Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

લોકોના દેકારા પાછળ દુકાનદાર - પુરવઠા પણ જવાબદારઃ ૪૨ દુકાનમાં ગઇકાલે દાળ - મીઠું જ નહોતા

કોઠારીયામાં એક દુકાનદાર પાસે ત્રણ દુકાનના ચાર્જ : ૧૨૦૦ કાર્ડ : પછી ટોળા જ ભેગા થાય ને!! : ૨૩ દુકાનમાં માંડ ૪૦ ટકા માલ હતો : હવે આજે બધે સ્ટોક મોકલાયો : ઉતાવળમાં ઘણી કચાશ રહી ગઇ

રાજકોટ તા. ૨ : શહેરમાં લોકડાઉનની સ્થિતિમાં રેશનકાર્ડ ધારકોને રાશન આપવાનો ગઇકાલથી પ્રારંભ થતાં જ જબરી અફડાતફડી ગઇકાલે મચી ગઇ હતી. તેમાં દુકાનદારો અને પુરવઠા તંત્રની અપૂરતી તૈયારીઓ લોકોની ગેરસમજણ વગેરે કારણભૂત હોવાનું ખુલ્યું છે. આ અંગે સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ શહેરમાં કુલ ૨૨૬ સસ્તા અનાજની દુકાનો છે. તેમાંથી ૪૨ દુકાનોમાં ચણાની દાળ અને મીઠું વગેરે અનાજ હતું જ નહી. જ્યારે ૨૩ દુકાનોમાં માંડ ૨૫ થી ૪૦ ટકા જેટલો જ સામાન હતો.

જોકે પુરવઠા તંત્ર દ્વારા ગઇકાલે બપોરે ૨ વાગ્યા પછી સપ્લાય શરૂ કરતા પરિસ્થિતિ થાળે પાડી છે તેવી સ્પષ્ટતા તંત્રવાહકોએ કરી છે. તો વળી કેટલીક દુકાનોમાંથી જુના માલનું વિતરણ શરૂ કરાયાનું ખુલ્યું હતું.

જ્યારે કોઠારીયા અને હુડકો વિસ્તારમાં ગઇકાલે સસ્તા અનાજની જે દુકાનોમાં દેકારો બોલી ગયો હતો. તે બાબતે તંત્રએ એવી સ્પષ્ટતા કરી હતી કે આ વિસ્તારના દુકાનદારનું લાયસન્સ રદ્દ થઇ ગયું છે અને જે દુકાન ચાલુ છે તેની પાસે ત્રણ - ત્રણ દુકાનોનો ચાર્જ છે તેના કારણે આ એક જ દુકાનદાર બધા ગ્રાહકોનો એકી સાથે પહોંચી ન વળે તે સ્વાભાવિક છે.  આમ, ગઇકાલે જે અફડા - તફડી થઇ તેમાં તંત્ર અને દુકાનદારો બંને પહોંચી ન વળ્યા હોવાનું ખુલ્યું હતું.

(3:21 pm IST)