Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

કાતીલ ઠંડી છતાં રાજકોટ કે સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલ વીજ પાવર ડીમાન્ડમાં કોઇ વધારો-ઘટાડો નથી

છેલ્લા ૪ મહિનાથી પ૩૦૦ મેગા વોટ સ્થિરઃ રાજકોટમાં રોજની ૪૦૦ મેગા વોટની ડિમાન્ડ : આ વખતે પુષ્કળ વરસાદને કારણે ભરપુર પાણી હોય ડીમાન્ડમાં કોઇ ફેરફાર નથીઃ ચીફ ઇજનેર ગાંધી

રાજકોટ, તા., ૨: દિલ્હી સહીત ઉતર ભારતમાં અનેક વિસ્તારોમાં વીજળીની માંગમાં વધારો થયો છે. ત્યારે રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ડીમાન્ડમાં કોઇ ફેરફાર નહી હોવાનું પીજીવીસીએલના ચીફ ઇજનેર શ્રી ગાંધીએ આજે બપોરે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યુ હતું કે રાજકોટમાં દરરોજ ૪૦૦ મેગા વોટ તો સૌરાષ્ટ્ર-કચ્છમાં દરરોજ હાલ ૫૩૦૦ મેગાવોટની ડીમાન્ડ છે જે છેલ્લા ૩ થી ૪ મહીનાથી યથાવત છે. ઠંડી છે પરંતુ તેના કારણે ડીમાન્ડમાં કોઇ વધારો-ઘટાડો નથી.

શ્રી ગાંધીએ ઉમેર્યુ હતું કે ડીમાન્ડમાં ઘટાડો-વધારો નથી તેની પાછળ મુખ્ય કારણ વરસાદ છે. આ વર્ષે પુષ્કળ વરસાદ થયો છે. ભરપુર પાણી છે. પરીણામે ખેડુતોને સિંચાઇનું પુરતુ પાણી  મળી રહેતુ હોય વીજ વપરાશમાં વધારો થયો નથી. જનરલ ઠંડીમાં નળ નીચા જતા હોય તોખેડુતોનો વીજ વપરાશ દર વર્ષે વધે છે. પરંતુ આ વખતે ભરપુર પાણી ડેમ-નદી-તળાવો-એકડેમોમાં ઉપલબ્ધ હોય વપરશમાં વધારો થયો નથી.

આ ઉપરાંત લોકડાઉન સમયે ૩ થી ૪ મહીનામાં વીજ વપરાશમાં ખાસ્સો ઘટાડો કારખાના-કંપની બંધને કારણે થયો હતો. પરંતુ હવે કારખાના-ઔદ્યોગીક કંપની ધમધમવા માંડી હોય વીજ વપરાશ જે લોકડાઉન પહેલા હતો તે આવીને ઉભો રહયો છે. છેલ્લા ૩ થી ૪ મહીનાથી ૫૩૦૦ મેગાવોટ સ્થિર છે.

અત્રે નોંધનીય છે કે દિલ્હીમાં તાપમાન નીચુ જતા વીજ વપરાશમાં ડીમાન્ડમાં ભારે વધારો થયો છે. રોજનો વપરાશ પ૦ર૧ મેગા  વોટને પહોંચ્યો છે. જે આ પછીનો બિઝનેસના વપરાશ છે. દિલ્હીમાં લોકો હીટર-ગીઝરના  વધુ ઉપયોગ કરી રહયા હોય ડીમાન્ડમાં ભારે વધારો નોંધાયો છે.

(3:32 pm IST)