Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

૯ માર્ચથી કપડવંજમાં ફસાયેલા રાજકોટના ૧૧ મુસ્લિમ બિરાદરો રાતે રાજકોટ પહોંચ્યાઃ કોરોના ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ

ધામિર્ક કામ માટે ગયા બાદ ત્યાં રોકાયા હતાં એ દરમિયાન કોરોનાને કારણે લોકડાઉન ચાલુ થઇ જતાં બધાને અલગ-અલગ જગ્યાએ રખાયા હતાં: ગઇકાલે પ્રાંત અધિકારીની મંજુરી મળતાં આઇસર મારફત પરત આવ્યા

રાજકોટઃ શહેરના રૈયા રોડ નહેરૂનગર, સુભાષનગર તથા મોચી બજાર, યુનિવર્સિટી રોડ, ગવલીવાડ, મુસ્લીલાઇન સહિતના વિસ્તારોમાં રહેતાં ૧૧ મુસ્લિમ બિરાદરો ૯મી માર્ચના રોજ રાજકોટથી કપડવંજ ધાર્મિક કામ સબબ ગયા હતાં. એ પછી ત્યાં રોકાયા હોઇ કોરોનાને કારણે લોકડાઉન લાગુ પાડવામાં આવતાં આ બધા ત્યાં ફસાઇ ગયા હતાં. સ્થાનિક તંત્રએ તમામને અલગ-અલગ સ્થળોએ કવોરન્ટાઇન રાખ્યા હતાં. હાલમાં પવિત્ર રમઝાન મહિનો ચાલુ થયો હોઇ તમામે રાજકોટ પોતાના સ્વજનો પાસે જવા માટેની પરવાનગી કપડવંજ પ્રાંત અધિકારી પાસે માંગી હતી. આ માટેની મંજુરી ગઇકાલે મળી જતાં તમામના લોહીના રિપોર્ટ કરાયા હતાં અને એ પછી આઇસર મારફત રાજકોટ પહોંચ્યા હતાં. આઇસરના ઠાઠામાં બધા સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠા હતાં. મોડી રાતે રાજકોટ પહોંચતા સીધા સિવિલ હોસ્પિટલ ખાતે બધાને લાવવામાં આવ્યા હતાં અને અહિ કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કરી કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતાં. બપોર બાદ રિપોર્ટ આવ્યા પછી તમામને તેમના ઘરે પહોંચાડવા તજવીજ થશે. જેના સેમ્પલ લેવામાં આવ્યા છે તેમાં સૈયદ અફઝલભાઇ, બીલાલભાઇ , મહમદભાઇ, ઝેડ વાપીવાલા, ઉમરભાઇ ફારૂકભાઇ, સુલેમાનભાઇ ઇબ્રાહીમભાઇ, શકીલભાઇ અંસારી, રાજા અબ્દુલભાઇ શેખ, નઇમભાઇ સોલંકી, શેખ હસીબુલભાઇ અને મશૈરા મહમદઆરીફભાઇનો સમાવેશ થાય છે. સિવિલમાં રાતે કોવિડ-૧૯ હોસ્પિટલમાં પહોંચેલા બિરાદરો જોઇ શકાય છે.

(11:44 am IST)