Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

આગામી ૧૫ જૂલાઇથી સ્પાઇસ જેટ રાજકોટથી મુંબઇ - દિલ્હી - ગોવા - હૈદ્રાબાદ ડેઇલી ફલાઇટ ઉડાડશે : શેડ્યુલ જાહેર

રાજકોટ - મુંબઇની ફલાઇટ ૧૪૪ બેઠકની તો અન્ય શહેરની ૭૮ બેઠકની ફલાઇટ જાહેર

રાજકોટ તા. ૨ : ઇન્ડીગો પછી બીજી ખાનગી એર કંપની સ્પાઇસ જેટે પણ ૧૫ જુલાઇથી રાજકોટથી ડેઇલી મુંબઇ - દિલ્હી - ગોવા - હૈદ્રાબાદ માટેની ફલાઇટો ઉડાડવાની જાહેરાત કરી છે અને તેનું શેડયુલ જાહેર કરી બુકીંગ પણ શરૂ કરી દીધું છે, રાજકોટ - મુંબઇની ફલાઇટ ૧૪૪ બેઠકની તો અન્ય શહેર માટેની ફલાઇટ ૭૮ બેઠકની રહેશે.

જાહેર થયેલ શેડયુલ ૧૫ જૂલાઇથી સપ્ટેમ્બર સુધીનું હોવાનું અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું. વિગતો મુજબ ૧૫મીથી બોમ્બે રાજકોટ ફલાઇટ સવારે ૫.૪૫થી ઉપડી ૭ વાગ્યે રાજકોટ પહોંચશે અને રાજકોટથી ૭ાા એ ઉપડી ૮ાા વાગ્યે મુંબઇ પહોંચશે.

તો હૈદ્રાબાદ - રાજકોટ ફલાઇટ હૈદ્રાબાદથી સવારે ૬.૦૫ કલાકે ઉપડી રાજકોટથી દિલ્હી ૮.૩૫એ રવાના થશે અને ૧૦.૫૦ વાગ્યે દિલ્હી પહોંચશે, તો ત્રીજી ફલાઇટ દિલ્હી - રાજકોટની સવારે ૧૧.૩૦ વાગ્યે ઉપડશે અને બપોરે ૧.૪૦ વાગ્યે રાજકોટ પહોંચશે, રાજકોટથી આ ફલાઇટ ૨ વાગ્યે ઉપડી ૪.૨૦ કલાકે ગોવા પહોંચશે.

ચોથી ફલાઇટ ગોવા - રાજકોટ સાંજે ૫.૦૫ કલાકે ગોવાથી ઉપડી રાજકોટ ૭.૨૫ વાગ્યે પહોંચશે. આ ફલાઇટ રાજકોટથી સાંજે ૭.૪૫ વાગ્યે ઉપડી રાત્રે ૧૦ વાગ્યે હૈદ્રાબાદ પહોંચશે. તમામ ફલાઇટમાં બુકીંગ શરૂ થઇ ગયાનું સ્પાઇસ જેટના સૂત્રો ઉમેરે છે.

(12:52 pm IST)