Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

જૈન ચાલ સ્થા.સઘને આંગણેથી સોમવારે રાજકોટમાં નગર પ્રવેશ

પૂ.સુશાંત મુનિ,રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.આદિ સંતો તથા સાધ્વી વૃંદનોઃ પૂ.ગુરુવર્યોનુંસ્વાગત, શોભા યાત્રા, નવકારશી, પ્રવચન સહિતના કાર્યક્રમોઃ જૈન ચાલ સંઘ એટલે પૂ. સાધુ-સાધ્વીજીઓના ગોચરી-પાણી માટે સાનુકુળ સ્થળ

રાજકોટઃ તા.૨, આપણા સાધર્મિક પરીવારના સધ્સ્યો મનથી સ્વસ્થ હશે તો તે તનથી સારી રીતે ધર્મની વિવિધ ક્રિયાઓ સામાયિક, પ્રતિક્રમણ, પ્રવચનમાં ઉપસ્થિતિ, તપ - જપ વગેરે કરી શકે અને એ માટે વર્ષો પૂર્વે દીર્દ્ય દ્રષ્ટિવંત દૂર્લભજીભાઈ વિરાણી, રામજીભાઈ વિરાણી વગેરે ધુરંધર શ્રાવકોએ ધર્મ પ્રેમી દેવચંદ દામોદરદાસ સંઘવી, અમૃતલાલ માનસંગ પારેખ તથા અન્ય ઉદાર દિલા દાતાઓના સહકારથી રાજકોટ ગોંડલ રોડ ઉપર જૈન ચાલનું નિર્માણ કર્યું. માત્ર ટોકન દરથી જૈન પરિવારોને રહેવાનું આશ્રય સ્થાન આપ્યું. નાના - નાના ગામડાઓમાંથી આવી રાજકોટમાં જેન ચાલમાં રૂમ લઈ અનેક જૈન પરિવારો સ્થિર થયા તેમાંથી વર્તમાનમાં અનેક લોકો સુખી - સંપન્ન થયેલ છે.

વડીલ ધર્મ પ્રેમી શ્રાવકોએ જૈન પરિવારો ધર્મ ધ્યાન કરી શકે તે હેતુથી જૈન ચાલમાં જ ધર્મ સ્થાનક ઊભુ કર્યુ. જૈન ચાલ સંઘના પ્રમુખ પરેશભાઈ સંઘાણીએ મનોજ ડેલીવાળાને માહિતી આપતા કહ્યું કે જૈન ચાલ સ્થાનકવાસી જૈન સંઘ ઉપકારી પૂ.સાધુ - સાધ્વીજીઓને આહાર - પાણી સુગમતાથી મળી રહે તે માટે એક અપેક્ષાએ શાતાકારી ક્ષેત્ર રહેલુ છે.ચાતુર્માસના દિવસો દરમ્યાન સતત વરસાદ આવતો હોય અને મેઘરાજા થોડો વિરામ લે એટલે નજીક - નજીકમાં અનેક જૈન પરિવારો વસવાટ કરતાં હોવાથી સરળતાથી નિર્દોષ ગોચરી - પાણી મળી રહે છે.ગરમીના દિવસોમાં પણ દૂર - સુદુર ગોચરી - પાણી માટે સાધુ - સાધ્વીજીઓને જવું પડતું નથી.અહીં પ્રાર્થના, પ્રતિક્રમણ, પ્રવચન, સાધર્મિક ભકિત   સંઘ જમણ સહિત અનેક નાના-મોટા આયોજનો સમયાંતરે થતાં રહે છે.

 શ્રી જૈનચાલ સ્થાનકવાસી જૈન સંઘના આગણે ગુજરાતરત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ અને રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ સંતો એવમ ્ વિશાળ સંખ્યામાં મહાસતીજી વૃંદની તા. ૪ને સોમવારે સવારે ૬ કલાકે પી.ડી.એમ. કોલેજથી ભવ્ય શોભાયાત્રા  શરૂ થશે. જેમા નાની બાળાઓનું સ્વાગત ગીત તથા નૃત્ય વ્યાખ્યાન રાખેલ છે.  ત્યારબાદ નવકારશીનું આયોજન કરેલ છે.

ગત વર્ષે જૈન ચાલ સંઘના શ્રાવક વિજયભાઈ શાહે અનશન વ્રતની આરાધના અને સંયમ ધર્મનો સ્વીકાર કરી પોતાના મૃત્યુને મહોત્સવ બનાવી દિધેલ. સંથારાના એ દિવસો દરમ્યાન ગુજરાતના ધર્મ પ્રેમી મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત અનેક મહાનુભાવો અનશન આરાધકના દર્શને આવેલ. અનશન આરાધકે આ ભૂમિને તીર્થ ભૂમિની આગવી ઓળખ અપાવી.

ગોંડલ સંપ્રદાયના શાસન ચંદ્રિકા પૂ.હીરાબાઈ મ.સ.ના તપસ્વી શિષ્ય રત્ના પૂ.સ્મિતાબાઈ મહાસતિજી આ સંઘની ધર્મ ભાવના જોઈને કહે છે કે આ તો જૈન ચાલ નથી પરંતુ જૈન નગરી છે. આ સંઘમાં ગોંડલ સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂ.પુરુષોતમજી મ.સ.ના પરીવારના સૂર્ય - વિજય પરીવારે વર્ષો સુધી અપૂર્વ ધર્મ લાભ આપેલો છે.ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સાહેબે પણ જૈન ચાલ સંઘમાં અનેક પ્રેરણાત્મક કાર્યો કરાવેલ છે. ગોંડલ સંપ્રદાયના પૂ. રાજેશમુનિ મ.સા. આદિ સંતોએ ચાતુર્માસનો મહા લાભ આપેલ છે.  પૂ.નમ્રમુનિ મ.સાહેબે ચાતુર્માસમાં નાના-નાના ભૂલકાઓને જૈન દર્શનનું પાયાનું જ્ઞાન સરળ શૈલીમાં સમજાવી અનંતો ઉપકાર કર્યો છે.

થોડા વર્ષ પૂર્વે ઉદારદિલા સ્વ.લલિતાબેન હિંમતલાલ દોશી પરિવારના સહયોગથી ધર્મ સ્થાનકનું નૂતનીકરણ કરી શાતાકારી ધર્મસ્થાનકનું પણ નિર્માણ કરેલ છે. આયંબિલના આરાધકોને શાતા રહે તે હેતુથી કુંદન પુષ્પ આયંબિલ ભવન  માતુશ્રી પુષ્પાબેન હરીભાઈ મડીયા પરીવારના સહયોગથી સુંદર આયંબિલ ભવન પણ બનાવવામાં આવેલ છે.

રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘ સંચાલિત જૈન ચાલ સંઘમાં સંઘ પ્રમુખ પરેશભાઈ સંઘાણી સહિત સમગ્ર શાસન સેવકો ચતુર્વિધ સંઘની સુંદર સેવા કરી રહ્યાં છે. (૪૦.૭)

(2:39 pm IST)