Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

વાળાધરીમાં બુધવારથી રામદેવ માનસ કથા

ઓમ આનંદી આશ્રમ, સીતારામ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ગામના સહયોગથી આયોજન : રામરણુજાધામવાળા શ્રી રાધેકૃષ્ણ શાસ્ત્રીજી ભાવવાહી શૈલીમાં કથામૃતનું રસપાન કરાવશે : કથા પ્રસંગો સાથે સંતવાણી, રકતદાન કેમ્પ સહીતના પણ આયોજનો

રાજકોટ તા. ૨ : ગોંડલ તાલુકાના વાળાધરી ખાતે આવેલ ઓમ આનંદી આશ્રમ, શ્રી સીતારામ ગૌ સેવા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૪ ના બુધવારથી તા. ૧૨ ના ગુરૂવાર સુધી શ્રી રામદેવ માનસ કથાનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજન સમિતિના આગેવાનોએ જણાવેલ કે વાળાધરી ગામમાં ગુરૂશ્રી લકકડદાસબાપુના આશિર્વાદથી પૂ. સંતશ્રી રાજુરામબાપુ અને શ્રી મસ્તરામબાપુ તથા સમસ્ત ગામ દ્વારા આયોજીત આ રામદેવકથાના વ્યાસાસને મહંતશ્રી રાધેકૃષ્ણ શાસ્ત્રીજી રામ રણુજાધામ રામપરવાળા બિરાજી દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩.૩૦ થી ૬.૩૦ કથા શ્રવણનો લાભ આપશે.

રામદેવ કથાની પોથીયાત્રા તા. ૪ ના બુધાવરે સવારે ૮.૩૦ વાગ્યે નિકળશે. કથા દરમિયાન તા. ૬ ના શુક્રવારના સાંજે ૪ વાગ્યે રામદેવજી પ્રાગટય ઉત્સવ, તા. ૭ ના બપોરે ૩.૩૦ વાગ્યે  સગુણાબેનનો વિવાહ પ્રસંગ, તા. ૯ ના સોમવારે સાંજે ૫.૩૦ વાગ્યે રામદેવજી વિવાહ, તા. ૧૦ ના મંગળવારે સાંજે ૪.૩૦ વાગ્યે સવરા મંડપ મહિમા, તા. ૧૧ ના બુધવારે સાંજે ૪ વાગ્યે રામદેવજી સમાધી અને તા. ૧૨ ના બપોરે ૧૨.૩૦ વાગ્યે કથાને વિરામ અપાશે.

કથાની સાથે અન્ય કાર્યક્રમોના ભાગરૂપે તા. ૫ ના ગુરૂવારે રાત્રે સંતવાણી રાખેલ છ. જેમાં નિરંજન પંડયા, પુનમબેન ગોંડલીયા, કિશોરભાઇ વાઘેલા, ભરતદાન ગઢવી સહીતના કલાકારો ભાગ લેશે.  તા. ૭ ના શનિવારે સાંજે ૪ થી મોડે સુધી રકતદાન કેમ્પ રાખેલ છે. તા. ૯ ના સોમવારે રાત્રે સંતવાણી રાખેલ છે. જેમાં પરસોતમપરી ગોસ્વામી, સુખદેવભાઇ ધામેલીયા, મિતલબેન (બાદનપરવાળા)  ભાગ લેશે. તા. ૧૧ ના બુધવારે રાત્રે મહકાળી ભવાઇ મંડળ બોટાદવાળા ચંદુભાઇ વ્યાસ ગ્રુપનો ભવાઇ કાર્યક્રમ રાખેલ છે.

અહીં ઉલ્લેખનીય છે કે આશ્રમમાં વર્ષોથી નિરાધાર, અપંગ, અશકત ગાયોની સેવા ચાલી રહી છે. વટેમાર્ગુ અને યાત્રિકો માટે અન્નક્ષેત્ર ચાલે છે. દરરોજ સવારે ૬૦ કિલો ઘીનો શીરો બનાવી પ્રસુતાગૃહમાં પ્રસાદના રૂપમાં વિતરણ થાય છે. ઉપરાંત દરરોજ ૪૦૦ ટીફીન અશકત વૃધ્ધોને ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે.

ધર્મપ્રેમીજનોએ ધર્મલાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં કથા આયોજનની વિગતો વર્ણવતા જેન્તીભાઇ સેજરીયા (મો.૯૮૭૮૦ ૨૧૩૭૮), જીતુભાઇ વીરડીયા (મો.૯૮૭૯૦ ૨૧૩૭૮), ભાવેશભાઇ હરસોડા, લલિતભાઇ સેજરીયા, મહેશ વરસાણી (મો.૯૪૨૬૬ ૮૮૨૮૨), અશોકભાઇ લીંબાસીયા, વલ્લભભાઇ ડાભી, રમેશભાઇ ખુંટ, ભરતભા રામાણી, ગીરીશભાઇ કોરાટ, વિનુભાઇ ભાલીયા, રાજુભાઇ વિરડીયા નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:49 pm IST)