Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

રિવરફ્રન્ટના ખર્ચ ૧૧૮૧ કરોડને આંબશે

હવે આજી નદી શુધ્ધિકરણ પ્રોજેકટ ઝડપથી આગળ વધશેઃ મેયર - મ્યુ. કમિશ્નર : સરકારે પ્રથમ તબક્કે ફાળવેલ રૂ. ૫૧ કરોડમાંથી નદીની બંને બાજુએ સુરક્ષા દિવાલ, ભૂગર્ભ ગટર પાઇપ નેટવર્ક અને નદીકાંઠામાં રોડના કામો થશે

રિવરફ્રન્ટ બાદ આજી નદી આવી લાગશે.

રાજકોટ તા. ૨ : મહાનગરને આજી રીવર ફ્રન્ટની ભેટ મળવાની દિશામાં રાજયના  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક મહત્વપૂર્ણ નિર્ણય કરતા શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે કરેલી આ જાહેરાત અનુસાર આજી-૧ ડેમથી આજી ડેમ-ર નો બેડી ગામ પાસેથી પસાર થતો ૧પ૦ ફૂટ રીંગ રોડ સુધીનો ૧૧ કિ.મી. વિસ્તાર   આજી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે સોંપવાનો રાજય સરકારશ્રીએ નિર્ણય કર્યો છે. તેને મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની તથા મેયર ડો. જૈમન ઉપાધ્યાયે આવકાર્યો છે.

 આજી રીવર ફ્રન્ટ રીડેવલપમેન્ટની આ કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાતાં રાજકોટના નગરજનોને પ્રવાસન પર્યટન આનંદ-પ્રમોદનું જોવા-ફરવા લાયક નવતર નજરાણું પ્રાપ્ત થશે. આ પૂર્વે મહાનગરપાલિકા દ્વારા આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટ માટે આવશ્યક એવી કેટલીક પાયાની કાર્યવાહી હાથ ધરવામાં આવી ચુકી છે. હવે બાકીની કામગીરી વધુ વેગવંતી બનશે તેવી ખાત્રી મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આપી છે.

રાજકોટ શહેરમાંથી પસાર થતી આજી નદીનાં શુધ્ધિકરણ તથા  વિકાસનાં આયોજન અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રીવરફન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ હાથ ધરેલ છે તેમ જણાવી મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વિશેષમાં ઉમેર્યું હતું કે, આજી નદીનાં પુનૅં વિકાસ માટેનાં અમલીકરણ માટે એક અલગથી સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ Aji River front development Corporation Limited, (ARDCL) બનાવવામાં આવેલ છે. આજી રીવર રી-ડેવલપમેન્ટ પ્રોજેકટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટ એચ.સી.પી.ડીઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા. લીમીટેડ, અમદાવાદની નિમુણક પણ થઇ ચૂકેલી છે.

એક અંદાજ પ્રમાણે આજી રીવરફન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટનો કૂલ ખર્ચ રૂ.૧૧૮૧ કરોડ થનાર છે. વિશેષમાં આજી નદીનાં પુનૅંવિકાસ માટેનું આયોજન કરી ઝડપથી અમલમાં મુકીને તેને મોનિટરીંગ કરી શકાય તે માટે તત્કાલીન માન. પ્રભારી મંત્રીશ્રીનાં અધ્યક્ષતા હેઠળ ગવર્નીંગ કાઉન્સીલની રચના તા. ૫/૮/૨૦૧૩થી કરવામાં આવેલ છે.

તેમની વધુમાં કહ્યું હતું કે, ઉકત રીવરફ્રન્ટ પ્રોજેકટમાં આજી નદીની લંબાઈ આજી-૧ ડેમથી રાજકોટ શહેરનાં ઉત્ત્।ર દિશામાં પસાર થતી રીંગરોડ સુધી આશરે ૧૧ કિમી લેવામાં આવેલ છે અને તેમાં દક્ષિણ દિશાની રીંગ રોડથી આજી નદીમાં મળે ત્યાં સુધી ખોખડદડ નદીનાં વિકાસ કામનો સમાવેશ પણ કરવામાં આવેલ છે. આજી નદીની પહોળાઈ ૮૦ મીટરથી ૧૫૦ મીટર સુધીમાં વધઘટ થાય છે. આજી નદીમાં રીવરફ્રન્ટ  માટેના તૈયાર કરાયેલ માસ્ટર પ્લાનમાં જરૂરી ડ્રેનેજ ઇન્ટરસેપ્ટર સીવર, આજી નદીની બંને બાજુ દિવાલ અને એન્ટ્રીનુ કામ, વોટર રીપ્લેનિશ્મેન્ટ માટેનુ નેટવર્ક તથા આજી નદીની બંને બાજુ નવા રસ્તાનું નેટવર્ક સહિતના પ્રોજેકટોનું આયોજન હાથ ધરેલ છે. હવે આ કાર્યવાહી ઝડપથી આગળ ધપી શકશે. આ મુખ્ય કામો માટેની અંદાજીત ખર્ચ (૧૫% કંટીજન્સી ખર્ચ સાથે) રૂ.૪૮૦ કરોડ જેટલું થશે. તથા વધારાના માળખાકીય બાંધકામોનું અંદાજીત ખર્ચ (૧૫% કંટીજન્સી ખર્ચ સાથે) રૂ. ૭૦૧ કરોડ જેટલું થશે તેમ પણ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું.

સદરહુ પ્રોજેકટ માટે રાજય સરકારની મંજૂરી મેળવવા SEAC (STATE LEVEL EXPERT APPRAISAL COMMITTEE) સમક્ષ મંજુરી અર્થે રજુ કરવામાં આવેલ છે. આ ઉપરાંત નદીની જમીનનો કબજો રાજકોટ મહાનગરપાલિકાને હસ્તાંતરણની કાર્યવાહી અત્રેથી આગળ ધપાવવામાં આવેલી છે.

ભૂતકાળમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પણ રાજકોટ ખાતેનાં સદભાવનાં મિશન દરમ્યાન આજી નદીનાં પુનૅં વિકાસ માટે ગુજરાત સરકારશ્રી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને પ્રથમ તબક્કે અપાયેલ રૂ.૫૧.૦૦ કરોડની ગ્રાન્ટમાંથી આજી રીવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત હાલ પ્રાથમિક તબક્કે (૧) આજી નદીની બંને તરફ આર.સી.સી રિટેઈનીંગ વોલનું કામ  (૨) આજી નદીની બંને તરફ ડ્રેનેજ ઈન્ટરસેપ્ટર સીવરનું કામ (૩) આનુસંગિક જરૂરી રોડ નેટવર્કનું કામ વગેરે વિકાસકામો થશે.

અત્યાર સુધીમાં આજી રીવર રી-ડેવલપમેન્ટ પ્રોજેકટ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરાયેલ પ્રોગ્રેસની વિગતો વિશે મેયર અને મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, નદીમાં થયેલા દબાણો દુર કરી નદીની પહોળાઇ પ્રમાણે દિવાલનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ચુનારાવાડ પાસે દુધસાગર રોડ પરનો હયાત બ્રીજની બાજુમાં હાઇ-લેવલ બ્રીજનું આયોજન કરવામાં આવેલ છ. આ કામનું ખર્ચ રૂ.૩.૨૫ કરોડ અંદાજવામાં આવેલ છે.

આજી નદીની બંને તરફ ઈન્ટરસેપ્ટર સીવર તથા બંને બાજુની સાઈડે નદીની બાઉન્ડ્રીએ રિટેઈનીંગ વોલ, રસ્તા કામ તથા પ્રી-પ્લાન્ટેશન કરવાના કામ માટે ડિઝાઈન રજુ કરવા સુચના આપેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત સાલ આજી નદી શુદ્ઘિકરણ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

વિશેષમાં આ જંગી પ્રોજેકટ માટે જરૂરી એન્વાયરમેન્ટલ ઈમ્પેકટ એસેસમેન્ટ અન્વયેની મંજુરી મેળવવા માટે દિલ્હી ખાતે આ પ્રોજેકટની ડીટેઈલ રજુ કરવામાં આવેલ છે તેમ મેયરઅને મ્યુનિ. કમિશનરે આ તકે જાહેર કર્યું હતું.

(3:57 pm IST)