Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

થોરાળામાં ક્રિકેટનો સટ્ટો રમાડતો સદરનો ફિરોઝ લિંગડીયા ઝડપાયો

એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, કોન્સ. આશિષ દવે અને સહદેવસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૨: નવા થોરાળા શેરી નં. ૧માં બાલ મંદિર સામે આવેલા આબિદભાઇ ઓડીયાના મકાનમાં બીજા માળે બેસી સદર બજાર દાતારના તકીયા પાસે રહેતો ફિરોઝ સતારભાઇ લિંગડીયા (ઉ.૩૯) નામનો શખ્સ ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાની બાતમી થોરાળા ડી. સ્ટાફના એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, કોન્સ. આશિષ દવે અને સહદેવસિંહ જાડેજાને મળતાં દરોડો પાડી તેને વેસ્ટઇન્ડિઝ-શ્રીલંકાના વર્લ્ડ કપના મેચ પર સટ્ટો રમતો પકડી લીધો હતો.

પોલીસે એક ટીવી, સેટઅપ બોકસ, મોબાઇલ ફોન ૮ નંગ, સાદો ચોપડો, એક ચિઠ્ઠી, બોલપેન મળી રૂ. ૩૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલો ફિરોઝ રિક્ષાચાલક છે. તે થોરાળામાં કોૈટુંબીક સગાના ઘરે બેસી સટ્ટો રમાડતો હતો. કપાત કોની પાસે કરાવતો? તે અંગે તપાસ થઇ રહી છે. ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈની તથા એસીપી એચ.એલ. રાઠોડની સુચના તથા પીઆઇ બી. ટી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ એમ.આર. કોટવાલ, એએસઆઇ બી. જે. જાડેજા, રોહિતભાઇ કછોટ, કનુભાઇ ઘેડ, દિપકભાઇ ડાંગર, નસરંગભાઇ સહિતે દરોડો પાડ્યો હતો.

(1:26 pm IST)