Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

તું કોણ મને રોકવા વાળો?...કેનાલ રોડ પર રિક્ષાચાલકે ટ્રાફિક પોલીસમેનનો કાંઠલો પકડી ધમાલ મચાવી

આજે તો છોડવો જ નથી, મારી નાંખીશ કહી ધમકી દીધીઃ પ્રણામ પોબારીની ધરપકડ

રાજકોટ તા. ૨: કેનાલ રોડ પર ગુંદાવાડી પોલીસ ચોકી પાસે રિક્ષાચાલકે ટ્રાફિક પોલીસ સાથે દાદાગીરી કરી ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ શખ્સને કાયદાનું ભાન કરાવાયું હતું.

બનાવ સંદર્ભે એ-ડિવીઝનના હેડકોન્સ. આર. આર. સોલંકીએ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતાં સંજયભાઇ ધનાભાઇ બારોટની ફરિયાદ પરથી જામનગર રોડ સૈનિક સોસાયટી નાગેશ્વર એપાર્ટમેન્ટ બ્લોક નં. એ-૪૦૨માં રહેતાં પ્રણામ જાગેશભાઇ પાબારી (ઉ.૧૮) સામે આઇપીસી ૧૮૬, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે.

સંજયભાઇના કહેવા મુજબ પોતે ગઇકાલે બપોરે ગુંદાવાડી પોલીસ ચોકી પાસે પોતાની નોકરી પર હતાં. ત્યારે સાથે અન્ય કર્મચારી પ્રિયંકાદેવી ડોડીયા અને ટ્રાફિક બ્રિગેડના હિમાંશુભાઇ ગોહેલ, પુજાબેન જાદવ પણ હતાં. આ વખતે એક રિક્ષાને અટકાવાતાં તેના ચાલકે જેમ ફાવે તેમ બોલવાનું ચાલુ કરી દીધુ હતું. અન્ય રિક્ષાચાલક મારફત આ શખ્સનું નામ પ્રણામ પાબારી હોવાનું જાણવા મળ્યું હતું. પ્રણામે બાદમાં પોતાનો કાંઠલો પકડી ઝપાઝપી કરી તું કોણ મને રોકવા વાળો? તેમ કહી ભારે દેકારો મચાવ્યો હતો.

આ વખતે સાથી કર્મચારીઓ છોડાવવા વચ્ચે પડતાં પ્રણામે આજે તો છોડવો જ નથી, મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ કારણે ટ્રાફિક પોલીસ મથકમાં જાણ કરવામાં આવતાં રિક્ષા નં. જીજે૩એઝેડ-૯૮૦૦ના ચાલક પ્રણામ સામે ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે આ શખ્સની ધરપકડ કરી કાયદાની ભાષા સમજાવી હતી.

(12:49 pm IST)