Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

રૂડાની ૪ જૂલાઇએ મહત્વની બોર્ડ મીટીંગ : કોર્પોરેશનમાં ભળેલા ૪ ગામો સોંપવા અંગે ઠરાવ : હજારોની સંખ્યામાં ફાઇલો

૮મીએ રૂડામાં ઓનર્સ મીટીંગ : માધાપર ૩૮/૧ ટીપી સ્કીમ અંગે ૧૦૦ અરજદારોના વાંધા - સૂચનો સાંભળવામાં આવશે : ઠરાવ બાદ સરકારમાં દરખાસ્ત થશે : સરકાર મંજૂરી આપે પછી RMCની ટીપી શાખાને બધુ સોંપી દેવાશે

રાજકોટ તા. ૨ : આગામી તા. ૪ જૂલાઇએ રૂડાની એક જ મુદ્દા અંગે અત્યંત મહત્વની બોર્ડ મીટીંગ મળી રહ્યાનું વિશ્વસનીય અધિકારી સૂત્રોએ અકિલાને જણાવ્યું હતું.

તાજેતરમાં સરકારે રાજકોટ મહાનગરપાલિકામાં ૪ ગામો ભેળવી દીધા છે, જેમાં માધાપર - ઘંટેશ્વર - મુંજકા - મોટામવાનો સમાવેશ થાય છે.

આ ઉપરોકત તમામ રૂડાના છે, રૂડા પાસે હાલ ૫૨ ગામો છે, તેમાંથી આ ૪ જશે એટલે ૪૮ ગામો રહેશે.

આ ચારેય ગામો કોર્પોરેશનને સોંપવા અંગે રૂડાની ૪ તારીખે મહત્વની બોર્ડ મીટીંગ મળનાર છે. જેમાં કોર્પોરેશનને આ વિસ્તારો સોંપવા અંગે ઠરાવ થશે, અને બાદમાં સરકારમાં દરખાસ્ત મોકલાશે. અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઉપરોકત ૪ ગામો કોર્પોરેશનને સોંપવા અંગે સરકારમાંથી મંજૂરી મળ્યે હાલ રૂડા દ્વારા ચાલી રહેલ ટીપી સ્કીમ - રીલેટેડ કામો, અન્ય વિકાસકામો બધુ સોંપી દેવાશે, આ અંગે હજારો ફાઇલો છે, તેના ઢગલા - અન્ય તમામ રેકર્ડ પણ કોર્પોરેશનની ટીપી શાખાના અધિકારી શ્રી સાગઠીયાને આપી દેવાશે.

સૂત્રોએ જણાવેલ કે, આ ૪ ગામો ભળતા એટલુ ગામતળ પણ ઘટી જશે, કોર્પોરેશનમાં ૫૦ કિમી જેવો વિસ્તાર પણ ભળશે. સરકારની દરખાસ્તને મંજૂરી મળ્યે તમામ અરજીઓ ત્યારબાદ રૂડાને બદલે કોર્પોરેશનમાં જવા માંડશે.

દરમિયાન ૮મીએ રૂડામાં મહત્વની ઓનર્સ મીટીંગ સવારે ૧૦ાાથી બપોરે ૨ દરમિયાન માધાપરની ૩૮/૧ ટીપી સ્કીમ અંગે મળનાર છે.

આ મીટીંગમાં ઉપરોકત ટીપી સ્કીમ અંગે જમીન સંપાદન - કપાત તથા અન્ય બાબતે ૧૦૦ જેટલા લોકોના વાંધા - સૂચનો સાંભળવામાં આવશે, અને ત્યારબાદ સરકારમાં ખાસ ડ્રાફટ તૈયાર કરી મોકલાશે, સરકારમાંથી મંજૂરી મળ્યે આ ટીપી સ્કીમના વિકાસકામો - બાંધકામ સ્કીમ વિગેરે જાહેર થશે. ૮મીએ સોશ્યલ ડીસ્ટન્સ સંદર્ભે દર કલાકે ૧૮-૧૮ લોકોને બોલાવાશે તેમ અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું.

(3:05 pm IST)