Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

પૃશા પટેલને પતિથી અલગ પાડવા અનહદ ત્રાસઃ તાંત્રિક પાસે લઇ જઇ વિધી કરાવડાવી

તાંત્રિકે શ્રાપ આપી છપ્પરપગી હોવાનું કહ્યું: વિધી બાદ પતિ પણ બદલાઇ ગયો અને મારકુટ કરવા માંડ્યોઃ હાલ પર્ણકુટીર ચોકી સામે માવતરે રહેતી પૃશાની ફરિયાદ પરથી માસ્તર સોસાયટીમાં રહેતાં પતિ જોન્ટી, સાસુ મીનાબેન, સસરા ધીરજલાલ શીંગાળા, નણંદો પૂજા, લીઝા, માસીજી કાંતાબેન પરસાણા અને તેના પુત્ર કિશન સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો :પતિએ ઓડી કારની ઠોકરે એકટીવાને ચડાવ્યું: પતિ-સસરાએ પોલીસ મથકે જઇ ગોઠવણ કરી ફરિયાદ ન થવા દીધાનો પણ આક્ષેપ

રાજકોટ તા. ૨: હાલ પર્ણકુટરી પોલીસ ચોકીની સામેના ભાગે ઠાકોર રેસિડેન્સી એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૨ છઠ્ઠા માળે રહેતી પૃશા જોન્ટી શીંગાળા (ઉ.૨૩) નામની પટેલ પરિણિતાએ વાણીયાવાડી વૃંદાવન માસ્તર સોસાયટી મેઇન રોડ પટેલ વાડી સામે રહેતાં પતિ, સાસુ, સસરા તથા મુંબઇ તથા અમદાવાદ રહેતી નણંદો અને બિગ બાઝાર પાછળ રહેતાં માસીજી તથા તેના દિકરા સામે ચોંકાવનારી ફરિયાદ નોંધાવી છે. ખોટી શંકા કરી નાની-નાની વાતે ટોર્ચર કરી તેમજ તાંત્રિક પાસે વિધી કરાવવાના બહાને હેરાન કરી મારી નાંખવાની ધમકી આપ્યાનો અને છેલ્લે ઘરમાંથી કાઢી મુકયાનો આરોપ મુકાયો છે.

મહિલા પોલીસે પૃશા શીંગાળાની ફરિયાદ પરથી પતિ જોન્ટી, સસરા ધીરજલાલ નાથાભાઇ શીંગાળા, સાસુ મીનાબેન (રહે. વૃંદાવન માસ્તર સોસાયટી) તથા નણંદ લીઝા જ્વલંત ભાલાળા (રહે. નવી મુંબઇ, નણંદ પૂજા ગોૈરવ પરમાર (રહે. અમદાવાદ) તથા  માસીજીના દિકરા કિશન ચંદુભાઇ પરસાણા અને માસીજી કાંતાબેન ચંદુભાઇ પરસાણા (રહે. બિગ બાઝાર પાછળ) સામે ત્રાસ અને દહેજધારાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

પૃશાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હાલમાં છએક માસથી હું મારા માતા-પિતાને ત્યાં રહુ છું. મારા લગ્ન ૯/૫/૧૭ના રોજ જોન્ટી સાથે જ્ઞાતિના રિવાજ મુજબ થયા છે. લગ્નના એકાદ માસ મને સારી રીતે રાખી હતી. મારે અને જોન્ટીને ખુબ સારુ ભળતું હોઇ અને અમે કપલ ગોલ્ડ તરીકે ઓળખાવા લાગતાં મારા સાસુના પેટમાં તેલ રેડાયું હતું. તેમને એવો ભય હતો કે ભવિષ્યમાં જોન્ટી માત્ર મારો જ થઇ જશે. આ કારણે અમારા સુખી સંસારમાં આગ લગાડવા સાસુએ તાંત્રીકનો સહારો લીધો હતો. ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી રોડ તરફ જતાં  એક તાંત્રીક છે તે મેલી વિદ્યા કરી લોકોના ઘર ભાંગે છે. મારા સાસુ તેના સંપુર્ણ વશમાં હતાં. તાંત્રીક કહે એટલુ જ મારા સાસુ કરતાં હતાં. તેમની પાસેથી તે પુષ્કળ પૈસા પણ પડાવતો હતો.

મારા લગ્નને બે દિવસની વાર હતી ત્યારે સાસુ મને તાંત્રિક પાસે લઇ ગયા હતાં. કોઇની નજર ન લાગે તેમ કહીને મને લઇ જવાઇ હતી ત્યારે મને ખુબ ખરાબ અનુભવ થયો હતો. અમારા પતિ-પત્નિના પ્રેમમાં ભંગાણ પાડવામાં માસીજી કાંતાબેન અને તેનો પુત્ર કિશન પરસાણા પણ સામેલ છે. આ બધા મને તથા મારા પતિને તાંત્રીક પાસે લઇ ગયા હતાં. જ્યાં મારા ઉપર વિધી કરી મારા વાળ છુટા કરાવી કાળા કપડાની ઢીંગલી બનાવી માથેથી ઉતારી આંખો બંધ કરાવી વળગાડ કાઢવો પડશે તેમ કહી મારા શરીરને સ્પર્શ કરતાં મેં વિરોધ કરતાં મને શ્રાપ આપ્યો હતો. ત્યારે મારા સાસુ, માસીજીએ મને ફડાકા મારી લઇ તાંત્રીક તારૂ ધનોત પનોત  કાઢી નાંખશે તેવું કહ્યું હતું.

તેમજ તાંત્રીકે આ છોકરી છપ્પરપગી છે તમારું ઘર બરબાદ કરશે તેવું કહ્યું હતું. ત્યારથી ત્રાસની શરૂઆત થઇ હતી. નણંદ પૂજા તથા બીજા નણંદ પણ કાનભંભેરણી કરતાં હતાં. આને કારણે મારા પતિ સાવ બદલાઇ ગયેલા અને મને એક દિવસ પતિએ વાળ પકડી ધક્કો દઇ પછાડી દઇ વાળ ખેંચી દિવાલમાં જોરથી પછાડેલ. મારા સાસુએ મારુ મોઢુ દબાવી દીધુ હતું અને માર માર્યો હતો. આ બદાએ ભીખારણ જેવા શબ્દો કહી વધુ દહેજ પણ માંગતા હતાં. ખુબ ઝઘડો થતાં મારા પપ્પાને બોલાવ્યા હતાં. તે વખતે માસીજી અને તેનો દિકરો પણ આવી ગયા હતાં. પતિ, સાસુ, સસરા, નણંદ અને માસીજી તથા તેનો દિકરો તુરત જ એવું કહેવા માંડ્યા હતાં કે અમે મર્સિડિસ, ઓડી, બીએમડબલ્યુવાળા છીએ, અમારા ઘરના મોભા પ્રમાણે તમારે કરિયાવર આપવો જોઇએ. માત્ર પચાસ તોલા દાગીના જ તમે આપ્યા છે.

પૃશાએ ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે મારા પિતાને આ લોકોએ કહ્યું હતું કે અમને તાંત્રિકે કીધુ છે કે પૃશાને કારણે અમારુ ઘર બરબાદ થઇ ગયું છે. જોન્ટીને તો બીજી છોકરીઓ સાથે લફરા છે જ..તેમ કહી તેના મોબાઇલમાં છોકરીના નામ અને વાતચીત કરે છે તે બતાવ્યું હતું. તેમજ પૃશાને કારણે જોન્ટી દારૂ પીતો થઇ ગયો છે તેવા આક્ષેપો કર્યા હતાં.

પૃશાએ આગળ જણાવ્યું છે કે ૨/૧/૧૯ના હું જોન્ટી અને કિશન જેતપુર જોન્ટીના મિત્રના લગ્નમાં ગયા હતાં. ત્યાં કિશન અને જોન્ટીએ દારૂ પીધો હતો. વળતા જોન્ટી ખુબ સપીડથી કાર ચલાવતો હતો. મને બીક લાગતાં તેણે કહેલ કે બીક લાગતી હોય તો ઉતરી જા. એ પછી જોન્ટીએ બાલાજી હોલ પાસે તેની ઓડી કાર જીજે૩જેઆર-૭૨૭૨થી રાતે એક દોઢ વાગ્યે એકટીવાવાળાને ઉલાળી દીધો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ આવી હતી. પરંતુ પોલીસ સ્ટેશને જઇ મારા સસરા સહિતે ગુનો દાખલ થવા દીધો નહોતો. આ લોકો ખોટુ કરવામાં પણ માહેર છે. નણંદોએ તો છેલ્લે ન બોલવાના શબ્દો બોલી કહ્યું હતું કે જોન્ટી અને પૃશાને એક થવા જ દેવા નથી. પૃશાની સામે જ જુદી-જુદી છોકરીઓ સાથે જોન્ટીને વાત કરાવું છું તો પણ એ જતી નથી તેમ કહી ચઢામણી કરી હતી.

બધાએ મળી અમાનુષી ત્રાસ ગુજાર્યો હતો. પ્રસંગોપાત કપડા કેવા પહેરવા તે મામલે પણ બધાની હાજરીમાં ઉતારી પાડવામાં આવતી. ગળામાંથી મંગલસુત્ર કાઢી નાંખવાનું કહીને પણ માર માર્યો હતો. છેલ્લે ૨૫/૧/૧૯ના રોજ ઘરમાંથી ધક્કા મારી કાઢી મુકતાં પિતાને ફોન કરતાં પિતા રસ્તામાંથી તેડી ગયા હતાં. ત્યારથી હું ઓશીયાળુ જીવન જીવી રહી છું. તેમ વધુમાં પૃશાએ ફરિયાદમાં જણાવતાં પીએસઆઇ એન. બી. ડાંગરે ગુનો દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:37 pm IST)