Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

મનપાના કરાર આધારિત કર્મચારી રોહિતભાઈ પરમારે જાતે માસ્ક સીવીને જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક વિતરણ કર્યું

વોર્ડ ઓફિસરશ્રી નીરજભાઈ રાજયગુરૂની સહાયતા સાથે વોર્ડ નં. ૧૮ની ટીમે ઉમદા સામાજિક ઉતરદાયિત્વ નિભાવ્યું: મેયર અને મ્યુનિ. કમિશનરે અભિનંદન પાઠવ્યા

રાજકોટ,તા.૨: લોકો ઘરમાં રહીને જ કોરોના સામેના જંગમાં અસરકારક ઉકેલ મનાતા લોકડાઉનની વ્યવસ્થાને સફળ બનાવે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારૃં રહે તે માટે સરકારી તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ સતત કોરોના જેવા જોખમી વાઈરસ વચ્ચે રહી પોતાની ફરજ નિભાવી રહયા છે લોકોની સેવા કરે છે. કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની સત્ત્।ાવાર ફરજો ઉપરાંત પણ સામાજિક અને નૈતિક જવાબદારી સમજી પોતાની આગવી કર્તવ્યનિષ્ઠા વડે આગવું ઉદાહરણ આપી રહ્યા છે.

ત્યારે વોર્ડ નં. ૧૮ના વસ્તી ગણતરી વિભાગમાં કરાર આધારિત ટેકનીકલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા રોહિત હરેશભાઈ પરમારકે જેમણે ઈસ્ટ ઝોનના સહાયક કમિશનરશ્રી વી. એસ. પ્રજાપતિ તથા વોર્ડ ઓફિસર શ્રનીરજભાઈ રાજયગુરૂના માર્ગદર્શન અને સહાયતા હેઠળ આ કપરી પરિસ્થિતિમાં પોતાનું નહિ પણ લોકોનો વિચાર કરી પોતે જાતે માસ્ક બનાવી જરૂરિયાતમંદ લોકોને વિનામુલ્યે માસ્કનું વિતરણ કર્યું છે, તેમની આ ઉમદા કામગીરી બદલ મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલએ અભિનંદન પાઠવ્યા છે.

મેયરશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રીએ ગર્વની લાગણી સાથે માહિતી આપતા જણાવ્યું હતું કે, શ્રી રોહિત પરમાર અગાઉ રાજકોટ મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસની ફરજ બજાવતા હતા. હાલ મનપાના વોર્ડ નં. ૧૮માં વસ્તી ગણતરી વિભાગમાં કરાર આધારિત ટેકનીકલ આસીસ્ટન્ટ પર ફરજ બજાવે છે. જયારથી ફરજીયાત માસ્ક પહેરવાના જાહેરનામાનો અમલ કરવામાં આવ્યો છે ત્યારથી વોર્ડ નં. ૧૮ ના વોર્ડ ઓફિસરશ્રી તેમજ અન્ય સ્ટાફ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવતી હતી કે જરૂરિયાતમંદ લોકોને આપણે કંઇક મદદ કરવી જોઈએ ત્યારે શ્રી રોહિત પરમારે કહ્યું કે હું દરજી કામ જાણું છુ, એટલે લોકોને માસ્ક બનાવીને વિતરણ કરીએ, ત્યારબાદ રોહિતભાઈને જરૂરી સામગ્રીઓ એકત્રિત કરી આપેલ અને રોહિતે પોતે જાતે માસ્ક બનાવવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં કુલ ૩૫૦ જેટલા માસ્ક બનાવીને જરૂરિયાતમંદ લોકોને વિનામુલ્યે વિતરણ કરી સમાજને અને શહેરને કોરોના વાઇરસથી બચાવવામાં યથોચિત ફાળો આપ્યો છે.

(3:16 pm IST)