Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

વિનય કો.ઓ.હા.સોસાયટીનો સાર્વજનિક પ્લોટ પચાવી પાડવાનો ઇરાદો-રહેવાસીઓને ગાળો ભાંડી

સોસાયટીના ભયભીત રહેવાસીઓએ માલવીયાનગર પોલીસને લેખિત ફરિયાદ કરી

રાજકોટ તા. ૨: શહેરમાં પી. ડી. માલવીયા કોલેજ પાછળ આવેલી વિનય કો. ઓ. હાઉસીંગ સોસાયટી લી.ના કોમન પ્લોટને પચાવી પાડવાના કાવાદાવા શરૂ થયાની અને તેમાં ઘુસણખોરી કરવામાં આવી રહ્યાની લેખિત રજૂઆત સોસાયટીના રહેવાસીઓએ માલવીયાનગર પોલીસ ઇન્સ્પેકટરશ્રીને કરી આ અંગે પગલા લેવા માંગણી કરી છે.

સોસાયટીના રહેવાસીઓએ સહી સાથે સોસાયટીના લેટરપેડ પર રજૂઆત કરી જણાવ્યું છે કે સોસાયટીના સાર્વજનીક પ્લોટમાં તા. ૧ના રોજ નિવૃત ઇન્ચાર્જ નાયબ મામલતદાર એમ. ડી. માંજરીયા સાર્વજનીક પ્લોટમાં આવ્યા હતાં. તેની સાથે બે વ્યકિત અને જેસીબી વાહન નં. જીજે૩ઇએ-૮૯૬૭ તથા ઇનોવા કાર જીજે૩ડીએન-૨૭૦૬ હતાં. બપોરના ત્રણ પછી સાર્વજનીક પ્લોટ પચાવી પાડવાના ઇરાદા સાથે આવેલ અને સોસાયટીના રીપેરીંગ માટેની કપચીને ઉપડાવી બહાર નાખી દઇ સોસાયટીના સભ્યો સાથે ગાળાગાળી કરી સોસાયટીના બહેનોની હાજરીમાં અસભ્ય શબ્દો બોલી સરકારના ખોટા કાગળો રજૂ કરી ખોટી દલીલ કરી ખોટો પ્રયાસ કર્યો છે.

તેમના આવા વર્તનથી દરેક સભાસદ ભયભીત થઇ ગયા છે. આવું ફરીથી ન થાય તે માટે પગલા લેવા અમારી સોસાયટીના રહેવાસીઓની માંગણી છે. રહેવાસીઓની સહી સાથેની અરજી માલવીયાનગર પોલીસમાં કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે અગાઉ ૨૭મીએ એમ.ડી. માંજરીયા તરફથી પણ એક અરજી સોસાયટીના પ્રમુખ વિરૂધ્ધ થઇ હતી. જેમાં તેઓ સાર્વજનિક પ્લોટમાં કાકરી કપચી નાંખી દબાણ કરતાં હોવાનો આરોપ મુકાયો હતો. આ બંને અરજીઓની તપાસ શરૂ થઇ છે.

(3:07 pm IST)