Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

આંગડિયા લૂંટમાં ભાવેશ અને મુસ્તાક પાંચ દિ' રિમાન્ડ પરઃ ત્રીજો આરોપી ઝુબેર પણ ઝડપાયો

ગ્રીનલેન્ડ ચોકડીએથી બસ પકડી મુંબઇ ભાગે એ પહેલા ક્રાઇમ બ્રાંચે દબોચ્યોઃ મુખ્ય સુત્રધારનું લોકેશન રાજ્ય બહાર મળ્યું

રાજકોટ તા. ૨: શાસ્ત્રી મેદાનના  ગેઇટ અંદર અઠવાડીયા પહેલા સોરઠીયા વાડી ચોકની અક્ષર આંગડિયા પેઢીના કર્મચારી બાબુજી ઘેમલજી વાઘેલા (ઠાકુર) (ઉ.૪૯)ને પાઇપ કે બીજુ કોઇ હથીયાર ફટકારી પછાડી દઇ તેની પાસેથી  રોકડ, ડાયમંડ, સોનાના દાગીનાના ૩૫ પાર્સલ ભરેલો થેલો લૂંટી બે લૂંટારા છનનન થઇ ગયા હતાં. આ થેલામાં કુલ રૂ. ૨૫,૯૩,૯૦૦ની મત્તા હતી. લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખી રાજુલાના બે શખ્સો ભાવેશ ઉર્ફ ભુરો ધનજીભાઇ સરવૈયા (મોચી) (ઉ.૨૪) અને મુસ્તાક ઉર્ફ મુસો મહમદભાઇ પાયક (ઘાંચી) (ઉ.૨૧)ને દબોચી લીધા હતાં. આ બંનેને એ-ડિવીઝન પોલીસને સોંપવામાં આવતાં રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા હતાં. બંનેના પાંચ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. બીજી તરફ ત્રીજા આરોપી ઝુબેર હારૂનભાઇ કલાણીયા (ઘાંચી) (ઉ.૨૭-રહે. રાજુલા, વડલી રોડ)ને ક્રાઇમ બ્રાંચે ગ્રીનલેન્ડ ચોકડીએથી ઝડપી લીધો છે.

ગઇકાલે ઝડપાયેલા ભાવેશ અને મુસ્તાકે કબુલ્યું હતું કે મુળ રાજુલાના અને રાજકોટ જંગલેશ્વરમાં રહેતાં શાહરૂખે લૂંટનો પ્લાન ઘડ્યો હતો. દેણામાં આવી ગયા હોઇ ત્રણ-ચાર કરોડની લૂંટ કરવાનો મનસુબો હતો. ક્રાઇમ બ્રાંચે આ બંને શખ્સોને સો ટકા મુદ્દામાલ સાથે દબોચી એ-ડિવીઝનને સોંપતા આજે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. રિમાન્ડ માંગણી મંજુર કરી અદાલે પાંચ દિવસના રિમાન્ડ આપતાં પી.આઇ. વી. વી. ઓડેદરા, પીએસઆઇ ભટ્ટ, રણજીતસિંહ ઝાલા, શિવરાજસિંહ, ભાવેશભાઇ, વિજયસિંહ જાડેજા તેમજ ડી. સ્ટાફની ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે. આ બંને શખ્સોને સાથે રાખી પોલીસ વિશેષ તપાસ શરૂ કરશે.

બીજી તરફ પી.એસ.આઇ. આર. સી. કાનમીયા, સંતોષભાઇ રબારી અને ટીમે માહિતી પરથી ત્રીજા આરોપી ઝુબેર કલાણીયાને ગ્રીનલેન્ડ ચોકડીથી પકડી લીધો છે. આ શખ્સ માત્ર બાઇક ચલાવવાના રોલમાં સામેલ હતો. આ કામના બદલમાં તેને શાહરૂખ તરફથી અમુક રકમ મળવાની હતી. સુત્રધાર શાહરૂખનું લોકેશન રાજ્ય બહાર મળ્યું હોઇ તલાશ યથાવત રખાઇ છે.

(4:11 pm IST)