Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

સલમા ઉર્ફ ચિનુડી કોની પાસેથી હેરોઇન મંગાવતી'તી?...મુળ સુધી પહોંચવા મથામણ

જંગલેશ્વરની ચિનુડી અને સાગ્રીત ઇમ્તિયાઝ ઉર્ફ ભુરાના રિમાન્ડ મેળવવા એસઓજીની તજવીજ

રાજકોટ ત૨: સવા ત્રણ લાખના માદક પદાર્થ હેરોઇન સાથે પકડાયેલુ રૂખડીયા પરાનું દંપતિ જેલહવાલે થયા બાદ હેરોઇન સપ્લાય કરનાર જંગલેશ્વરની નામચીન મહિલા સલમા ઉર્ફ ચિનુડી બસીરભાઇ જેસાણી (સંધી) (ઉ.૩૫) તથા તેના સાગ્રીત ઇમ્તિયાઝ ઉર્ફ ભુરો ઓસમાણભાઇ હેરંજા (ઉ. ૨૦)ને પણ એસઓજીએ પકડી લીધા છે. ચિનુડી કોની પાસેથી આ માદક પદાર્થ મંગાવતી હતી? તેની તપાસ શરૂ કરવામાં આવી છે. રિમાન્ડ મેળવવા બાદ એસઓજી મુળ સુધી પહોંચશે તેવી આશા છે.

કોઠારીયા રોડ સ્વીમિંગ પુલ પાછળ માસ્તર સોસાયટીના રસ્તા પરથી ભકિતનગર પોલીસે ઇમરાન અને ફાતેમાને હેરોઇન સાથે પકડ્યા હતાં. પ્રાથમિક પુછતાછમાંં આ બંનેએ જંગલેશ્વરની સલમા ઉર્ફ ચીનુડી મારફત આ માદક પદાર્થ મેળવ્યાની કબુલાત આપતાં અને ભુરો નામનો છોકરો આ પદાર્થ આપી ગયાનું કબુલ્યું હતું.

આગળની તપાસ એસઓજીને સોંપવામાં આવતાં એસીપી જે. એચ. સરવૈયાની રાહબરીમાં પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એમ. એસ. અંસારી અને ટીમે સલમા ઉર્ફ ચિનુડી અને ભુરાને સકંજામાં લઇ લીધા હતાં.  બંને જંગલેશ્વરમાં રહેતાં હોઇ પહેલા તેને કોરોના ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. ગઇકાલે બપોર બાદ રિપોર્ટ નેગેટિવ આવતાં ધરપકડ કરવામાં આવી છે.

ચિનુડીએ પ્રાથમિક તબક્કે તો એવું રટણ કર્યુ હતું કે જેલમાં ધકેલાયેલી ફાતેમા અને અનવર આ માદક પદાર્થ આપવા આવ્યા હતાં. જો કે પોલીસ પાસે કોલ ડિટેઇલ સહિતના પુરાવા હોઇ ચિનુડીએ જ ભુરા મારફત આ પદાર્થ મોકલ્યાનું સ્પષ્ટ થઇ ગયું છે. ત્યારે ચિનુડી કયાંથી હેરોઇન લાવી? તેની તપાસ માટે રિમાન્ડની તજવીજ થઇ રહી છે. પીઆઇ રાવલ, પીએસઆઇ અંસારી સાથે હેડકોન્સ. ઝહીરખાન ખફીફ, કોન્સ. અનિલસિંહ ગોહિલ, અઝહરૂદ્દીન બુખારી, સોનાબેન મુળીયા સહિતનો સ્ટાફ તપાસ કરે છે.

(1:07 pm IST)