Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ભાયાવદરના ધર્મેન્દ્રસિંહે વ્યાજના ૧૩૫૦૦ની ઉઘરાણી પેટે રાજકોટ આવી સરદારજી પાસે ડૂપ્લીકેટ ચાવી બનાવડાવી ટવેરા ઉઠાવી લીધી!

બે વર્ષ પહેલા ૧૦ હજાર વ્યાજે લઇ ૨૨ હજાર વ્યાજ ભર્યુ, લોકડાઉનમાં વ્યાજ ભરી શકાયું નહિ એટલે વાંધો પડ્યો : મુળ ઉપલેટાના પ્રવિણભાઇ હાલ પરિવાર સાથે રાજકોટ રહે છેઃ તે ડ્રાઇવીંગના કામે ગયા તા ત્યારે પાછળથી તેના દિકરાને ધમકી દઇ ટવેરા ગાડી લઇ જવાઇઃ ધર્મેન્દ્રસિંહ, કિશન વાઘેલા અને અજાણ્યા સામે બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો : પ્રવિણભાઇની ટવેરા પોલીસે બાદમાં દારૂમાં પકડી હતી

રાજકોટ તા. ૨: પેડક રોડ પર બી-ડિવીઝન પોલીસ સ્ટેશન પાસે રહેતાં મુળ ઉપલેટાના વાલ્મિકી પ્રોૈઢે બે વર્ષ પહેલા ભાયાવદરના દરબાર શખ્સ પાસેથી પોતાની પત્નિની સારવાર માટે રૂ. ૧૦ હજાર વ્યાજે લીધા હોઇ તેનું સતત દર મહિને ૧ હજાર લેખે વ્યાજ ભર્યા પછી લોકડાઉનમાં વ્યાજ ન ભરી શકતાં દરબાર શખ્સ સહિત ત્રણ જણા રાજકોટ આવી વાલ્મિકી પ્રોૈઢે પરસાણાનગરમાં પોતાના ફઇના ઘર પાસે રાખેલી ગાડી આ શખ્સો સરદારજીને બોલાવી ડૂપ્લીકેટ ચાવી બનાવડાવી પ્રોૈઢના પુત્રને ધમકી દઇ ગાડી લઇ ભાગી જતાં અને પ્રોૈઢે ગાડી પાછી માંગતાં પહેલા વ્યાજ સહિત રૂ. ૧૩૫૦૦ દઇ જા પછી જ ગાડી મળશે તેમ કહી દેતાં અંતે આ મામલે ફરિયાદ નોંધાવાઇ છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે પેડક રોડ પર પોલીસ સ્ટેશન સામે વાલ્મિકી આવાસ યોજના કવાર્ટર નં. જી-૧૨માં તુલસીભાઇ પરમારના મકાનમાં રહેતાં મુળ ઉપલેટાના પ્રવિણભાઇ ભોવાનભાઇ ડાકેચા (વાલ્મિકી) (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી ભાયવાદરના ધર્મેન્દ્રસિંહ હરદેવસિંહ ચુડાસમા અને કિશન વિઠ્ઠલભાઇ વાઘેલા તથા એક અજાણ્યા સામે આઇપીસી ૩૮૪, ૫૦૪, ૧૧૪ તથા મનીલેન્ડ એકટની કલમો તેમજ એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

પ્રવિણભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હાલમાં બે વર્ષથી હું રાજકોટ રહી છુટક ડ્રાઇવીંગ કરુ છું. મારે સંતાનમાં બે દિકરા છે. મોટો દિકરો જેતપુર અને નાનો રાજકોટ મારી સાથે રહે છે. અમે વેવાઇ તુલસીભાઇના મકાનમાં રહીએ છીએ. મેં નવેક મહિના પહેલા ઉપલેટાથી ટવેરા ગાડી જીજે૦૫સીએચ-૧૧૦૮ મારા મિત્ર અરવિંદભાઇ પુલ પાસેથી રૂ. ૩,૩૦,૦૦૦માં લીધી હતી. તેમાં માસીક રૂ. ૧૫ હજારનો હપ્તો આપવાનો હતો. તેનું નોટરી લખાણ કર્યુ હતું. આરસી બૂક અરવિંદભાઇ પાસે જ છે.

મારા મામા નાથાભાઇ પરમાર ભાયાવદર રહેતાં હોઇ ત્યાં મારે અવાર-નવાર જવાનું થાય છે. આ ગામમાં ધર્મેન્દ્રસિંહ ચુડાસમા રહેતા હોઇ તેને હું ઓળખુ છું. તે વ્યાજ વટાવનો ધંધો કરે છે. બે વર્ષ પહેલા મારા પત્નિ પુષ્પાબેનને પેટ-છાતીમાં તકલીફ હોઇ સારવાર માટે પૈસાની જરૂર પડતાં મેં ધર્મેન્દ્રસિંહ પાસેથી ૧૦ ટકા વ્યાજે ૧૦ હજાર લીધા હતાં. તેનું દર મહિને રૂ. ૧૦૦૦ વ્યાજ આપ્યું હતું. મારે તેને દસહ હજાર આપવાના બાકી છે. લોકડાઉનમાં ધંધો ન ચાલતાં પૈસાની તંગી થઇ જતાં વ્યાજ ન ચુકવી શકયો નહોતો. મારો ફોન બે મહિના બંધ થઇ ગયો હતો. ૧૯/૧ના રોજ હું ડ્રાઇવીંગમાં જતો રહ્યો હતો. એ વખતે મેં ટવેરા રાજકોટ પરસાણાનગર-૭માં મારા ફઇના ઘરે મુકી હતી. ૨૧/૧ના હું ડ્રાઇવીંગમાંથી પાછો આવ્યો ત્યારે મારા દિકરા દિવ્યેશે વાત કરી હતી કે ભાયાવદરથી ૨૦મીએ સાંજે સાડા પાંચેક વાગ્યે ધર્મેન્દ્રસિંહ, કિશન વાઘેલા અને એક અજાણ્યો માણસ આવ્યા હતાં અને તારા બાપુજી કયાં છે? તેમ પુછતાં મેં તેને કહેલુ કે ડ્રાઇવીંગ કરવા બહારગામ ગયા છે. જેથી તેણે ટવેરા ગાડી કયાં છે? તેમ પુછતાં મેં તેને પરસાણાનગર-૭માં પડી છે તેવું કહેતાં તેઓ મને તેની સાથે ત્યાં લઇ ગયા હતાં અને ગાડીની ચાવી માંગી હતી. મેં ચાવી નથી તેમ કહેતાં ત્રણેયએ સરદારજીને બોલાવી ડુપ્લીકેટ ચાવી બનાવડાવી હતી અને ગાડી ચાલુ કરી મેં ના પાડી છતાં બળજબરીથી લઇ ગયા હતાં.

આ લોકો જતાં જતાં જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ગાળો દેતાં ગયા હતાં અને ધમકી આપી હતી કે તારા બાપથી જે થાય તે કેજે કરી લ્યે, હવે ગાડી પાછી નહિ મળે. દિકરા દિવ્યેશે આ વાત કરતાં મેં ધર્મેન્દ્રસિંહને ફોન કરી મારી ટવેરા ગાડી શા માટે બળજબરીથી લઇ ગયા? તેમ પુછતાં તેણે મને પણ ફોનમાં ગાળો ભાંડી હતી. તેમજ તારી શું હેસિયત છે મારા પૈસા રાખવાની, તું મારા દસ હજાર રૂપિયા અને તેનું વ્યાજ મળી ૧૩૫૦૦ લઇને આવ પછી જ તારી ગાડી મળશે ત્યાં સુધી તારી ગાડી પાછી નહિ મળે તેવી ધમકી આપી તી.

બીજા માણસો મારફત અમે સમાધાન કર્યુ હતું. છતાં ધર્મેન્દ્રસિંહ ગાડી પાછી આપતાં ન હોઇ પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી હતી. તે પ્ર.નગર થઇ બી-ડિવીઝનમાં આવી હતી અને બાદમાં મેં ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં પ્રવિણભાઇ ડાકેચાએ જણાવતાં પીઆઇ એમ. બી. ઓૈસુરાની રાહબરીમાં પીએસઆઇ પી. એ. ગોહેલે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

પ્રવિણભાઇએ વધુમાં કહ્યું હતું કે પોતાની ગાડી ધર્મેન્દ્રસિંહ ઉઠાવી ગયા એ પછી ભાયાવદર પોલીસે દારૂના કેસમાં કબ્જે કરી હતી.

(11:11 am IST)