Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

હમ કિસીસે કમ નહિં... રફીદાના ગીતો ગુંજશે

રફીસાહેબના સોલો, ડ્યુએટ ગીતો સાથે - સાથે કવ્વાલી પણ પીરસાશે : શનિવારે કાર્યક્રમ

રાજકોટ, તા. ૨ : શ્રી જીતેન્દ્રભાઈ ભટ્ટ સ્થાપિત રાજકોટની સુવિખ્યાત મોહમ્મદ રફી ફેન કલબ છેલ્લા ૧૨ વર્ષોથી પાર્શ્વ ગાયક મહમ્મદ રફીના ગીતોનાં જ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ કલબ માત્ર મહમ્મદ રફીના ચાહક વર્ગના આમંત્રિત મહેમાનો અને સભ્ય માટે જ વર્ષમાં માત્ર બે જ કાર્યક્રમોનું આયોજન (રફી સાહેબના જન્મ દિવસ અને પુણ્યતિથિના દિવસ નિમિતે) કરે છે કે જેમાં માત્રને માત્ર રફી સાહેબના કંઠે ગવાયેલ સોલો અને ડ્યુએટ ગીતો જ રજૂ કરવામાં આવે છે. આ ઉપરાંત એક બોનસ કાર્યક્રમ આપે છે. જેમાં મોહમ્મદ રફી સાહેબ અને અન્ય ગાયક કલાકારોના ગીતોનો સમાવેશ કરવામાં આવે છે.

આ સંસ્થાનો એક વિશિષ્ટ બોનસ કાર્યક્રમ આગામી શનિવારે તા.૬ના રાત્રે ૯:૩૦ કલાકે હેમુ ગઢવી હોલ (મીની)માં યોજાય રહ્યો છે. આ કાર્યક્રમમાં વડોદરા, અમદાવાદ તથા પુનાથી સુવિખ્યાત ગાયક કલાકારો આવી રહ્યા છે. જેમાં વડોદરાથી રાઘવજીભાઈ મિસ્ત્રી તથા સુપ્રિયા એસ. આમ્બેકર, પુનાથી વિનોદ સુર્વે અને સચિન સુર્વે, અમદાવાદથી સેફાલી ગૌસ્વામી અને મયુરી સોની ખાસ આ કાર્યક્રમ માટે આવી રહ્યા છે. કાર્યક્રમનું સંચાલન રાજકોટના સુવિખ્યાત શ્રીમતી પારૂલબેન જોષી સંભાળશે. ઓરકેસ્ટ્રા રાજકોટના સુવિખ્યાત કિબોર્ડ વિઝાર્ડ રાજુભાઈ ત્રિવેદી તથા તેમના વાદક મિત્રો એવા દિલીપ ત્રિવેદી (તબલા), પારસ વાઘેલા (કોન્ગો), ભાર્ગવ ઉમરાણીયા (પેડ), વેન્કટ (ડ્રમ), એસ.જી. પઠાણ (સેકસોફોન), ભરત ગોહેલ (ઢોલક), પ્રકાશ વાગડીયા (રીધમ્સ) પર સંગત કરશે. સાઉન્ડ સિસ્ટમ એસ.આર. સાઉન્ડની રહેશે. આખા કાર્યક્રમની વિડીયોગ્રાફી સદ્દગુરૂ વિડીયો વિઝાનના ચેતનભાઈ પોપટ દ્વારા કરવામાં આવશે.સંસ્થાના સ્થાપક જીતેન્દ્રભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ ગાયક કલાકારોને મંચ ઉપરથી રજૂ કરવામાં આવશે. મોહમ્મદ રફીના અનમોલ ગીતો સાથે રફી સાહેબે ગાયેલ કેટલીક ફિલ્મી કવ્વાલીઓ પણ આ કાર્યક્રમમાં લેવામાં આવેલ છે. આથી જ આ કાર્યક્રમનું શિર્ષક ''હમ કિસી સે કમ નહિં'' રાખવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ વિશિષ્ટ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે સર્વશ્રી દુર્લભજીભાઈ પરમાર (અંબિકા ઈન્ઙ) મનસુખભાઈ વેકરીયા (સંગીતજ્ઞ તથા પ્રોત્સાહક) જયારે મહેમાનપદે સર્વશ્રી નાગજીભાઈ બસીડા, અલ્પેશભાઈ વેકરીયા, ભરતભાઈ સાવકીયા, હિમાંશુભાઈ કે ઠેસીયા, આસીતભાઈ ચોલેરા, ભુજથી હરસુખભાઈ સોની, મુન્દ્રાથી સુરેશભાઈ ઠક્કર અને જૂનાગઢથી ડો.સુરેશભાઈ રાઠોડ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ માટે સરગમ કલબના પ્રમુખ શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા, જે.કે. જોષી, જયસુખભાઈ કયાડા, દિનેશભાઈ ગજ્જર, ચીમનભાઈ ગજ્જર, વિજયભાઈ બુદ્ધદેવ અને ઉમેશ જોષીનો સહકાર મળી રહ્યો છે. કાર્યક્રમનું સ્વરૂપ તથા  પરીકલ્પન સંસ્થાના સ્થાપક જીતેન્દ્રભાઈ ભટ્ટ (મો.૯૮૨૪૫ ૭૨૪૭૨)નું છે. આ કાર્યક્રમમાં થોડી કવ્વાલીઓ રજૂ કરીને રફી સાહેબના આ ગાયન વૈવિધ્યને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા જે. કે. જોષી, રવિ લુણાગરીયા અને ઉમેશ જોષી જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:44 pm IST)