Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

કોરોના મહામારીના કપરા સમયમાં દાણાપીઠમાં વેપારીઓ સરકારની પડખેઃ સવા બે લાખનું અનુદાન

શહેરના દરેક વેપારીઓને આવશ્યક ચીજ-વસ્તુ સરળતાથી મળી રહે તેવું આયોજન કરાયું

રાજકોટ ,તા.૨:કોરોના મહામારીના કપરા સમયમાં દેશના દરેક નાગરીકે પોતાનું સામાજીક દાયિત્વ નિભાવ્યું છે. ત્યારે લોકડાઉન સમયે કોઇપણ નાગરીકોને આવશ્યક ચીજવસ્તુઓની તકલીફ ન પડે ખાંડ, તેલ અને અનાજ કરીયાણાનો પુરતો પુરવઠો શહેરના દરેક નાના અને છુટક વેપારીઓને મળી રહે એ માટે જીલ્લા કલેકટર તંત્રએ દાણાપીઠ વેપારી એસોસીએશનની સાથે સંકલનમાં રહી વ્યવસ્થા ગોઠવી હતી. દાણાપીઠના દરેક વેપારીઓએ રાત-દિવસ જોયા વગર તંત્રને પૂરતો સાથ સહકાર આપી પોતાની ફરજ અદા કરી હતી.

લોકડાઉનના સમયમાં હોલસેલના અને રીટેઇલ વેપારીઓને કોઇને આવવા જવામાં તકલીફ ન પડે તે માટે જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન મેડમે દાણાપીઠ વેપારી એસોસીએશનના પ્રમુખશ્રી બીપીનભાઇ કેસરીયા સાથે સંકલન કરી તાત્કાલીક વેપારીઓ માટે પાસની વ્યવસ્થા ગોઠવી હતી. ત્યારબાદ ડેપ્યુટી કલેકટરશ્રી સિધ્ધાર્થભાઇ ગઢવી અને જીએસટી વર્તુળ ર૩ના ડેપ્યુટી કમીશ્નર શ્રી ડી.એન. ગોયાણીએ સતત સંપર્કમાં રહી માર્ગદર્શન પૂરૂ પાડયું હતું.

આ ઉપરાંત દાણાપીઠ વેપારી એસોસીએશન દ્રારા મુખ્યમંત્રી રાહત કુંડમાં રૂ. ૧,૫૧,૧૧૧નો ચેક જીલ્લા કલેકટરશ્રીને અર્પણ કર્યો હતો. તેમજ જીલ્લા કલેકટર તંત્ર દ્રારા તૈયાર કરવામાં આવેલી રાશનકીટ પેટે રૂમ. ૬૯૮૮૯ મળી કુલ રૂમ. ર,ર૧,૦૦૦નું અનુદાન સરકારમાં આપેલ છે. વેપારીઓને કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે જીલ્લા વહીવટી તંત્ર, મ્યુ. કોર્પોરેશન અને પોલીસ તંત્રએ ખૂબ જ સહકાર આપેલ હતો. તેની સામે દાણાપીઠ, મોચી બજાર, પરાબજાર, કંદોઈ બજાર વગેરે વિસ્તારના હોલસેલના વેપારીઓએ પણ એટલો જ સહકાર તંત્રને આપી રહયા છે. દરેક નાનામોટા વેપારી મિત્રોનો તેમજ જીલ્લા કલેકટર તથા પોલીસ તંત્રનો દાણાપીઠ વેપારી એસોસીએશન આભાર વ્યકત કરે છે.

આવશ્યક ચીજ-વસ્તુઓનું વિતરણ ૧૪૦ દુકાનો માંથી થતુ હતું. જેમાં દરેક અનાજ-કઠોળના વેચાણની વિગત કલેકટરને મોકલવામાં આવે છે. આ સંપૂર્ણ વ્યવસ્થા માટે દાણાપીઠ એસોસીએશનના પ્રમુખ બીપીનભાઇ કેસરીયા, નલીનભાઇ બુધ્ધદેવ, હરીશભાઇ શીંગાળા, જતીનભાઇ બગડાઇ, મહેશભાઇ મહેતા, દિનેશભાઇ મણવર, ભરતભાઇ માણેક, મહેન્દ્રભાઇ પુજારા, ધનસુખભાઇ રાયચુરા સહિતના વેપારી મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

(2:26 pm IST)