Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

મોરબીમાં જ્યાં કામ કરતાં ત્યાંથી કાઢી મુકાતાં મજૂર પરિવારના ૯ લોકો પગપાળા રાજકોટ પહોંચ્યા

બે દિવસથી ગ્રીનલેન્ડ ચોકડીએ ધામા નાંખ્યાઃ ટ્રાફિક પોલીસ કરી રહી છે મદદ

રાજકોટઃ કોરોનાની મહામારીમાં લોકડાઉન જાહેર થયું ત્યારે જ બહારના મજૂરો જ્યાં કામ કરતાં હોય ત્યાં જ તેમને રાખવા અને તેના ભોજન સહિતની વ્યવસ્થા કરવા સુચનાઓ અપાઇ હતી. આમ છતાં ઘણી જગ્યાએથી મજૂરોને હાંકી કાઢવાની ઘટનાઓ બની હતી. અગાઉ બામણબોર ચોકડીએથી ચાર મજૂરો મળ્યા હતાં જેને ફેકટરીમાંથી રવાના કરી દેવામાં આવતાં પોલીસે ફેકટરી સંચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. દરમિયાન મુળ મધ્યપ્રદેશના અને લાંબા સમયથી મોરબીમાં કેરાળા હરિપર રોડ પર આવેલી પેકીંગ કંપનીમાં મજૂરી કરી ત્યાં જ રહેતાં સંજય વિશ્વકર્મા અને મુકેશ વિશ્વકર્મા તથા તેના પરિવારજનોને લોકડાઉન પછી જ્યાં કામ કરતાં હતાં ત્યાં જ રાખવામાં આવ્યા હતાં. ૨૮મીએ ત્યાંથી રવાના કરી દેવામાં આવતાં આ બંને તથા પરિવારના મહિલા સભ્યો, બાળકો, બાળકીઓ મળી કુલ ૯ જણા પગપાળા ત્યાંથી રવાના થયા હતાં. આ બધા ચાલતા-ચાલતા ૩૦મીે સાંજે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચતા ત્યાં ફરજ બજાવતાં ટ્રાફિક બ્રાંચના એએસઆઇ જયેશભાઇ છૈયાએ પુછતાછ કરતાં આ બધાએ પોતાને મોરબીથી કાઢી મુકાયાનું અને વતન જવું હોવાનુ઼ કહ્યું હતું. આ લોકો પાસે પૈસા પણ ન હોઇ જમવાની વ્યવસ્થા ન હોઇ આ બધાને ચોકડી નજીક જ દિવાલના છાંયડે આશરો અપાયો હતો. બે દિવસથી ટ્રાફિક પોલીસ આ બધાને સાચવી રહી છે. સેવાભાવી લોકો ભોજન લઇને નીકળે તેમની પાસેથી ભોજન મેળવી મજૂર પરિવારને અપાય છે. આજે એએસઆઇ જયેશભાઇ છૈયાએ આર્થિક સહાય પણ કરી હતી. તેમજ સીટીન્યુઝના નિતીનભાઇ નથવાણીએ પણ રોકડ સહાય કરી હતી. સંબંધીત તંત્ર આ પરિવારજનોને વતન પહોંચાડવાની વ્યવસ્થા કરે અથવા કવોરન્ટાઇન સેન્ટરમાં પહોંચાડે તે જરૂરી છે.

(3:15 pm IST)