલચેર અને ગોલ્ફકારની વ્યવસ્થા પણ સ્વયંસેવકોએ સંભાળી હતી.

(1:08 pm IST)