Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

રાજકોટમાં એન-૯૫ માસ્ક બનાવવાના મશીનનું નિર્માણ

પેલીકન રોટોફલેકસ પ્રા.લી.કંપનીના ૧૫૦ લોકોની ટીમ દ્વારા માત્ર ૨૦ દિવસમાં અત્યાધુનિક મશીન બનાવ્યુ : ત્રણ કરોડનો ખર્ચ, દરરોજ ૨૫ હજાર માસ્ક બનશેઃ સારામાં સારી ગુણવત્તાવાળા અને વ્યાજબી ભાવમાં એન-૯૫ માસ્ક મળશેઃ ફુલ્લી ઓટોમેટીક મશીનઃ બે મહિનામાં વધુ પાંચ મશીન બનાવવાનો લક્ષ્યઃ કંપનીના ચેરમેન - એમ.ડી.ભરતભાઈ શાહ : વેન્ટીલેટરના પગલે શ્રેષ્ઠ માસ્ક બનવા લાગ્યાઃ રાજકોટનું નામ દેશભરમાં રોશન : દેશભરમાં માસ્કની જરૂરીયાતની માંગને પૂર્ણ કરી શકાશેઃ આ મહિનાથી જ લાખો માસ્કનું ઉત્પાદન થશે : સમગ્ર પ્રોજેકટમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ, કલેકટર રેમ્યા મોહન, કલ્પકભાઈ મણીયાર, દિનેશ કારીયાનો ખૂબ જ સહયોગ મળ્યો

ઉકત પ્રથમ તસ્વીર પેલીક રોટોફલેકસ પ્રા.લિ.ના ચેરમેન- મેનેજીંગ ડીરેકટર શ્રી ભરતભાઈ શાહ (મો.૯૮૨૫૦ ૭૭૭૮૮) બીજી તસ્વીરમાં એન-૯૫ માસ્ક બનાવવાનું મશીન અને અંતિમ તસ્વીરમાં કંપનીના ડીરેકટર શ્રી વિજયભાઈ શાહ (મો.૯૬૦૧૭ ૭૭૭૬૭) નજરે પડે છે

રાજકોટ,તા.૨: કોરોના નામની મહામારીએ દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. હાલના સમયમાં માસ્ક પહેરવું ફરજીયાત બન્યું છે. વર્તમાન સમય જોતા આગામી સમયમાં પણ માસ્ક પહરેવું ફરજીયાત બની જાય તો પણ નવાઈ નહિ. ત્યારે રાજકોટની એક કંપનીએ એન-૯૫ માસ્ક બનાવવાનું અતિ આધુનિક ઓટોમેટીક મશીન બનાવ્યું છે.

રાજકોટની ભાગોળે મેટોડા પછી ખીરસરાથી આગળ આણંદપર ખાતે આવેલ પેલીકન રોટોફલેકસ પ્રા.લી.ના ચેરમેન અને એમ.ડી. શ્રી ભરતભાઈ શાહે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે એન-૯૫ માસ્ક બનાવવાનું ફુલ્લી ઓટોમેટિક મશીન ખૂબ જ જટિલ હોવા છતાં પણ રાજકોટ પેલીકન રોટોફલેકસ પ્રા.લિ.ની ટીમ દ્વારા એન-૯૫ માસ્કનું ફુલ્લી ઓટોમેટિક મશીન કુશળ એન્જિનિયરો તથા ઈલેકટ્રોનિક સોફટવેર ડેવલપમેન્ટના એન્જિનિયરો, ઉચ્ચ પ્રોડકશન ફેસેલીટી તેમજ ૧૫૦થી પણ વધારે માણસોની ટીમે દિવસ- રાત કામ કરી ફુલ્લી ઓટોમેટીક એન-૯૫ મશીનના નિર્માણનું લક્ષ્ય માત્ર ૨૦ દિવસમાં સફળતાથી પાર પાડેલ છે.

ફુલ્લી ઓટોમેટિક એન-૯૫ માસ્ક બનાવવાના મશીનમાં ન્યૂ જનરેશન SCADA based servoનો ઉપયોગ કરવામાં આવેલ છે. જે ચાઈનીઝ કંપનીના હલ્કી ગુણવત્તાવાળા મશીન કરતાં સારી કવોલિટીના એન-૯૫ માસ્કનું ઉત્પાદન કરી શકે છે. એક હજારથી પણ વધુ પાર્ટસ ધરાવતું આ મશીન ફુલ્લી ઓટોમિક with auto ear-loop અને લગભગ તમામ ઈન- હાઉસ પાર્ટસ સાથે તૈયાર કરેલ છે.

શ્રી ભરતભાઈ શાહ વધુમાં જણાવે છે કે એક મશીન દરરોજના ૨૫ હજાર માસ્કની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે તેમજ આવતા બે મહિનામાં આવા બીજા પાંચ મશીન બનાવવાનો લક્ષ્ય ધરાવે છે. જેથી ટૂંકા સમયમાં લાખો માસ્ક તૈયાર કરી ભારતમાં તેમજ વિશ્વના અન્ય દેશોને પણ મદદ કરી શકાશે. ભારત સહિત લગભગ દુનિયામાં તમામ દેશોમાં માસ્કની અછત છે ખાસ કરીને સારી ગુણવત્તાના એન-૯૫ માસ્કની. સારી ગુણવત્તાના માસ્ક કોરોના જેવી મહામારીને રોકવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એન-૯૫ માસ્ક કે જે ૯૫ ટકા એરબોર્ન પાર્ટિકલ્સને ફિલ્ટર કરે છે. ચાઈના જેવા દેશોમાંથી નબળી ગુણવતાવાળા મશીનો દુનિયાભરમાં પૂરા પાડવામાં આવે છે. પરંતુ અમારી કંપનીના ૧૫૦ ટીમ દ્વારા આ મશીનનું નિર્માણ કર્યુ છે અને એ પણ આધુનિક સ્પેરપાર્ટસ સાથે આ મશીન બનાવવા આશરે ત્રણેક કરોડનો ખર્ચ થયો છે. આવતા દસેક દિવસમાં કાયમી પ્રોડકશન ચાલુ થઈ જશે. આગામી સમયમાં આ મશીન એસપોર્ટ પણ કરવામાં આવશે.

શ્રી શાહે જણાવેલ કે લોકોને એન-૯૫ માસ્કએ પણ સારી ગુણવત્તાવાળા મળી રહેશે. માસ્ક બનાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. લોકોને એકદમ વ્યાજબી દરે આ માસ્ક મળી રહેશે.

સમગ્ર પ્રોજેકટને સફળતા આપવા રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ  રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, કલેકટર શ્રીમતિ રેમ્યા મોહનજી, રાજકોટ નાગરીક બેંકના પૂર્વ ચેરમેન અને ડીરેકટર શ્રી કલ્પકભાઈ મણીઆર અને શ્રી દિનેશ કારીયાનો ખૂબ સહયોગ મળેલ હોવાનું ભરતભાઈ અને વિજયભાઈ શાહે જણાવ્યું હતું.

આ અંગે વધુ માહિતી માટે પેલીકન રોટોફલેકસ પ્રા.લિ.ના ચેરમેન અને એમ.ડી. શ્રી ભરતભાઈ શાહ મો.૯૮૨૫૦ ૭૭૭૮૮ અને શ્રી યશ શ્રીમાંકર (શાહ) મો.૯૮૨૫૦ ૭૭૭૬૭નો સંપર્ક કરી શકાય છે.(૩૦.૨)

અગામી ૧૦ દિવસમાં થ્રીલેરના હાઈકવોલીટીવાળા માસ્ક બનવા લાગશેઃ ફ્રી માં અપાશે

રાજકોટઃ પેલીકન રોટોફલેકસ પ્રા.લી.ના ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર શ્રી ભરતભાઈ શાહ અને કંપનીના ડીરેકટર શ્રી વિજયભાઈ  શાહે જણાવેલ કે અને-૯૫ માસ્કનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. હવે આગામી ૧૦ દિવસમાં થ્રીલેરના હાઈકવોલીટીવાળા માસ્કનું ઉત્પાદન થવા લાગશે. આ માસ્ક સામાન્ય નાગરીકો પણ પહેરી શકશે. આ થ્રીલેર માસ્કના ઉત્પાદન બાદ શરૂઆતના દિવસોમાં લોકોને ફ્રી માં આપવામાં આવશે.

(3:19 pm IST)