Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

રાજકોટમાં હેટ્રીકઃ ત્રણ દિ'થી પોઝિટિવ કેસ નથી

સમરસ કોરોન્ટાઇનમાંથી મુન્નાબાપુ સહિત ૩૦ ને રજાઃ તા.૩૦ એપ્રિલ થી આજ દિન સુધીમાં કુલ ૨૬૪ સેમ્પલ લેવાયાઃ તમામ નેગેટીવ : કવોરોન્ટાઇન સેન્ટરમાંથી રજા આપવામાં આવેલ ૩૦ લોકોએ સારી વ્યવસ્થા અને સુવિધાઓ અંગે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તથા જિલ્લા વહિવટી તંત્રનો આભાર વ્યકત કર્યો

રાજકોટ તા. ૨ : સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ લોકડાઉન છે. ગુજરાત સહિતનાં રાજયમાં દિવસેને દીવસે કોરોનાનો આંક માં વધારો થતો જોવા મળી રહ્યો છે.ત્યારે રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં શંકાસ્પદ કોરોનાના કુલ ૨૬૪ સેમ્પલ લેવામાં આવ્યા છે. તમામ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. આજે બપોર સુધીમાં એક પણ રિપોર્ટ પોઝિટિવ ન આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો.આજે સમરસ હોસ્ટેલના સરકારી કોરન્ટાઇનમાંથી જંગલેશ્વરનાં આગેવાન મુન્નાબાપુ સહિત ૩૦ લોકોને ઘરે જવા રજા આપી દેવાય છે. આ અંગે કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા કોરોના પોઝિટિવ દર્દીના કોન્ટેકટ (સંસર્ગમાં) આવેલ લોકોને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ગવર્નમેન્ટ ફેસીલીટી કવોરોન્ટાઈન સેન્ટરમાં ૧૪ દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. હાલમાં રાજકોટ શહેરમાં પથીકાશ્રમ, ત્રિમંદિર તથા સમરસ હોસ્ટેલ ખાતે આ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે, જેમાંથી અત્યારે માત્ર સમરસ હોસ્ટેલમાં જ કવોરોન્ટાઈન લોકોને રાખવામાં આવેલ છે, તેમાંથી આજરોજ ૩૦ લોકો સંપૂર્ણ સ્વસ્થ જણાતા તે તમામ લોકોને કવોરોન્ટાઈન ફેસીલીટી ખાતેથી રજા આપવામાં આવી હતી.

સમરસ કવોરોન્ટાઈન સેન્ટર તા. ૧૫ એપ્રિલથી કાર્યરત કરેલ છે. જેમાં અત્યાર સુધીમાં ૧૨૯ લોકોને કવોરોન્ટાઈન કરેલ છે. આજ રોજ તા. ૨ મે ના રોજ ૪૫ માંથી ૨૮ લોકોને રજા આપવામાં આવેલ છે, હવે ૧૭ લોકો કવોરોન્ટાઈન સેન્ટરમાં છે. તા. ૯ મે સુધીમાં તમામ ૧૭ને રજા આપવામાં આવશે.

આજરોજ રજા આપવામાં આવેલ ૩૦ લોકો પૈકી જંગલેશ્વર વિસ્તારના સામાજિક અગ્રણી હબીબીમિયા સૈયદ (મુન્નાબાપુ)ના ફેમીલી સહિતના લોકોને રજા આપવામાં આવેલ હતી. મુન્નાબાપુએ જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાને લગત કરવામાં આવેલ સર્વે, હોમ કવોરોન્ટાઈન તથા ફેસીલીટી કવોરોન્ટાઈનમાં સહકાર આપેલ હતો. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ સ્વખર્ચે તમામ ૩૦ લોકોને સેનેટાઈઝર અને માસ્કની કિટ આપી શુભેચ્છા વ્યકત કરી હતી.

મુન્નાબાપુએ સમરસ હોસ્ટેલની વ્યવસ્થા અંગે તમામ ૩૦ લોકો વતી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તથા જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યકત કર્યો હતો.

(3:15 pm IST)