Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

વાલીઓ સંતાનો માટે ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ વળતા થયા એ સરકારની સાચી શિક્ષણ નીતિનો પુરાવો : ધનસુખ ભંડેરી

પોરબંદરમાં વિજયભાઇના જન્મદિનના ઉપલક્ષ્યમાં મ્યુ.ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષની ઉપસ્થિતિમાં જ્ઞાનશકિત દિવસની ઉજવણી

રાજકોટ તા.૧ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકારને પાંચ વર્ષ પુર્ણ થવા જઇ રહ્યા છે. ત્યારે તા. ૧ ઓગસ્ટથી તા.૯ ઓગસ્ટ સુધી યોજાનાર વિવિધ લોકાર્પણ, ખાતમુહૂર્ત સહિત લાભાર્થીઓને કીટ વિતરણ કાર્યક્રમના ભાગરૂપે આજરોજ પોરબંદર સહિત સમગ્ર રાજયમાં જ્ઞાનશકિત દિવસની ઉજવણી અંતર્ગત શૈક્ષણિક યોજનાઓની સહાય વિતરણ કાર્યક્રમો, વિવિધ ઉદઘાટનો, ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા.  

જે અંતર્ગત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઇ ભંડેરીના અધ્યક્ષસ્થાને પોરબંદર સ્થિત ડો. વી. આર. ગોઢાણીયા કોલેજ ઓફ એન્જિનીયરીંગ એન્ડ ટેકનોલોજી ખાતે જ્ઞાનશકિત દિવસની ઉજવણી કરવાની સાથે વિવિધ યોજનાઓ અંતર્ગત પ્રતિકાત્મક લાભાર્થીઓને સહાય કીટ તથા ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. 

આ પ્રસંગે કાર્યક્રમનાં મુખ્ય મહેમાનશ્રી ધનસુખભાઇ ભંડેરીએ હર્ષની લાગણી સાથે કહ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતે અનેક પ્રકલ્પો પ્રાપ્ત કર્યા છે. ત્યારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજય સરકારે દશેય દિશામાં પારદર્શક વહિવટ કરી ગુજરાતને પ્રગતિશીલ બનાવવાની સાથે અન્ય રાજયો માટે માર્ગદર્શક બનાવ્યુ છે. 

ધનસુખભાઇએ વધુમાં કહ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સરકારની નવી શિક્ષણ નીતિને વિધાર્થીઓ, વાલીઓ સહિત શિક્ષણવીદોએ આવકારી છે. સરકારે પારદર્શક વહિવટ દ્રારા શિક્ષકોની મોટાપાયે ભરતી કરી છે. સરકારી શાળાઓનાં સ્માર્ટ કલાસરૂમમાં વિધાર્થીઓનું યોગ્ય દિશામાં ઘડતર થઇ રહ્યુ છે. જેના પરિણામે અત્યારે વાલીઓ ખાનગી શાળામાંથી પોતાના સંતાનોને ઉઠાવીને સરકારી શાળામાં એડમીશન લઇ રહ્યા છે. આ પ્રસંગે શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રે રાજય સરકારે કરેલા વિકાસની ઝલક શ્રીધનસુખભાઇએ મુકી હતી.

પોરબંદરના ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયાએ કહ્યુ કે, વર્તમાન સરકારે શિક્ષણલક્ષી કાર્યો કરીને નાગરિકોને વિચારશીલ બનાવ્યા છે. વિધાર્થીઓ અભ્યાસના સીલેબસ સિવાયનું સાહિત્ય વાંચે તે જરૂરી છે.

કલેકટરશ્રી અશોક શર્માએ ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ, લેખક ઉમાંશકર જોશીને યાદ કરીને વિદ્યાર્થીઓ સમક્ષ ઉમાંશકર જોશીની કવિતા રજુ કરીને કાર્યક્રમને શોભાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધિનગરમાં યોજાયેલા લાઇવ પ્રસારણ ઉપસ્થિતોએ નિહાળ્યુ હતુ.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિ.કે.અડવાણી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પ્રતાપભાઇ કેશવાલા, જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ નીલેશભાઇ મોરી, ડો વિરમભાઇ ગોઢાણીયા, પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકાના પ્રમુખ સરજુભાઇ કારીયા, કિરીટભાઇ મોઢવાડીયા, ખીમજીભાઇ મોતીવરસ સહિત મહનુભાવો તથા કોવિડ-૧૯ના પાલન સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે નમો ઇ-ટેબલેટના લાભાર્થીઓને ટેબલેટ, શોધ યોજનાના લાભાર્થીઓ તથા MYSY યોજનાના પ્રતિકાત્મક લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચેક વિતરણ કરાયા હતા. કાર્યક્રમનું સ્વાગત પ્રવાચન પ્રાંત અધિકારીશ્રી કે.વી. બાટીએ તથા આભારવિધિ ગોઢાણીયા કોલેજના આચાર્યશ્રી કેતનભાઇ શાહે કરી હતી. કાર્યક્રમનુ સંચાલન ડો. એમ. એન. વાઘેલાએ કર્યુ હતુ. 

(11:53 am IST)