Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

આત્‍મીય યુનિ. દ્વારા ધો. ૧૨ના વિદ્યાર્થીઓ માટે તા. ૬ના મોક GUJCET

પ્રથમ પચાસમાં સ્‍થાન પામનાર વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન પુરસ્‍કારઃ પરીક્ષા પછી તરત પરિણામઃ કારકિર્દી માર્ગદર્શન માટે સેમિનારનું આયોજન

રાજકોટ, તા. ૨ :. આત્‍મીય યુનિવર્સિટી દ્વારા ધો. ૧૨ના વિદ્યાર્થીઓ માટે ઓપન સૌરાષ્‍ટ્ર મોક GUJCET પરીક્ષાનું આયોજન કરવામાં આવ્‍યુ છે. તા. ૬ એપ્રિલે GUJCETની મોક પરીક્ષામાં સૌરાષ્‍ટ્રની કોઈપણ શાળા કે ટયુશન કલાસિઝમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. આ પરીક્ષામાં બોર્ડની પરીક્ષા જેવો જ માહોલ ઉભો કરવામાં આવનાર છે.

આત્‍મીય યુનિવર્સિટી અંતર્ગત ફેકલ્‍ટી ઓફ એન્‍જીનિયરીંગના ડીન ડો. જી.ડી. આચાર્યએ જણાવ્‍યુ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ સ્‍કૂલ અને પોતાના માર્ગદર્શકોની સલાહ પ્રમાણે છેલ્લા દિવસોમાં પ્રેકટીસ પેપર લખતા હોય છે. આથી વિદ્યાર્થીઓને પ્રેકટીસ થાય અને ડર પણ નીકળી જાય એવા ઉદેશથી આ પરીક્ષાનું આયોજન શ્રી ત્‍યાગવલ્લભ સ્‍વામીની પ્રેરણાથી કરવામાં આવ્‍યું છે. એક સાથે અઢી હજાર વિદ્યાર્થીઓ માટે બોર્ડની રીતે જ તમામ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

સામાજિક ઉત્તરદાયિત્‍વ નિભાવવાના ભાગરૂપે યોજાનાર આ ઓપન રાજકોટ મોક પરીક્ષામાં કોઈપણ સ્‍કૂલના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. આ પરીક્ષામાં પ્રથમ ક્રમે પાસ થનાર વિદ્યાર્થીને રૂા. પાંચ હજાર, દ્વિતીય ક્રમે રહેનાર વિદ્યાર્થીને રૂા. ત્રણ હજાર, તૃતીય ક્રમે રહેનાર વિદ્યાર્થીને રૂા. બે હજાર પ્રોત્‍સાહન સ્‍વરૂપે આપવામાં આવનાર છે. આ ઉપરાંત પ્રથમ પચાસ ક્રમમાં સ્‍થાન પામનાર બીજા વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન પુરસ્‍કાર આપવામાં આવશે. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે નિષ્‍ણાંતોનું માર્ગદર્શન મળી રહે તેવી પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે તા. ૬ એપ્રિલે શનિવારે બપોરે ૨.૩૦ થી ૫.૦૦ દરમિયાન યોજાનાર આ મોક પરીક્ષાનું પરિણામ તે જ દિવસે જાહેર કરી દેવામાં આવશે. એ દરમિયાન મોટિવેશનલ સ્‍પીકર ધર્મેશ પીઠવાના વકતવ્‍ય તેમજ વૈજ્ઞાનિક રીતે સંતાનની કારકિર્દીના આયોજન માટે મુંબઈના કારકિર્દી માર્ગદર્શક જીજ્ઞેશ તન્‍નાના સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં ફિંગરપ્રિન્‍ટ એનાલિસિસને આધારે કારકિર્દી નિર્માણ માટે વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં આવશે.

આ પરીક્ષાના રજીસ્‍ટ્રેશન માટે આમ તો તા. ૩ એપ્રિલ અંતિમ તારીખ છે, પરંતુ વિદ્યાર્થીઓના ધસારાને ધ્‍યાનમાં રાખીને રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે સ્‍પોટ રજીસ્‍ટ્રેશનની વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે. આ માટે વિદ્યાર્થીએ પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ, પુરૂ નામ, સરનામુ, ફોન નંબર વગેરે સાથે રાખીને રજીસ્‍ટ્રેશન સ્‍પોટ રજીસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે.

ઓપન સૌરાષ્‍ટ્ર મોક પરીક્ષાના સમગ્ર આયોજનને ડે. રજીસ્‍ટ્રાર પ્રો. આશિષ કોઠારી, જીજ્ઞેશ રાઠોડ વગેરેના માર્ગદર્શનમાં આખરી ઓપ અપાઈ રહ્યો છે. સૌરાષ્‍ટ્રની વિવિધ સ્‍કૂલો અને કલાસિઝમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને આ મોક પરીક્ષામાં ભાગ લેવા આત્‍મીય યુનિવર્સિટી દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

(4:04 pm IST)