Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ગ્રહો નક્કી કરે છે જીવનની દશા અને દિશાઃ જ્‍યોતિષશાષા એટલે એ દશા અને દિશા સમજવાનું શાસ્ત્ર

વિશ્વના ૬૦થી વધુ દેશમાં ભારતની આ મહાન પ્રાચીન વિદ્યાના ધ્‍વજા પતાકા લહેરાવનારા ૮૪ વર્ષની વયના જ્‍યોતિષાચાર્ય ડો. સનત ઠાકરની અકિલા સાથે વિશેષ વાતચીત

રાજકોટ તા. ૨ : નિવૃત્તિ પછીના સમયનો મહા-સદ્‌ઉપયોગ કેમ કરવો તે શિખવા માટે જ્‍યોતિષનું અપાર-ગહન જ્ઞાન હાંસિલ કરી ૮૪ વર્ષે પણ યુવાનને શરમાવે તેવી સ્‍ફૂર્તિ સાથે સતત કાર્યરત ડો. સનતભાઇ ઠાકરને અચૂક મળવું રહ્યું.

તાજેતરમાં જ સૌરાષ્‍ટ્ર - ગુજરાતના સિનીયર મોસ્‍ટ પત્રકાર અને ફુલછાબ - દિવ્‍ય ભાસ્‍કરમાં સુદીર્ઘ સેવા આપનાર શ્રી જગદીશભાઇ આચાર્ય સાથે ડો. સનતભાઇ ઠાકર અકિલાની શુભેચ્‍છા મુલાકાતે આવ્‍યા હતા.

જ્‍યોતિષ - એસ્‍ટ્રોલોજી અંગે અનેક પાસાઓ ઉપર તેમની સાથે રસપ્રદ ચર્ચાનો નિચોડ અહીં આપ્‍યો છે.

શું ગ્રહોની માનવ જીવન ઉપર વાસ્‍તવમાં અસર થાય છે?

ચોક્કસ થાય છે.અને એ અસરોને માનવી સમજી શકે એ હેતુથીજ આપણા મહાન ઋષિઓએ જયોતિષશાસ્ત્ર ની રચના કરી હતી. આપણા ઋષિઓએ સદીઓ પહેલા જયારે અત્‍યાર જેવા આધુનિક ઉપકરણો નહોતા ત્‍યારે સૂર્ય અને પૃથ્‍વીનું અંતર,તમામ ગ્રહો ઉપગ્રહો, નક્ષત્રો, રાશિઓ, સૂર્યમાળાઓની શોધ કરી લીધી હતી.આજે એ બધી શોધોને નાસાએ સ્‍વીકૃતિ આપી છે.આપણી પાસે અનંત વિશ્વની કલ્‍પના હતી.આજે નાસાએ પણ સ્‍વીકાર્યું છે કે આપણી ગેલેક્‍સી જેવી અન્‍ય હજારો ગેલેક્‍સી અસ્‍તિત્‍વ ધરાવે છે અને બ્રહ્માંડ સતત વિસ્‍તરતું રહે છે.કહેવાનો હેતુ એ છે કે સદીઓ પહેલાં બ્રહ્માંડના એ સ્‍વરૂપને ઓળખી લેનારા મહાન ઋષિઓ માનવ જીવન ઉપરની ગ્રહો ની અસરોને પિછાણી શક્‍યા હતા અને તે થકી આપણને એ વિદ્યાનો વારસો મળ્‍યો છે.

ગ્રહો કઈ રીતે અસર કરે છે?

જુઓ, સરળ ભાષામાં સમજાવું. આપણે લોટનો પીંડો બાંધીએ ત્‍યારે શું કરીએ?લોટમાં પાણી નાખીએ,મોણ માટે થોડું તેલ નાખીએ,તેમાં જરૂરિયાત મુજબ મીઠું, મરી, મસાલા વિગેરે ભેળવીએ અને પછી બધું મિક્‍સ કરીએ.હવે એ પિંડાના આઠ દશ ટુકડા કરો તો દરેક ટુકડામાં એ દરેક વસ્‍તુ હોય કે નહીં?હોય જ.એ જ રીતે સૂર્યમાંથી પૃથ્‍વી અને બધા ગ્રહો છુટા પડ્‍યા.એ પૃથ્‍વી પર આપણે જન્‍મ્‍યા.એટલે આપણે પૃથ્‍વીના સંતાન થયા.ધરતીને આપણે માતાનું બિરુદ અમથું નથી આપ્‍યું.એ માતા ના પિતા સૂર્ય છે.આપણા ડી.એન.એ.માં સૂર્ય છે એટલે કે આપણી અંદર એક યા બીજા સ્‍વરૂપે સૂર્ય અને તમામ ગ્રહો મોજુદ છે.બીજા શબ્‍દોમાં કહીએ તો બ્રહ્માડમાં છે એ બધા તત્‍વો આપણી અંદર છે અને બ્રહ્માડમાં વિચરતા એ ગ્રહો સાથે આપણું એક અદ્રશ્‍ય તાદાત્‍મ્‍ય છે. જન્‍મ સમયે આકાશમાં જે તે ગ્રહોની સ્‍થિતિ અનુસાર એ ગ્રહોની સ્‍થિતિ,શક્‍તિ,સ્‍થાન,સમય પરથી જન્‍મકુંડળી બને છે.અને તેના પરથી ગ્રહોની સારી કે ખરાબ અસરો વિશે તથા તેના ઉપાય વિશે જાણકારી મેળવી શકાય છે.

 આ અંધશ્રદ્ધા નથી?

જ.ᅠ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એક સિક્કાની બે બાજુ જેવા છે.આપણી પાસે ઈશ્વરના અવતારો અંગે પણ પુરાવા નથી,છતાં આપણે માનીએ જ છીએ કે ઈશ્વર છે,એક પરમ શક્‍તિ છે.અને દરેક વ્‍યક્‍તિને એક યા બીજા સમયે તે શક્‍તિના અસ્‍તિત્‍વની અનુભુતી થાય છે.જયોતિષ શાસ્ત્રનું પણ એવું જ છે.

ગ્રહોની અસરોના કેટલાક તો પુરાવા પણ છે.પૂનમની રાત્રે દરિયામાં મોટી ભરતી આવે છે તે શું છે? વિજ્ઞાન માને છે કે પૃથ્‍વીમાં દરિયાના પાણીની જે માત્રા છે એટલી જ માત્રામાં આપણા શરીરમાં પાણી છે.હવે જો ચંદ્ર ની દરિયા પર અસર થતી હોય તો માણસ પર કેમ ન થાય? જયોતિષ વિદ્યામાં ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે.પૂનમ ઉપર માનસિક અસ્‍વસ્‍થ વ્‍યક્‍તિનું પાગલપન અચાનક વધી જાય છે તે વિજ્ઞાને પણ સ્‍વીકાર્યું છે.સંશોધનોએ એ સાબિત કર્યું છે કે સાહિત્‍ય,પત્રકારત્‍વ કે કલમના વ્‍યયસાય સાથે જોડાયેલા લગભગ તમામ લોકોના જન્‍માક્ષરમાં બુધની ભૂમિકા ખૂબ મહત્‍વની હોય છે.એ જ રીતે યોદ્ધાઓ, સેનાપતિઓ,પોલીસ અધિકારીઓ અને પરાક્રમી લોકોની જન્‍મકુંડળીમાં મંગળ નો ગ્રહ ચોક્કસ સ્‍થાન અને સ્‍થિતિમાં હોય છે.આ બધા યોગાનુયોગ નથી,એ એક વિજ્ઞાન છે.

જયોતિષ વિદ્યા થી માણસનું ભલું કઈ રીતે થઈ શકે?

જયોતિષ વિદ્યા થકી માણસના જીવન અંગે ચોક્કસ નિર્દેશો પ્રાપ્ત થઈ શકે.નોકરી,ધંધો,લગ્ન,કારકિર્દી,સારા ખરાબ સમય,માંદગી અકસ્‍માતો વિશે આગાહી થઈ શકે,ખરાબ સમય આવતો હોય તો માણસને ચેતવી શકાય અને એ ચેતવણીના આધારે માણસ સાવધ રહે તો એ સમય પસાર થઈ જાય.તલવારની ઘાત સોયની બની જાય.એ જ રીતે વિકાસ કે સમૃદ્ધિની તકો દેખાતી હોય ત્‍યારે એ તક હાથમાંથી સરી ન જાય તે માટે માણસને તૈયાર કરી શકાય.માણસને તે છે તેના કરતાં વધારે સુખી બનાવવામાં જયોતિષશાષા ચોક્કસપણે મદદરૂપ બની શકે.

ગ્રહોની અસરોને ઓછી વધતી કરી શકાય?

હિન્‍દૂ ફિલોસોફી એવી છે કે ઈશ્વર આપણા પરમ પિતા છે.એ જ વિધાતા છે અને એ જ વિધિના લેખ લખે છે.આપણે અનેક જન્‍મોના કર્મો લઈને જન્‍મીએ છીએ અને એ કર્મો અનુસાર ઈશ્વર આપણા લેખ લખે છે.ઈશ્વર તો ખૂબ દયાળુ છે.એ આપણને સુખી જોવા ઈચ્‍છે છે.એટલે દરેક માણસની જન્‍મકુંડળીમાં કેટલાક ગ્રહો ની સારી અસરો અને કેટલાક ગ્રહોની ખરાબ અસરો જોવા મળે છે.વળી ગ્રહોની ખરાબ અસરોને દૂર કરવાના ઉપાયો શાસ્ત્રએ આપેલા છે.એ ઉપાયોના કેન્‍દ્રમાં એકંદરે તો તપ,જપ,પૂજા ,હોમ હવન,દાન વિગેરે જ હોય છે.એટલે કે એ ભક્‍તિનું જ સ્‍વરૂપ છે.જયોતિષ વિદ્યાના સહારે યોગ્‍ય ઉપાયો એટલે કે યોગ્‍ય સાધના દ્વારા ગ્રહોની ખરાબ અસરોને ઓછી કરી શકાય અને સારી અસરો વાળા ગ્રહોને વધુ મજબૂત કરી શકાય.

જયોતિષ શાસ્ત્ર એ એક ખૂબ પવિત્ર અને ગહન વિષય છે.જયોતિષી પોતે પવિત્ર હોય,નિષ્ઠાવાન હોય,માત્ર ધન ઉપાર્જનનો જ તેનો હેતુ ન હોય,આ વિદ્યા થકી કોઈના દુઃખ હળવા કરવાની તેનામાં ભાવના હોય અને તેને અંતરસ્‍ફુરણા થતી હોય તો એ જયોતિષી ખરા અર્થમાં માનવીને મદદરૂપ થઇ શકે.

જર્મનીનો એક યાદગાર કિસ્‍સો..

ડો.ઠાકર જર્મનીમાં એક સભામાં શાકાહારના ફાયદા વર્ણવી રહ્યા હતા ત્‍યારે એક પ્રેક્ષકે ઉભા થઈને માંસાહાર થી થતા ફાયદા વર્ણવ્‍યા.માસહારથી મળે એટલી શક્‍તિ શાકાહારથી ન મળે એવી એની દલીલ હતી.એના જવાબમાં ડો.ઠાકરે હાથી અને ઘોડાના ઉદાહરણ આપતાં કહ્યું કે એ શક્‍તિશાળી પ્રાણીઓ પોતે માંસાહારી નથી.માંસાહારીઓ ગાય, બકરી કે કુકડાના માંસ ખાય છે તેમાંથી એક પણ પ્રાણી માંસાહારી નથી.એ બધા પ્રાણીઓ તો ઘાસ કે વનસ્‍પતિ ખાય છે.તો પછી એના માંસ ખાવા એમાં સમજદારી છે કે એ પ્રાણીઓની જેમ જ શાકાહારી બનવામાં સમજદારી છે?એમની આ દલીલને બધાએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.ડો ઠાકરે શાકાહારના ફાયદાઓ વિશે વિદેશમાં અનેક ડિબેટ્‍સ માં ભાગ લઈ અને તર્કસંગત

વિગતો રજૂ કરી હતી.અને અનેક માસાહારીઓને શાકાહારી બનવા પ્રેરણા આપી હતી.

 

ડો. સનત ઠાકરનો આછેરો પરિચય

રાજય સરકારમાં સુપ્રિન્‍ટેન્‍ડિંગ એન્‍જીનીયર તરીકે ફરજો બજાવી નિવૃત થયા બાદ ડો.ઠાકરે જયોતિષશાષાનો ગહન અભ્‍યાસ કર્યો હતો. મહર્ષિ મહેશ યોગી સાથે મુલાકાત થયા બાદ તેઓ તેમની સાથે જોડાયા હતા.અને એમની સંસ્‍થાના પ્રતિનિધિ તરીકે વિશ્વભરમાં તેમણે આ મહાન ભારતીય વિદ્યાનો પ્રચાર કર્યો હતો.ડો.ઠાકરે દોઢ દાયકા દરમિયાન અમેરિકાના ૨૫ સ્‍ટેટ, યુરોપના બધા દેશો, આફ્રિકા, ઓસ્‍ટ્રેલિયા, ન્‍યુઝીલેન્‍ડ, ચીન, નોર્વે, પોલેન્‍ડ, કેનેડા, ઇઝરાયેલ અને ખાડીના દેશો સહિત ૬૦થી વધુ દેશોની મુલાકાત લઈ એ દેશોના નાગરિકોને જયોતિષ વિદ્યાનો લાભ આપ્‍યો હતો.એ દરમિયાન અમેરિકા,કેનેડા અને જર્મનીમાં તેમણે ૨૦૦થી વધુ સેમિનારોનું સંચાલન કર્યું હતું.અને એટલાજ ટી.વી.શો માં ભાગ લીધો હતો.તેમણે અત્‍યાર સુધીમાં ૩૫ હજારથી વધુ જન્‍માક્ષરો જોયા છે. બોડી, માઈન્‍ડ એન્‍ડ ડીસીઝ ના વિષય પર ડોક્‍ટરેટ કરનાર ડો.ઠાકરને ૪ ગોલ્‍ડ મેડલ સહિત કુલ ૧૭ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયા છે. ૮૪ વર્ષની વયે પણ તેઓ યુવાનને શરમાવે તેવી શક્‍તિ અને તાજગીથી કાર્યરત છે અને જિજ્ઞાસુઓને જયોતિષવિદ્યાનું માર્ગદર્શન આપતાં રહે છે.દોઢ દાયકા સુધી કેનેડાને કર્મભૂમિ બનાવ્‍યા બાદ છેલ્લા દશ વર્ષથી તેઓ અમદાવાદમાં સ્‍થાયી થયા છે. અકિલની મુલાકાતે આવેલા ડો.ઠાકરે જયોતિષ વિદ્યા અંગે વિસ્‍તૃત ચર્ચા કરી હતી જે અહીં સવાલ જવાબ રૂપે રજૂ કરીએ છીએ.(ફોન : ૯૭૨૪૨૫૪૦૬૭ / ૭૦૪૮૫૨૩૫૫૮)

(3:29 pm IST)