Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

બાગીઓને ઘર ભેગા કરાવવાનો ખાટરિયા જુથનો નિર્ધારઃ કાલે પ્રદેશમાં પોકાર

સામાન્ય સભાની વિડીયોગ્રાફી સહિતની કાર્યવાહી ગેરલાયક ઠેરવવા માટેનો લાકડા જેવો પૂરાવો :જિલ્લા પંચાયતના બાગીઓ બિનશરતી કોંગીના શરણે આવે તો જ સ્વીકાર, નહિતર પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહીઃ ગઈકાલની બેઠકમાં મહત્વનો નિર્ણય

રાજકોટ, તા. ૨ :. જિલ્લા પંચાયતના રાજકારણમાં વધુ એક વખત વળાંક આવવાની શકયતા ડોકાવા લાગી છે. કોંગ્રેસના બાગીઓ સાથે સમાધાનની વાત ચાલતી હતી ત્યાં અચાનક સત્તાધારી અર્જુન ખાટરિયા જુથે આકરૂ વલણ અપનાવી કાયદાકીય કાર્યવાહી દ્વારા બાગીઓના સભ્ય પદ રદ્દ કરાવવાનો મિજાજ દર્શાવ્યો છે. ગઈકાલે ખાટરિયા જુથના સભ્યો અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે જિલ્લા કાર્યાલય ખાતે મહત્વની બેઠક મળેલ. જેમાં સ્વમાનના ભોગે સમાધાન નહી કરવાનો નિર્ધાર કરી આવતીકાલે બાગીઓ સામે સખત કાર્યવાહી કરવા પ્રદેશને અનુરોધ કરવા સમુહમાં અમદાવાદ જવાનું નક્કી થયુ હતું. જોે બળવાખોરો પાર્ટી પાસે કંઈ નહીં માગવાની શરતે પાછા ફરે તો જ તેનો સ્વીકાર કરવાનો નહિંતર લડી લેવાનું નક્કી થયુ હતું.

સામાન્ય સભામાં ૨૨ સભ્યોએ પાર્ટીના વ્હીપનો અનાદર કરી સમિતિઓની રચના કરેલ ત્યારથી બળતામાં ઘી હોમાયુ છે. એક તરફ સમાધાનની વાત ચાલે છે, બીજી તરફ પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગઈકાલની બેઠકમાં અર્જુન ખાટરિયાએ કાયદાકીય નિષ્ણાંતો તરફથી મળેલ માર્ગદર્શનનં તારણ રજુ કરતા જણાવેલ કે, બળવાખોરોને ટૂંકાગાળામા જ કાયદાકીય લડતથી ગેરલાયક ઠેરવી શકાય તેમ છે. અન્ય સભ્યોએ પાર્ટી ઝુકે તેના બદલે લડી લે તેવો મત વ્યકત કર્યો હતો. આવતીકાલે ખાટરિયા જુથના તમામ સભ્યો પ્રદેશ પ્રમુખ પાસે જઈ આ લાગણી વ્યકત કરશે. ટૂંક સમયમાં જ કાયદાકીય કાર્યવાહી શરૂ થવાની સંભાવના છે. સામાન્ય સભાની વિડીયોગ્રાફી તેમજ વ્હીપના અનાદર સંદર્ભે વહીવટી તંત્રના માધ્યમથી કરવામાં આવેલી કામગીરી બાગી સભ્યોને ભીડવવા માટે સજ્જડ પુરાવો હોવાની વાત ગઈકાલની બેઠકમાં થઈ હતી.  ગણતરીના દિવસોમાં જ સમિતિઓના અધ્યક્ષની ચૂંટણી છે. ભાજપના કેમ્પમાં ગયેલા સભ્યો પૈકી ૩ - ૪ સભ્યોએ ફરી કોંગ્રેસ તરફ પગલા માંડયાનું ખાટરિયા જુથનુ કહેવુ છે. ગઈકાલની બેઠકમાં ખાટરિયા જુથ ઉપરાંતના બાગી જુથના બે ત્રણ સભ્યોએ હાજરી આપ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

સમિતિઓના અધ્યક્ષોની વરણી વિલંબમાં

રાજકોટઃ પંચાયતની સમિતિઓની રચના બાદ અધ્યક્ષની ચૂંટણી માટે અધિકારીઓ દ્વારા આજે બપોર સુધી એજન્ડા  બહાર પડયો નથી. બાગીઓએ ૭ ઓગષ્ટે અધ્યક્ષોની ચૂંટણી કરવાનો પ્રયાસ કરાવેલ હવે તે અશકય બન્યું છે. જો એજન્ડા આજે બહાર પડે તો નિયમ મુજબ ચોખ્ખા ૬ દિવસ રાખી વહેલામાં વહેલા ૯ ઓગષ્ટે ચૂંટણી થઇ શકે તેમ છે.

(5:03 pm IST)