Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

લોકડાઉનમાં આવાસ યોજનામાં હપ્તા બંધઃ નવી યોજનાનાં ફોર્મ અટકી ગયા

આવાસ યોજનાનાં ચડત હપ્તાની પેન્ટલીટી-વ્યાજ માફ કરવા વિચારણાઃ મોટાભાગનાં સ્માર્ટ ઘર યોજનાનાં હપ્તા બાકીઃ લોકડાઉન પૂર્ણ થયા બાદ ર બીએચકે ફલેટનાં ફોર્મનું વિતરણ થઇ શકશે

રાજકોટ તા. ર :.. વર્તમાન લોકડાઉનની સ્થીતીમાં મ્યુ. કોર્પોરેશનને ઘણી બાબતોમાં આર્થિક ફટકો પડી રહ્યો છે. ત્યારે આવાસ યોજનાનાં ક્ષેત્રે પણ બે મહીનાથી કામગીરી ઠપ્પ હોવાથી હપ્તાઓની આવક બંધ થઇ છે.

આ અંગે આધારભુત સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ લોકડાઉન અગાઉ મ્યુ. કોર્પોરેશનની ટુ બેડ (એમ. આઇ. જી.) ફલેટ આવાસ યોજનાનું ફોર્મ વિતરણ ચાલુ હતુ જે અટકેલુ પડયું છે. હવે લોકડાઉન પુર્ણ થયા બાદ ઓફીસો ખુલે ત્યારે ફરી આ ર બીએચકે ફલેટનું અધુરૂ ફોર્મ વિતરણ શરૂ થઇ શકશે.

આ દરમિયાન છેલ્લા બે મહીનાથી આવાસ યોજનાનાં હપ્તાની આવક બંધ છે. જેમાં મ્યુનિ. આવાસ યોજનાઓનાં ૪૦૦ થી પ૦૦ અને ૧૦૦૦ થી ૧ર૦૦ ત્થા નવી પ્રધાન મંત્રી ત્થા મુખ્યમંત્રી આવાસ યોજના તેમજ સ્માર્ટ ઘર યોજનાનાં ૧૦ થી ર૦ હજારનાં હપ્તાઓ નથી ભરાયા જો કે લોકડાઉનને કારણે લાભાર્થીઓ હપ્તાઓ નથી ભરી શકયા તેથી લાભાર્થીઓ પાસે લોકડાઉન દરમિયાન નહી ભરાયેલા ચડત હપ્તાનું વ્યાજ અથવા પેનલ્ટી માફ કરવા અંગે તંત્ર વાહકોએ વિચારણા શરૂ કરી છે.

આમ હવે લોકડાઉન બાદ જ આવાસ યોજનાનું ફોર્મ વિતરણ ત્થા હપ્તા સ્વીકારવાનું ચાલુ થશે હાલમાં આવાસ યોજનાનાં જે ફોર્મ આવી ગયા છે તેનું ચેકીંગ ચાલુ કરવામાં આવી રહ્યું છે.

(3:18 pm IST)