Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

સિવિલ હોસ્પિટલમાંથી કેદીનો ભાગી જવાનો પ્રયાસ...ઓપીડીના સેલરમાંથી પકડી લેવાયો

કેદી પાર્ટીના સ્ટાફને ઇમર્જન્સી પાસેથી કેદી ભાગ્યાની જાણ થતાં દોડધામ મચીઃ એક હાથમાં હાથકડી સાથેનો એક શખ્સ સેલરમાં ઘુસી ગયાની જાણ થતાં દબોચી લેવાયોઃ કેદી પાર્ટીના સ્ટાફને હાશકારો

રાજકોટ તા. ૨: જેલમાંથી સમયાંતરે અલગ-અલગ કેદીઓને જેલમાં જે સારવાર મળી શકે તેમ ન હોઇ તે માટે તેમજ જુદા-જુદા રિપોર્ટ કરાવવા માટે કેદી પાર્ટીના સ્ટાફ સાથે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવતાં હોય છે. અહિથી કેદી પાર્ટીના સ્ટાફ (પોલીસ કર્મચારીઓ)ની નજર ચુકવી અગાઉ ઘણી વખત કેદી ભાગી ગયાના કિસ્સા બની ચુકયા છે. આ મામલે પોલીસ ફરિયાદો પણ નોંધાવવામાં આવતાં કાર્યવાહી થઇ હતી. દરમિયાન આજે સિવિલ હોસ્પિટલના ઈમર્જન્સી વિભાગ પાસેથી એક કેદી જાપ્તામાં પોલીસ કર્મચારીઓની નજર ચુકવી છનનન થઇ ગયો હતો. અચાનક કેદી પાર્ટીના સ્ટાફને ખબર પડતાં દોડધામ મચી ગઇ હતી. બધા હાફળા-ફાફળા થતાં કેદીને શોધવા દોડવા માંડ્યા હતાં. જો કે અજાણ કેદીને રસ્તાઓની ખબર ન હોઇ તે ઓપીડી બિલ્ડીંગના સેલરમાં ઘુસી ગયો હતો. ત્યાંથી બહાર નીકળવાનો રસ્તો ન મળતાં પકડાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ સવારે એક કેદીને જેલમાંથી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. સાથેનો પોલીસ સ્ટાફ તેને ઇમર્જન્સી વોર્ડ પાસે લાવ્યો હતો. આ વખતે કોઇપણ રીતે તક મળી જતાં કેદી સ્ટાફની નજર ચુકવી નીકળી ગયો હતો. કેદી જોવા ન મળતાં જાપ્તા સ્ટાફના શ્વાસ અધ્ધર ચડી ગયા હતાં. તેને શોધી કાઢવા હોસ્પિટલ કમ્પાઉન્ડમાં બધાએ દોડધામ કરી મુકી હતી.

અમુક પોલીસ કર્મચારીઓ ઓપીડી અને ટ્રોમા સેન્ટર વચ્ચેના રસ્તા પર થઇ મુખ્ય ગેઇટની બહાર દોટ મુકી રહ્યા હતાં ત્યારે ત્યાં હાજર લોકોએ એક શખ્સ કે જેના એક હાથમાં હાથકડી છે તે ઓપીડીના સેલર તરફ ગયો હોવાની જાણકારી આપતાં

પોલીસ કર્મચારીઓ અંદર દોડી ગયા હતાં. સેલરમાંથી બહાર નીકળવાનો બીજો કોઇ રસ્તો ન હોઇ તે ત્યાં જ આટાફેરા કરતો જોવા મળતાં પકડી લેવાયો હતો. આ મામલે જો કે પોલીસને કોઇ જાણ કરવામાં આવી નથી. આ બનાવે હોસ્પિટલ વર્તુળોમાં ચર્ચા જગાવી હતી.

(1:24 pm IST)