Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

જીવદયા પ્રેમી મુકેશ પટેલનું દુઃખદ અવસાન

હાર્ટએટેક આવતાં ગુરૂવારે વોકહાર્ટમાં સારવાર દાખલ કરાયેલઃ આજે સવારે અંતિમ શ્વાસ લીધાઃ માતા-પિતા-ભાઇ-બહેન-બનેવી સહિતના સ્વજનોમાં કલ્પાંતઃ સિવિલ હોસ્પિટલમાં સેવા માટે સતત દોડતા રહેતાં યુવાને સિવિલમાં ન્યુરો સર્જનની નિમણુંક માટે લાંબી અને સફળ લડત લડી હતી

રાજકોટ તા. ૨: જીવદયા પ્રેમી તરીકે ઓળખતા અને સિવિલ હોસ્પિટલમાં સતત સેવાકીય પ્રવૃતિ માટે હાજર રહેતાં પટેલ યુવાન મુકેશ સવજીભાઇ ખોયાણી (ઉ.વ.૪૨-રહે. કુવાડવા રોડ, ડી-માર્ટ પાછળ, શિવધારા સોસાયટી)ને ગુરૂવારે રાત્રીના હાર્ટએટેક આવતાં વોકહાર્ટ હોસ્પિટલના બીજા માળે આઇસીસીયુ રૂમ નં. ૨૦૭માં દાખલ કરવામાં આવેલ. સારવારને અંતે આજે વહેલી સવારે તેણે અંતિમ શ્વાસ લેતાં સ્વજનો, મિત્રોમાં ઉંડા શોકની લાગણી છવાઇ ગઇ છે. 

સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જનની જગ્યા ખાલી હોઇ તે માટે સતત લડત આપનાર અને છેલ્લે ન્યુરો સર્જનની નિમણુંક થાય તે માટે જેલવાસ પણ ભોગવનાર જીવદયા પ્રેમી મુકેશ પટેલે ગુરૂવારે બપોરે જ ઘરમાં માતા, પિતા તથા ભાઇને પોતાને છાતીમાં થોડી-થોડી બળતરા થતી હોવાનું અને થોડો દુઃખાવો થઇ રહ્યાની ફરિયાદ કરી હતી. તેમજ પોતે જેની પાસે હમેંશા સારવાર કરાવે છે તે વોકહાર્ટ હોસ્પિટલના ડો. કામાણી પાસે સાંજે દેખાડી આવશે તેવી વાત પણ સ્વજનોને કરી હતી. એ પછી ઉંઘી ગયેલ.

સાંજે ઘરેથી પોતાનું બાઇક લઇને નીકળ્યા પછી રાત્રીના અગિયારેક વાગ્યે તે વોકહાર્ટ હોસ્પિટલની બહાર ગેઇટ નજીક જ બાઇક પરથી પડી જતાં ત્યાં લોકો ભેગા થઇ ગયા હતાં અને તે બેભાન હોઇ તાકીદે વોકહાર્ટ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં પહોંચાડેલ. એ પછી તેના મોબાઇલ ફોનમાંથી કોઇ વ્યકિતએ તેના નાના ભાઇ વિજય પટેલને ફોન જોડી આ મોબાઇલ જેનો છે એ ભાઇ વોકહાર્ટના ગેઇટ પાસે પડી ગયા છે અને ઇમર્જન્સીમાં લઇ જવાયા છે...તેવી જાણ કરતાં વિજયભાઇ, પિતા સવજીભાઇ ખોયાણી, માતા, વિજયભાઇના, વિજયભાઇના ધર્મપત્નિ સહિતના સ્વજનો તાબડતોબ હોસ્પિટલે પહોંચ્યા હતાં. જામનગરથી બહેન-બનેવી પણ આવી ગયા હતાં અને બહોળુ મિત્ર વર્તુળ પણ પહોંચી ગયું હતું.

ગુરૂવારે રાત્રે ઇમર્જન્સીમાં સારવાર આપનાર તબિબે સ્વજનોને જણાવ્યું હતું કે મુકેશ પટેલને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે  તેનું હૃદય અમુક મિનીટો સુધી બંધ જ હતું. પમ્પીંગ કરીને ધબકારા ચાલુ કરાયા હતાં. પરંતુ પાંચ દિવસની સારવાર કારગત ન નિવડતાં આજે સવારે મુકેશ પટેલે અંતિમ શ્વાસ લઇ લેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે.

સદ્દગતની સ્મશાન યાત્રા કુવાડવા રોડ ડી-માર્ટ પાછળ શિવધારા પાર્કમાં આવેલા તેના નિવાસ સ્થાનેથી નીકળશે. સ્વ. મુકેશ પટેલના નાના ભાઇ વિજયભાઇ પટેલના મો. નં. ૯૪૨૭૨ ૨૩૩૬૨, ૯૯૨૪૭ ૮૫૫૬૭ છે.

સતત બધાને મદદરૂપ થતાં મુકેશ પટેલ ઝડપથી સાજા થઇ જાય એ માટે અનેક લોકોએ પ્રાર્થનાઓ કરી હતી. પરંતુ કુદરતને જાણે કંઇ ક જુદુ જ મંજુર હતું. ગઇકાલે સાંજે જ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. મનિષ મહેતા તથા ભાજપના જયંત ઠાકર સહિતે વોકહાર્ટ ખાતે પહોંચી મુકેશ પટેલના સ્વજનોને મળી ખબર પુછ્યા હતાં. તેમજ ડો. મહેતાએ મુકેશ જ્યાં દાખલ હતાં એ વોર્ડમાં જઇ તબિબો પાસેથી પણ સારવારની માહિતી મેળવી હતી.

(11:44 am IST)