Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

રાજકોટ જેલમાં ફરી મોબાઇલ-સિગારેટ-ફાકી સાથેના 'દડા'નો ઘા

લોકડાઉનમાં ૧૧ દિ'માં બીજો બનાવઃ ૨૧મીએ મોબાઇલ અને તમાકુ સાથેનો દડો આવ્યા'તો તેમજ બેરેકમાંથી મોબાઇલ-સિમકાર્ડ-સરકીટ મળ્યા'તા : નવી જેલ વિભાગ-૨ યાર્ડ નં. ૩ની સામેની દિવાલ પરથી શુક્રવારે સવારે પોણા છ વાગ્યે પ્લાસ્ટીકનો દડો આવ્યોઃ જે લાઇવ વાયર સાથે અથડાતાં અવાજ થયોઃ પાકા કેદી પાણીનો વાલ્વ ખોલવા જતાં ધ્યાન પડી ગયું: જેલર ડી. પી. રબારીએ નોંધાવી પ્ર.નગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨: કોરોના મહામારીને કારણે પોલીસ સતત લોકડાઉનનો અમલ કરાવી રહ્યું છે ત્યારે લોકડાઉન વચ્ચે પણ રાજકોટની જેલમાં અગાઉની જેમ મોબાઇલ, તમાકુ, ચાર્જર સહિતની પ્રતિબંધીત ચીજવસ્તુઓ બાંધીને દડાના ઘા કરવામાં આવી રહ્યા છે. ૧૧ દિવસ પહેલા આ રીતે મોબાઇલ-તમાકુ સાથેનો એક દડો જેલમાં ફેંકાયો હતો તેમજ જેલની બે ખોલીમાંથી મોબાઇલ ફોન, સર્કિટ, ચાર્જરના કેબલ પણ મળી આવ્યા હતાં. ત્યાં ગઇકાલે વધુ એક વખત જેલ નંબર-૨ની દિવાલ ઠેંકાડી કોઇએ પ્લાસ્ટીકનો દડો ફેંકયો હતો. આ દડા સાથે બે મોબાઇલ ફોન, બે ચાર્જર, બ્રિસ્ટોલના બે પેકેટ તથા પાંચ ફાકી બાંધેલા હતાં. અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી છે.

રાજકોટ જેલમાં અગાઉ અનેક વખત આ રીતે દડાના ઘા થયા હતાં. એક વખત એક શખ્સને જેલના સ્ટાફે રંગેહાથ પકડી પણ લીધો હતો. એ પછી પણ આ રીતે પ્રતિબંધીત ચીજવસ્તુઓ ફેંકવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઇકાલે ફરી એક વખત આવો દડો આવ્યો છે. આ બારામાં ગ્રુપ-૨ જેલર શ્રી ડી. પી. રબારીએ પ્ર.નગર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ  પ્રિઝનર એકટની કલમ ૪૨, ૪૩, ૪૫ની પેટા કલમ ૧૨ મુજબ ગુનો નોંધાવ્યો છે.

તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે શુકવારે ૧/૫ના સવારે નવેક વાગ્યે મધ્યસ્થ જેલના સ્થાનિક જડતી સ્કવોડના સુબેદાર મહેન્દ્રસિંહ જાડેજાએ રિપોર્ટ આપ્યો હતો કે તેઓને પાકા કેદી હબીબ અબ્દુલ્લા નાથવાણી કે જેને જેલની અંદર પાણી સપ્લાયની કામગીરી સોંપવામાં આવી છે તે સવારે પોણા છએક વાગ્યે પાણીનો વાલ્વ ખોલવા જતાં નવી જેલ વિભાગ-૦૨, યાર્ડ નં. ૩ની સામેની દિવાલ પરના લાઇવ વાયર સાથે કોઇ ચીજ વસ્તુ અથડાવાનો અવાજ આવ્યો હતો. આથી  તેઓ (મહેન્દ્રસિંહ) તથા સ્ટાફ બહારની કોર્ટ પાળી ટાવર નં. ૦૨ની પાસે જતાં જડતી સ્કવોડના સિપાહી ભરતસિંહ કે. વાઘેલાને પ્લાસ્ટીકનો એક દડો મળી આવ્યો હતો. આ દડો અધિક્ષકના હુકમથી જેલર કે. એ. વાઢેરની હાજરીમાં ખોલવામાં આવ્યો હતો.

દડામાંથી નોકીયા કંપનીનો મોબાઇલ ફોન કાળા રંગનો, સેમસંગ કંપનીનો બીજો મોબાઇલ ફોન સફેદ રંગનો તથા બે ચાર્જર અને બ્રિસ્ટોલના બે પેકેટ તેમજ માવા (ફાકી મસાલા) પાંચ નંગ મળી આવ્યા હતાં. આ તમામ ચીજવસ્તુ પ્રતિબંધીત હોઇ એફએસએલ ડિપાર્ટમેન્ટમાં મોકલવી જરૂરી હોઇ ગુનો દાખલ કરાવાયો છે. જેલમાં આ રીતે અગાઉ પણ આવી ચીજવસ્તુઓ સાથેના દડાના ઘા થઇ ચુકયા છે અને અનેક વખત આવા દડા પકડાયા છે. પરંતુ દડા ફેંકનારા હાથમાં આવતાં નથી. પ્ર.નગર પીઆઇ વી. એસ. વણઝારાની રાહબરીમાં હેડકોન્સ. વાલજીભાઇ નિનામાએ હાથ ધરી છે.

દડાના ઘામાં 'લાગે તો બાણ નહિતર થોથા'

.જેલની અંદર સમયાંતરે દડા સાથે મોબાઇલ, તમાકુ, સિગારેટ, ગુટખા, ચાર્જર, ફાકી સહિતની પ્રતિબંધીત ચીજવસ્તુઓના ઘા થતા રહે છે. આ ઘા બહારના ભાગેથી અંદર રહેલા કેદીઓ માટે જ થતાં હોય છે. પરંતુ જેલની બબ્બે દિવાલો ઠેકાડીને દડા પહોંચાડવા એ ખુબ મુશ્કેલ કામ હોય છે. મોટે ભાગે આવા દડા પહેલી દિવાલ અને બીજી દિવાલની વચ્ચે જ પડી જતાં હોય અને ફરજ પરના સ્ટાફના હાથમાં આવી જતાં હોય છે. આથી આ ઘા 'લાગે તો બાણ નહિતર થોથા' જેવા સાબિત થતાં હોય છે. કારણ કે મોટે ભાગે જેના માટે આ ચીજવસ્તુ ફેંકવામાં આવતી હોય છે તેના સુધી પહોંચતી જ નથી.

(3:16 pm IST)