Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

કારખાનેદારના ગળે છરો રાખી કાર લૂંટનારા ત્રણ દબોચાયા બાદ કાર ભગવતીપરામાંથી મળીઃ વેંચી નાંખવાનો પ્લાન હતો

અગાઉ ચોરીમાં સંડોવાઇ ચુકેલા ભગવતીપરાના સોહિલે બીજા ત્રણ સાગ્રીતો સાથે દારૂ ઢીંચ્યા બાદ લૂંટનો પ્લાન ઘડ્યો'તોં : ક્રાઇમ બ્રાંચની ટીમના વિજયસિંહ ઝાલા, પ્રતાપસિંહ અને યોગીરાજસિંહની બાતમી પરથી પીએસઆઇ ધાખડા અને ટીમે ભોમેશ્વરના યાસીન, ફિરોઝ અને કબીરને બે ટુવ્હીલર સાથે પકડી લીધાઃ સોહિલની શોધખોળ

રાજકોટ તા. ૨: રવિવારે રાત્રે કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર સામે ભવાની ગોલા સામે મેદાનમાં પોતાની હોન્ડા સીટી કાર પાર્ક કરીને ઉભેલા આનંદનગર મધુરમ્ પાર્કના પટેલ કારખાનેદાર રાહુલ સુરેશભાઇ રામાણી (ઉ.૨૮)ની કારમાં એક શખ્સે બેસી જઇ 'કોઇ વ્યસન ધરાવો છો?' તેમ પુછતાં રાહુલે ના પાડતાં 'કેમ વ્યસન નથી, વ્યસન હોવું જ જોઇએ' કહી ગળા પર છરો રાખી દીધો હતો. એ પછી તેના બીજા ત્રણ સાગ્રીતોએ આવી ધમકાવીને રાહુલને કારમાંથી નીચે ઉતારી મુકી રૂ. ૫.૭૫ લાખની તેની કાર જીજે૩જેસી-૯૧૫૧ લૂંટીને ભાગી ગયા હતાં. ક્રાઇમ બ્રાંચે આ ગુનાનો ભેદ ઉકેલી ભોમેશ્વરવાડી-૧માં રહેતાં યાસીન યુસુભાઇ સાંધ (સંધી) (ઉ.૧૯), ફિરોઝ હબીબભાઇ પઠાણ (સિપાહી) (ઉ.૨૧) તથા કબીર સિકંદરભાઇ ચોૈહાણ (સિપાહી) (ઉ.૨૦)ને જામનગર રોડ એરપોર્ટની દિવાલ પાસેથી જીજે૩કેએલ-૮૫૨૮ તથા જીજે૩કેએ-૯૬૭૮ નંબરના ટુવ્હીલર સાથે પકડી લીધા છે.

એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા અને કોન્સ. યોગીરાજસિંહ જાડેજાની બાતમી પરથી પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, હરદેવસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. સોકતખાન ખોરમની ટીમે આ કામગીરી કરી હતી. ઝડપાયેલા ત્રણેય શખ્સોનો આ પહેલો જ ગુનો છે. તેણે કબુલ્યું હતું કે પોતાના મિત્ર ભગવતીપરામાં રહેતાં સોહિલ અનવરભાઇ સંધીએ કાર લૂંટનો પ્લાન ઘડ્યો હતો. સોહિલ અગાઉ ચોરીમાં સંડોવાઇ ચુકયો છે. ચારેય મિત્રો દારૂ પી  બેઠા હોઇ ત્યારે સોહિલે કારની લૂંટ કરી વેંચી નાંખી કે ગિરવે મુકીને પૈસાની રોકડી કરવાનો પ્લાન ઘડ્યો હતો.

કાર લઇને ઉભેલા યુવાનો ગભરાઇને ભાગે અને એકાદ કારવાળો હાથમાં આવી જાય એ હેતુથી પહેલા તો ચારેયે અંદરો અંદર ઝઘડો શરૂ કર્યો હતો. જેથી કારચાલકો રવાના થવા માંડ્યા હતાં. જેમાં છેલ્લે હોન્ડાસીટીનો ચાલક એકલો રહી જતાં તેની કારમાં બેસી જઇ તેને ધમકાવીને કાર લૂંટી લીધી હતી. સુત્રધાર સોહિલ હાથમાં આવ્યો નથી. પણ લૂંટાયેલી કાર ભગવતીપરામાંથી વહેલી સવારે શોધી કાઢવામાં આવી છે. લૂંટેલી કાર વેંચી નાંખવાનો કે ગિરવે મુકવાનો સોહિલનો પ્લાન હતો. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના હેઠળ પી.આઇ. એચ. એમ. ગઢવીની ટીમે ડિટેકશન કરી ત્રણને ઝડપી લઇ છરો, બે વાહન, મોબાઇલ ફોન તથા લૂંટાયેલી કાર કબ્જે કરી છે.

ટી-શર્ટમાં બિઇંગ હ્યુમન લખ્યું છે...પણ કામ કર્યુ ગુનાખોરીનું

ઝડપાયેલા ત્રણ લૂંટારા પૈકી એક શખ્સના ટી-શર્ટ પર બિઇંગ હ્યુમનનું લખાણ લખ્યું છે. પણ તેણે કામ લૂંટનું કર્યુ છે.

(1:25 pm IST)