Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

નાગેશ્વર નજીક ગેસ કટરથી એકિસસ બેંકનું ATM તોડી ૧૧II લાખની ચોરી

મેન્ટેનન્સ સ્ટાફના જીજ્ઞેશભાઇને કોલ આવતા શટર ઉચુ કરીને જોતા એટીએમ તુટેલુ હતુ : CCTVમાં બે બુકાનીધારી દેખાયાઃ વાહનમાં ગેસના બાટલા સાથે આવતી હરીયાણા ગેંગની સંડોવણીની શંકા

જામનગર રોડ પર જયાં ચોરી થઇ તે એટીએમ બાજુમાં એ.સી.પી. દીયોરા, ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. વી.વી. ઓડેદરા સહિતનો સ્ટાફ અને તુટેલુ એટીએમ નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૨: શહેરના જામનગર રોડ પર નાગેશ્વર મંદીર પાસે જયનમ એપાર્ટમેન્ટમાં આવેલા એકસીસ બેંકના એટીએમને નિશાન બનાવી બુકાનીધારી શખ્સોએ એટીએમ ગેસકટરથી તોડી રૂ.૧૧.૫૫ લાખ રોકડ રકમ ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ પર નાગેશ્વર મંદીર પાસે આવેલા એકસીસ બેંકના એટીએમમાં ફોલ્ટ હોવાનો મેસેજ કોલ સેન્ટરમાં આવતા એટીએમ મેન્ટેનન્સ સ્ટાફના હેડ સંજયભાઇએ તેના કર્મચારી જીજ્ઞેશભાઇને જામનગર રોડ પર નાગેશ્વર મંદીર નજીક એકસીસ બેંકનું એટીએમ ચેક કરવા માટે જાણ કરતા આજે સવારે સાડા આઠેક વાગ્યે જીજ્ઞેશભાઇ એટીએમ પાસે પહોંચ્યા ત્યારે શટર બંધ હતું તેણે શટર ઉચું કરીને જોતા એટીએમ તુટેલુ જોતા તેણે તાકીદે તેના હેડ સંજયભાઇને જાણ કરતા સંજયભાઇએ તાકીદે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઇન્ચાર્જ જાણ કરતા ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી, દીયોરા, ડીસબીના પીઆઇ ગઢવી, એસઓજીના પીઆઇ આર.વાય.રાવલ, ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ વી.વી.ઓડેદરા, પીએસઆઇ જે.એમ.ભટ્ટ,ભાનુભાઇ, રશ્મીનભાઇ, રાહુલભાઇ, વનરાજભાઇ, દીગ્વીજયસિંહ, દિવ્યરાજસિંહ તથા ધનુભાઇ સહિત તાકીદે સ્થળપર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ કરતા તસ્કરો એેટીએમ ગેસ કટરથી તોડી તેમાંથી રૂ.૧૧.૫૫ લાખની રોકડ રકમ ચોરી ગયા હતા.

આ બનાવમાં પોલીસે એટીએમમાં ફીટ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા તેમા બુકાનીધારી બે શખ્સો ગેસના બાટલા સાથે એટીએમની અંદર ઘુસી શટર બંધ કરી અને ગેસ કટરથી એટીએમ તોડતા નજરે પડયા હતા. આ એટીએમ ચોરીમાં બેથી વધુ શખ્સો કોઈ મોટા વાહનમાં આવ્યા હોવાનું અને હરીયાણાની ગેંગ હોવાની પોલીસે શંકા વ્યકત કરી છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે એટીએમ મેન્ટેનન્સના કર્મચારી જીજ્ઞેશભાઈની ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

(3:20 pm IST)