Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ખાટરિયા તરફી અને વિરોધી જુથની રજુઆત,પ્રદેશ પ્રમુખે કહ્યુ 'રવિવારે વીંછીયામાં મળશુ'

ખાટરિયા જુથે જિલ્લા પ્રમુખ હિતેષ વોરા પર પણ નિશાન તાકયુ :ખાટરિયા વિરોધીઓએ પ્રમુખ, ઉપપ્રમુખના રાજીનામાની માંગ કરી

રાજકોટ તા. ૧ :.. આજે જિલ્લા પંચાયતના અકબંધ બાગીઓ સિવાઇના રર પૈકી ૧૮ સભ્યોએ અમદાવાદ ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને જિલ્લા નિરીક્ષક બ્રિજેશ મેરજા સમક્ષ સામસામી રજુઆત કરેલ. પ્રદેશ પ્રમુખે મગનું નામ મરી પાડવાના બદલે તા. ૪ નવેમ્બરની મુદત પાડી છે તે દિવસે તેઓ પાર્ટીના એક કાર્યક્રમ માટે જસદણ આવી રહ્યા છે. ત્યારે વીંછીયા ખાતે ફરી બધા સભ્યોને મળી ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યુ હતું.

ખાટરિયા તરફી સભ્યોએ અસંતુષ્ટો અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરાને હાલની પરિસ્થિતી માટે જવાબદાર ગણાવેલ. ખાટરિયા વિરોધી સભ્યોએ હિતેષ વોરાનો બચાવ કરી અર્જુન ખાટરિયાની નીતિ-રીતિને મનસ્વી ગણાવતી રજુઆત કરેલ. આ જુથે છેલ્લા ૧પ દિવસની ઘટનાના ઉદાહરણ આપી પ્રમુખ, ઉપપ્રમુખનું રાજીનામું માંગી લેવાની લાગણી વ્યકત કરી હતી.

હવે રવિવારે પ્રદેશ પ્રમુખ બધા સભ્યોને સાથે બેસાડયા પછી શું નિર્ણય લ્યે છે તે જોવાનું રહ્યું. ખાટરિયા વિરોધી અમુક સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત અથવા પ્રમુખ, ઉપપ્રમુખમાં બદલાવની  માનસિકતા, બતાવી છે. બન્ને તરફી સભ્યોએ પંચાયતમાં સૌને વિશ્વાસમાં લઇને, શાસન ચલાવાય તેવી લાગણી વ્યકત કરી હતી.

રજુઆત વખતે ઉપપ્રમુખ સુભાષ માંકડીયા, સભ્યો ચંદુભાઇ શીંગાળા, બાલુભાઇ વીંઝૂડા, નાનજીભાઇ ડોડીયા,  પરસોતમભાઇ લુણાગરિયા, કિશોર આંદીપરા વગેરે હાજર રહ્યા હતાં. (પ-ર૭)

 

(3:20 pm IST)