Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

પશુદીઠ જાહેર કરેલ સહાય ગૌ-શાળા સુધી નહિં પહોંચતા એડવોકેટ લલિત શાહી દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત

રાજકોટ તા. રઃ કોરોનાની વૈશ્વીક મહામારીમાં સમગ્ર ભારત દેશની જનતા લોકડાઉન હોવાનાં કારણેકોઇ દાતા ગૌશાળા સુધી પહોંચી શકતા ન હોવાના કારણે પશુઓ ભુખ્યા તરફડીયા મારતા હોય તેવી સ્થિતિમાં સરકાર દ્વારા પશુ દિઠ રૂ. રપ/- ની દરરોજની સહાયની જાહેરાત કરેલ તેને ઘણો સમય વિતવા છતાં તે સહાય હજુ સુધી ગૌશાળાઓમાં પહોંચેલ ન હોવાના કારણે પશુઓ ભુખ્યા મરી રહેલનું અને સત્વરે કરેલ જાહેરાતનું પાલન કરાવવા સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ અને અગ્રણી સેવાભાવી એવા વકિલશ્રી લલિતભાઇ શાહી (૯૪ર૬ર ૦૧ર૬૦) દ્વારા ભારત દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી સત્વરે ઘટતી કાર્યવાહી કરવા અને સંવેદના દાખવવા રજુઆત કરેલ છે.

લોકડાઉન દરમિયાન ભાવનગર રોડ પર કાળીપાટ મુકામે આવેલ ''માં ગૌરી ગૌશાળા'' સહિત અનેક ગૌશાળાઓની મુલાકાતો લઇ માનવતાવાદી અને દરેક સેવાકીય પ્રવૃતિમાં જે હરહંમેશ આગળ રહેતા નામાંકિત વકિલશ્રી લલિતભાઇ શાહી દ્વારા વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રીને એવી લેખિત રજુઆત કરેલ કે માનવની તકેદારી માટે અબજો રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે ત્યારે અબોલ પશુઓ પ્રત્યેની ફરજ વિસરાઇ ગયેલ હોય તેમજ સરકારશ્રી દ્વારા પશુ દિઠ દરરોજના રૂ. રપ/- જાહેર કરેલ હોય, રાજકોટ તેમજ આસ-પાસમાં આશરે ચાલીસેક ગૌશાળાઓ આવેલ હોય હાલના કપરા સમયમાં જીલ્લાના સમાહરતા, મહાનગર પાલીકાના વડાશ્રી, રાજકીય આગેવાનો વિગેરે દ્વારા આગળ આવી સ્થળ મુલાકાત લઇ સાચી પરિસ્થિતિ જાણી સરકારશ્રીની જાહેરાતનું પાલન કરવામાં આવેલ ન હોવાથી ગૌશાળાઓમાં પશુઓ ભુખથી ભાંભરડા નાખતા હોવાનું અને ગૌશાળાઓમાં પશુઓમાં માત્ર ગાયની જ ગણતરી કરી વાછરડાઓ બળદો, ખુટીયાઓ વિગેરે અબોલ પશુઓનો સહાયમાં સમાવેશ કરેલ ન હોવાથી સહાય ચુકવતા પહેલા ગૌશાળામાં આવેલ તમામ અબોલ પશુઓનો સમાવેશ કરવા અને દરેક માનવની જેમ દરેક અબોલ પશુઓની જીંદગી પણ મુલ્યવાન હોય જેથી દરેક જીલ્લા, તાલુકાની ગૌશાળાનો સર્વે કરી નિરણ વિકલ્પે જાહેરાત કરેલ રકમની સહાય પહોંચાડવા અને ઘણા સમય પહેલા સરકારે પશુઓ માટે કરેલ જાહેરાત માત્ર કાગળ પર હોય તેની સત્વરે અમલવારી કરવા અને સંવેદના દાખવવા રાજકોટના વકિલશ્રી લલિતભાઇ શાહીએ વડાપ્રધાનશ્રીને તથા મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરેલ છે.

(2:30 pm IST)