Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

લોધીકા ટીડીઓની ચેમ્બરમાં ૧૩મીએ પરિવાર સાથે આત્મવિલોપનની ચેતવણી અપાતા દોડધામ : મંજૂર છતા 'મફત' પ્લોટ નથી આપતા

કલેકટર - ડીડીઓ - ડીએસપીને ફરિયાદ

રાજકોટ તા. ૨ : લોધીકાના નગરપીપળીયામાં રહેતા વર્ષાબેન પરેશભાઇ વાઘેલા, પરેશભાઇ પ્રેમજીભાઇ વાઘેલાએ કલેકટર, ડીડીઓ અને ડીએસપીને ફરિયાદ અરજી પાઠવી તા. ૪-૧-૨૦૨૦ની લેન્ડ કમિટિમાં મંજૂર થયેલ મફત ઘરથાળ પ્લોટનો કબજો ન સોંપવા બાબતે લોધીકા તાલુકા પંચાયતના એક અધિકારી દ્વારા શારીરિક, આર્થિક, માનસિક ત્રાસને કારણે તા. ૧૩-૭-૨૦૨૧ના રોજ કુટુંબ સહિત આત્મવિલોપન કરવાની ચીમકી આપતા સન્નાટો પ્રસરી ગયો છે.

ફરીયાદમાં જણાવેલ કે, ઉપરોકત બાબતે ગ્રામ પંચાયતથી ગાંધીનગર સુધી રજૂઆતો કરી છે, છતાં ન્યાય મળ્યો નથી, ઉચ્ચ અધિકારીઓને લોધીકા ટીડીઓ સાચી માહિતી આપતા નથી, રૂરલ પ્રાંત દ્વારા તપાસ કરવા જણાવેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીને પણ રૂબરૂમાં મળેલ, જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ અનેક વખત પ્રશ્ન રજૂ કરેલ, આમ છતાં ન્યાય મળ્યો નથી, આથી તા. ૧૩ સુધીમાં લોધીકા તાલુકા પંચયતના એ જવાબદાર સામે પગલા નહિ લેવાય તો ૧૩ જૂલાઇએ અમે ટીડીઓની ચેમ્બરમાં પતિ-પત્ની અને ૪ વર્ષની પુત્રી જીયા સાથે આત્મવિલોપન કરીશું જેની જવાબદારી ટીડીઓ લોધીકાની રહેશે.

(3:17 pm IST)