Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

હજારો રાજકોટીયનો ગીતોના વરસાદમાં રસતરબોળ

રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૭૦-૮૦ના દાયકાના લાજવાબ ગીતોનો અદ્‌ભૂત કાર્યક્રમઃ પરિવાર સાથે નોન-સ્‍ટોપ ૪ કલાકનો સંગીત જલ્‍સો માણ્‍યો

રાજકોટ, તા. ૧ : શહેરમાં અવાર-નવાર વિવિધ ઉત્‍સવો, તહેવારો નિમિત્તે સંગીત જલ્‍સા યોજાતા જ રહે છે, પરંતુ ગઇકાલે રાત્રે મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ ખાતે નામાંકિત કલાકારોના સૂમધૂર અવાજથી ‘સુહાના સફર' કાર્યક્રમના સંગાથે સંધ્‍યા સૂરમયી રીતે સોળેકળાએ ખિલી હતી. હજારો રાજકોટીયનોએ મધરાત સુધી સંગીત મહેફીલમાં તરબોળ રહ્યા હતા.

આ અંગે પુષ્‍કર પટેલ - જયમીન ઠાકરના જણાવ્‍યા મુજબ કોર્પોરેશન દ્વારા વર્ષ અંતર્ગત જુદા જુદા અનેક વિવિધ સંસ્‍કૃતિક, રમત-ગમત, ગીત-સંગીત તથા અન્‍ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેને લોકો મન ભરીને માણે છે. ૧ મે, ગુજરાત રાજયની સ્‍થાપના દિનની ઉજવણી અંતર્ગત કવિ શ્રી રમેશ પારેખ રંગ દર્શન રેસકોર્સ ખાતે જુના ફિલ્‍મી ગીતો ‘સુહાના સફર-૨૦૧૮'નુ ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જુના અને યાદગાર લોકપ્રિય ગીતોથી દેશના સુપ્રસિદ્ધ ડાયરેક્‍ટર અપ્‍પુ એડવીન્‍સ, તેમજ ખ્‍યાતનામ સિંગરો ચેતન રાણા, પ્રશાંત નસરી, સલીમ મલિક, નીલિમા ગોખલે, આના માર્ટીન વિગેરે હિન્‍દી ફિલ્‍મ જગતના સુવર્ણ યુગના ગીત રજૂ કરી સંગીત પ્રેમીઓને ડોલાવ્‍યા હતા.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવેલ કે, ગુજરાત રાજયની સ્‍થાપનાની ઉજવણી અંતર્ગત રાજયભરમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મંદિરના જીર્ણોદ્ધારની જેમ રાજયમાંથી પાણીના દુકાળને કાયમને માટે દેશવટો આપવા જળમંદિરના જીર્ણોદ્ધારનો કાર્યક્રમ શરૂ કર્યો છે.

આ પ્રસંગે મેયર ડો. જૈમન ઉપાધ્‍યાયએ જણાવેલ કે, રાષ્ટ્રના વિકાસ પુરુષ શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પોતાના ગૃહ રાજય ગુજરાતને કોઈપણ પ્રકારે મુશ્‍કેલી ન પડે તેનો ખાસ ખ્‍યાલ રાખે છે. જયાં રાજકોટને એક એક ફલાઈટ મેળવવા માટે વર્ષો સુધી રાહ જોવી પડતી તેની જગ્‍યાએ રાજકોટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મંજુર કરી દીધું છે.

આતરરાષ્ટ્રીય ખ્‍યાતી પ્રાપ્ત મ્‍યુઝીક ડાયરેક્‍ટર અપ્‍પુ એડવીન્‍સના માર્ગદર્શન હેઠળ તમામ કલાકારો દ્વારા સત્‍યમ શિવમ સુન્‍દરમ, શાન, મિલન, જેવી યાદગાર ફિલ્‍મોના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠેલ અને ઉપસ્‍થિત નગરજનો ગીતના તાલે મોડી રાત સુધી ઝૂમ્‍યા હતા.

જુની ફિલ્‍મોના યાદગાર ગીતોનો કાર્યક્રમ ‘સુહાના સફર-૨૦૧૮' મેયર ડો.જૈમન ઉપાધ્‍યાયના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો. આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્‍ય શ્રી ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, સરગમ ક્‍લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, અગ્રણી ઉદ્યોગપતી ઘનશ્‍યામભાઈ ઢોલરીયા, સુર સંસારના ભગવતીભાઈ મોદી, સુર મંદિરના ઘનશ્‍યામભાઈ રાવલ, સુર સરિતાના જયેશભાઈ ઓઝા, શાસક પક્ષના દંડક રાજુભાઈ અઘેરા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કોર્પોરેટરશ્રી અશ્વિનભાઈ ભોરણીયા, અશ્વિનભાઈ મોલીયા, મનીષભાઈ રાડીયા, દલસુખભાઈ જાગાણી, બીનાબેન આચાર્ય, પરેશભાઈ પીપળીયા, મુકેશભાઈ રાદડિયા, દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરજરીયા, અનિતાબેન ગોસ્‍વામી, રૂપાબેન શીલુ વિગેરે ઉપસ્‍થિત રહેલ.

આ પ્રસંગે સ્‍થાયી સમિતીના ચેરમેન શ્રી પુષ્‍કરભાઇ પટેલએ ઉપસ્‍થિત સૌ મહેમાનોનું શાબ્‍દિક સ્‍વાગત કરેલ. જયારે સમાજ કલ્‍યાણ સમિતીના સભ્‍ય શ્રી અશ્વિનભાઈ મોલીયા, અંજનાબેન મોરજરીયા, તથા દુર્ગાબા જાડેજાએ ઉપસ્‍થિત મહેમાનોનું પુસ્‍તક અર્પણ કરી સ્‍વાગત કરેલ. જયારે સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકરે તમામ કલાકારોનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરેલ. કાર્યક્રમના અંતે આભરવિધિ પણ સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકરે કરેલ.

સંગીતકાર અપ્‍પુ એડવીન્‍સનાં અનુભવી કલાકારોની દરેક ધુન ઉપર તાલીઓ પડી

રાજકોટઃ ગઇરાત્રે રેસકોર્ષમાં યોજાયેલ સુહાના સફર સંગીત સંધ્‍યામાં પ્રસિધ્‍ધ સંગીતકાર અપ્‍પુ એડવીન્‍સ અને તેના સાથી પ૦ થી વધુ કલાકારો જેમાં કોરસ સીંગરો, વાયોલીન વાદક, ટ્રમ્‍પીટ, સેકસો ફોન, વાંસણી, ઢોલક, તબલા, હારમોનીયમ, સીતાર અને સૌ પ્રથમ વખત સ્‍ટેજ પર ‘પીયાનો'નું જબરજસ્‍ત અને અદભુત લાઇવ પરર્મોન્‍સ રજુ થયું હતું અને પ્રત્‍યેક કલાકારોની ઓરીજનલ સંગીત ધુનને માણી શ્રોતાઓ ઝુમી ઉઠયા હતા અને તાળીઓથી સંગીતની પ્રત્‍યેક ધુનને વધાવી હતી.

પુષ્‍કર પટેલ- જયમીન ઠાકર ઉપર અભિનંદન વર્ષા

રાજકોટઃ ગઇકાલે ૧ મે ગુજરાત સ્‍થાપનાદિન પ્રસંગે રાત્રે ૮.૩૦ વાગ્‍યાથી રેસકોર્ષ મેદાનમાં કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થિયેટર) ખાતે સુહાના સફર શિર્ષક હેઠળ હિન્‍દી ફિલ્‍મ ગીત સંગીતનો અભુતપુર્વ કાર્યક્રમ શરૂ થયો હતો. જેમાં એક પછી એક કર્ણપ્રિય ગીતો રજુ કરી અને મધરાત સુધી રાજકોટવાસીઓને પ૦ થી વધુ કલાકારોની ટીમે ડોલાવ્‍યા હતા.

લાઇવ કોન્‍સર્ટ (ઓરીજનલ વાજીંત્રો) સાથેનો આવો અભુતપુર્વ કાર્યક્રમ માણી સ્‍થળ ઉપર ઉપસ્‍થિત શ્રોતાજનોએ કાર્યક્રમના આયોજનમાં જહેમત ઉઠાવનાર સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન પુષ્‍કર પટેલ તથા સમાજ કલ્‍યાણ સમીતી ચેરમેન જયમીન ઠાકર ઉપર અભિનંદન વર્ષા વરસાવી હતી.

 

ફોટોગ્રાફી એ એક કળા છે. માણસને પોતાનો ફોટો જોવો બહુ ગમે છે. સેલ્‍ફીના આ યુગમાં ફોટોગ્રાફી એ માણસનો સહજ શોખ થઇ થયો છે. ગઇકાલે મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ મેદાનમાં યોજયેલ ગીત સંગીતના કાર્યક્રમમાં એક બાળકીએ કાર્યક્‍મની જીવંત ફોટોગ્રાફી કેમેરામાં કેદ કરી હતી. કલાકારોએ આ બાળકીની લાગણી જોઇ પ્રસન્નતા અનુભવી હતી.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(4:21 pm IST)