Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

કોરોના મહામારીનો મુકાબલો કરતી રાજ્ય સરકારને આર્થિક ટેકો દેવા રાજકોટના ૯૩ વર્ષના સામાજિક કાર્યકર જ્યોત્સનાબેન જયંતિલાલ મોદીએ પણ સ્વબચતમાંથી રૂ. ૧, ૦૦,૧૦૧ નો ફાળો અર્પણ કર્યો

રાજકોટ તા.2 - કોરોના મહામારીનો મુકાબલો કરતી રાજ્ય સરકારને આર્થિક ટેકો દેવા રાજ્યભરમાંથી દાનની સરવાણીઓ વહી રહી છે. આ સરવાણીમાં રાજકોટના ૯૩ વર્ષના સામાજિક કાર્યકર જ્યોત્સનાબેન જયંતિલાલ મોદીએ પણ સ્વબચતમાંથી રૂ. ૧, ૦૦,૧૦૧ નો ફાળો આપ્યો છે. તેમના આ ઉમદા કાર્યથી સમાજમાં દાનની જ્યોત જગી છે.

            સમાજને હરહંમેશ પોતાની સેવા આપતા તત્પર રહેતા જ્યોત્સનાબેન વર્ષ ૧૯૬૨થી ૧૯૬૫ દરમિયાન પ્રહલાદ પ્લોટના નગર સેવક તરીકે જનસેવા આપી ચૂક્યા છે. તો બાલાશ્રમના કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે અને શાળા પ્રાથમિક બોર્ડમાં વાઈસ ચેરમેન પદે પણ લોકસેવા અદા કરી છે. આજે ૯૩ વર્ષની જૈફ વયે પણ સમાજ પ્રત્યેની તેમની સેવા ભાવના અકબંધ છે. રાજકોટ શહેરના નિલકંઠ સિનેમા પાસેની આનંદ નગર કોલોનીના રહેવાસી જ્યોત્સનાબેન તેમના ફાળા વિશ કહે છે કે, “લોક કલ્યાણ અર્થે મેં તો ફક્ત નજીવી સહાય કરી છે.” આ શબ્દો તેમની સમાજ પ્રત્યે રહેલી સંવેદનાની સાક્ષી પુરે છે.

            દેશભરમાંથી કોરોનાને જાકારો આપવા સરકાર,સમાજસેવીઓ સહિત ઉદ્યોગપતિઓ અને કર્મયોગીઓ ઉદત્ત ભાવનાથી પોતાનો સહકાર આપી રહ્યા છે. તેવા આ કપરા કામમાં  નાની સરખી મદદ પણ મોટી મુશ્કેલીનો અંત આણતી હોય છે.

(4:40 pm IST)