Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

અનાજ દળવાની ઘંટી આખો દિવસ ચાલુ રહેશે

ધાર્મિક સંસ્થાઓને પુરાવા રજુ કર્યે મફત દળી આપવા ફલોરમીલ ધારકોનો નિર્ણય

રાજકોટ તા. ૨ : ત્રણેક દિવસ પૂર્વે એવા સંદેશાઓ ફરતા થયેલા કે ફલોર મીલ સવારે ૮ થી બપોરના ર સુધી જ ચાલુ રાખી શકાશે. આ સંદેશાઓ આધાર વગરના હોવાનું અને ફલોર મીલ આખો દિવસ ખુલી રાખવા તંત્રની ફુલ પરવાનગી હોવાનું રાજકોટના યોગીનગરના ફલોર મીલ ધારક જીતુભાઇ પાઉંએ એક યાદીમાં જણાવેલ છે.

તેઓએ જણાવ્યુ છે કે અમે વોર્ડ નં. ૯ ના ઘંટી માલીકો જયારે વોર્ડ ઓફીસે મળવા ગયા તો એવુ જણાવાયુ કે અમારી પાસે આવો કોઇ પરીપત્ર નથી. તમે કલેકટરનો સંપર્ક કરો. બાદમાં કલેકટર કચેરીએ પણ સંપર્ક કરતા જણાવવામાં આવેલ કે ફલોર મીલ ધારકોને આખો દિવસ ઘંટી રાખવાની છુટ છે. બસ ચાર વ્યકિતથી વધારે ભેગા ન થાય તેની તકેદારી રાખવાની રહેશે.

આમ ફલોર મીલ એસો.ના નામે કોઇએ ફલોર મીલો અમુક સમય પુરતી જ ખુલી રાખવાના સમાચારો વહેતા કરી દીધા આ અવઢવ સર્જાઇ હતી. ખરેખર ફલોર મીલો આખો દીવસ ખુલી રાખી શકાશે. તેમ જીતુભાઇ પાંઉ (મો.૯૯૨૪૫ ૪૮૨૬૮) એ જણાવેલ છે.

સાથો સાથ તેમણે એવી પણ અપીલ કરી છે કે ધાર્મિક સંસ્થાઓને અનાજ દળાવવાનું હોય અને જો આધાર પુરાવા રજુ કરશે તો વિનામુલ્યે દળી આપવા માટે પણ અમે સંગઠીત થયેલ કેટલાક ફલોર મીલ ધારકોએ તૈયારી રાખી છે.

(3:59 pm IST)