Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

મંગળવારથી રાજકોટ શહેર - જિલ્લામાં પર્યાવરણ - સ્વચ્છતા સપ્તાહ ઉજવાશે : પ્લાસ્ટિકના કચરાના વ્યાપક નિકાલ માટે ઝુંબેશ

ચાની કિટલી - ફરસાણ - પાર્લર - ડેરી -પ્લાસ્ટિકના ઉત્પાદકો - વેપારીઓ માટે ખાસ માર્ગદર્શન કેમ્પો : ધાર્મિક સ્થળો - મોલ - બસ સ્ટેશનની સફાઇ થશે : કલેકટરના અધ્યક્ષ પદે ખાસ મીટીંગ યોજાઇ : સેમીનારનું આયોજન : ગામેગામ જનજાગૃતિ કાર્યક્રમો

રાજકોટ તા. ૨ : વર્ષાઋતુ પૂર્વે રાજકોટ શહેર અને જિલ્લામાં ખાસ સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરવામાં આવનાર છે. પર્યાવરણ અને સ્વચ્છતા સપ્તાહની ઉજવણીના ભાગરૃપે આ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. જેના અંતર્ગત સ્વચ્છતા અને જનજાગૃત્ત્િ।ના વિવિધ પ્રકારના કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે. પર્યાવરણ અને સ્વચ્છતા સપ્તાહની જાગૃતિની ઉજવણીના આયોજન માટે કલેકટર ડો. રાહુલ ગુપ્તાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

પર્યાવરણ અને સ્વચ્છતા સપ્તાહની ઉજવણીનો આરંભ આગામી તા.૫મીના રોજથી થશે. જેમા શહેરના તમામ પ્રવેશ સ્થાનોની સફાઇ, પ્લાસ્ટિક કચરાના નિકાલ સહિતની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે. જાહેર સ્થળોએ સ્વચ્છતા પ્રતિજ્ઞા લેવામાં આવશે.

આ સપ્તાહની ઉજવણીના કેન્દ્રસ્થાને પ્લાસ્ટિકના કચરાના નિકાલ અને તેના વૈકલ્પિક ઉપયોગ માટે જનજાગૃતિ છે. સપ્તાહના બીજા દિવસે પ્લાસ્ટિક બેગના ઉત્પાદકો, વિતરકો, છૂટક વેપારીઓને સાંકળીને સેમિનાર યોજવાનું હાલના તબક્કે આયોજન કરવામાં આવ્યું છે. જયારે, કલેકટરશ્રીએ કેટલીક ગ્રામ પંચાયતોમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે વ્યાપક જાગૃતિ આવે એવા કાર્યક્રમો યોજવાની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને સૂચના આપી છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનીલ રાણાવસીયાએ કાગળ અને શણની ઝબલા બનાવતા સખી મંડળોને આવરી લેવામાં આવશે અને તેના મારફત ઇકોફ્રેન્ડલી બેગનું વિતરણ થાય એવું આયોજન કરવામાં આવશે, તેવી માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રાજકોટ જિલ્લાની પાંચ મોટી ગ્રામ પંચાયતો જામકંડોરણા, પડધરી, લોધિકા, વિછીયા અને કોટડા સાંગણીમાં પ્લાસ્ટિકના કચરા બાબતે વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે.

તા.૮ના રોજ ચાની કિટલી, ફરસાણ, પાર્લર, ડેરીના વેપારીઓને ફોર આર એપ્રોચ, જેમાં પ્લાસ્ટિકના રિફયુઝ, રિયુઝ, રિડ્યુસ અને રિસાયકલની બાબતોની સમજણ આપવામાં આવશે. સાથે, માન્ય પ્લાસ્ટિકની બેટનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. તેના લાભાલાભથી અવગત કરવામાં આવશે. સાથે, આઉટ ગ્રોથ વિસ્તારની સફાઇ કામગીરી કરવામાં આવશે.

તા.૯ના રોજ ધાર્મિક સ્થળો, ઐતિહાસિક વારસાના સ્થળો, પ્રવાસન સ્થળો, શોપિંગ મોલની આસપાસના વિસ્તારની સઘન સફાઇ કરવામાં આવશે. એ બાદના દિવસે જાહેર સ્થળો જેવા કે, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશનની સફાઇ કરવામાં આવશે. તા. ૧૧ના રોજ ખુલ્લા પ્લોટ, શાળા કોલેજો, આરોગ્ય કેન્દ્રો, મેડિકલ કોલેજો અને સરકારી કચેરીઓની સફાઇ જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

શહેરી વિસ્તારમાં સફાઇ માટે શ્રેષ્ઠ શહેરી વિસ્તારનો પુરસ્કાર આપવામાં આવશે. સપ્તાહ દરમિયાન ઉકત ગ્રામ પંચાયતોમાં વોલ પેઇન્ટિંગ કરવામાં આવશે.

કલેકટર ડો. ગુપ્તાએ ઔદ્યોગિક વિસ્તારમાં ખાસ સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરવા માટે સંબંધિત વિગતોને સૂચના આપી હતી. આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ, પોલીસ સ્ટેશનોની સફાઇ કરી, ભંગાર-બિનઉપયોગ વસ્તુઓનો નિયમાનુસાર નિકાલ કરવાની સૂચના આપી છે.

પર્યાવરણ અને સ્વચ્છતાની ઉજવણીમાં લોકપ્રતિનિધિઓ, બિનસરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંકુલો, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને જોડવામાં આવશે.

આ બેઠકમાં નાયબ પોલીસ કમિશનર શ્રી કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેકટર શ્રી હર્ષદ વોરા, રૃડાના સીઇઓ શ્રી પંડ્યા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(4:01 pm IST)