Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ભાજપ સરકારનો 'પરચો',ખાટરિયા સામે તપાસ શરૂ

કારોબારી અધ્યક્ષ તરીકે બદલીની કેટલી ભલામણ કરી ? સરકારે માહિતી માંગતા પંચાયતમાં ખળભળાટઃ એક બિનખેતી પ્રકરણ પણ ખૂલવાની સંભાવના

રાજકોટ, તા. ૨ :. જિલ્લા પંચાયતના રાજકારણમાં ભાજપનો માર્ગ રોકીને ઉભેલા કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરિયા સામે ભાજપ સરકારે તપાસ શરૂ કરાવ્યાનું જાણવા મળે છે. ગોંડલ પંથકના એક આગેવાનની રજૂઆતના પગલે સરકારે જિલ્લાના વહીવટી તંત્રને તપાસ કરીને અહેવાલ આપવા જણાવ્યુ છે. ખાટરિયાએ પોતાના કાર્યકાળ દરમિયાન બદલીઓ માટે કેટલી લેખીત ભલામણ કરી ? તેમજ બીજી કયા પ્રકારની ભલામણો હતી ? તેની માહિતી માગવામાં આવ્યાનું જાણવા મળે છે. પંચાયતની વિવિધ શાખાઓમાં છેલ્લા અઢી વર્ષનો રેકોર્ડ ફંફોળવાનું શરૂ થયુ છે.

સરકાર તરફથી માહિતી માગતો પત્ર થોડા દિવસ પહેલા આવ્યાનું કહેવાય છે. પ્રથમ દ્રષ્ટિએ આ પ્રકારની માહિતી સરકાર માગે તે સામાન્ય બાબત દેખાય પરંતુ પંચાયતના અત્યારના રાજકીય સંજોગોમાં આ પ્રકારની તપાસ ધ્યાન ખેંચનારી ગણાય છે. કારોબારી અધ્યક્ષ તરીકે ખાટરિયા ઓન રેકોર્ડ કયાંય ભીંસમાં આવે તો સરકાર આકરા પગલા ભરવાના મિજાજમાં છે. ઉપરોકત કથીત તપાસ બાબતે ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્ર મગનુ નામ મરી પાડવા તૈયાર નથી. ખાનગી રાહે તપાસનો ધમધમાટ શરૂ થયાનુ આધારભૂત વર્તુળો જણાવે છે.  

ગોંડલ તાલુકાના એક ગામમાં બીનખેતીનું એક પ્રકરણ થયેલ તે પણ ભાજપના અગ્રણીઓને ધ્યાને આવતા તેમા પણ તપાસ શરૂ કરાવવાની હિલચાલ શરૂ થયાનું જાણવા મળે છે.

(5:02 pm IST)