Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

ખાદ્ય ચીજમાં ભેળસેળ બદલ રાજકોટના ભવ્ય ફરસાણવાળાને એક માસની સજા ફટકારતી અદાલત

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ - ૨૦૦૬ હેઠળ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થયેલ ફરીયાદમાં રાજકોટ કોર્ટનો ચુકાદો : કોર્પોરેશન વતી જાણીતા ધારાશાસ્ત્રી જીજ્ઞેશભાઈ શાહ રોકાયા હતા

રાજકોટ, તા. ૨ : ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ તળે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થયેલ ફરીયાદમાં રાજકોટ કોર્ટ દ્વારા રાજકોટની ભવ્ય ફરસાણના માલિક એક માસની સજા અને રૂ.૧ હજારનો દંડ ફટકારેલ છે.

રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના આરોગ્ય શાખાના ફુડ સેફટી ઓફીસર કે. એમ. રાઠોડ દ્વારા રાજકોટના બજરંગવાડી શેરી નં. ૫, જામનગર રોડ ઉપર આવેલ ભવ્ય ફરસાણમાં ખાદ્યચીજોના ચેકિંગ દરમિયાન ખાદ્ય પદાર્થ શંકાસ્પદ લાગતાં ફુડ સેફટી ઓફીસર દ્વારા દુકાનમાં પડેલ ઘીનો નમુનો લેવામાં આવેલ હતો. જે પૃથ્થકકરણમાં નિષ્ફળ નિવડતાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ - ૨૦૦૬ની અલગ અલગ કલમો તળે લેવાયેલ નમુનો ખાદ્ય પદાર્થ માટે અનસેફ હોય તે મતલબની ફરીયાદ કરેલ હતી અને જે કોર્ટ દ્વારા સાબિત માની અદાલતે ભવ્ય ફરસાણના માલીક અર્જુનદાસ ચેતનદાસ ધનવાણીને કલમ-૫૯(૧) હેઠળ ૧ માસની સજા તથા કલમ-૬૩ નીચે ૧ માસની તેમજ રૂ.૧,૦૦૦/- નો દંડ ફટકારેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના આરોગ્ય શાખા દ્વારા ખાદ્યચીજોનું વેચાણ કરતી દુકાનોમાં અલગ અલગ સમયે ચેકિંગ કરવામાં આવતું હોય છે અને જેના ભાગરૂપે આરોગ્ય શાખાના ફૂડ સેફટી ઓફીસર કે. એમ. રાઠોડ દ્વારા બજરંગવાડી શેરી નં. પ, જામનગર રોડ ઉપર આવેલ ભવ્ય ફરસાણમાં ચેકિંગ દરમિયાન ઘીની અંદર ભેળસેળ જણાણા તેનો નમુનો પંચો રૂબરૂ તેમજ ભવ્ય ફરસાણના માલીક અર્જુનદાસ ચેતનદાસ ધનવાણીની હાજરીમાં નમુનો લેવામાં આવેલ હતો અને સદરહું નમુનો બરોડા ખાતે લેબોરેટરીમાં ફુડ એનાલીસીસ્ટ લેબોરેટરીમાં પૃથકકરણ અર્થે મોકલવામાં આવેલ હતો અને સદરહું પૃથકકરણની અંદર વેચાણ અર્થે રાખેલ ઘીની અંદર નોન-પરમીટેડ ઓઈલ સોલ્યુબલ યેલો કલર ડાઈ મળી આવેલ હતો અને જે કાયદાથી પ્રતિબંધિત હોય તેમજ તે સ્વાસ્થ્યને હાનિકારક હોય તેમ છતાં પણ ભવ્ય ફરસાણના માલીકે ઘીની અંદર આર્થિક લાભ મેળવવાના ઈરાદાથી ભેળસેલ કરી વેચાણ કરતા હોય જેથી કુડ સેફટી ઓફીસર કે.એમ. રાઠોડ દ્વારા જરૂરી કાર્યવાહી કરી રાજકોટની અદાલતમાં ભવ્ય ફરસાણના માલીક / કુડ બિઝનેસ ઓપરેટર અર્જુનદાસ ચેતનદાસ ધનવાણી સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ - ૨૦૦૬ મુજબ ફરીયાદ નોંધાવેલ હતી.

ચાલુ કેસ દરમિયાન માલીક સામેનો કેસ આગળ ચલાવવાની કાર્યવાહી કરેલ હતી અને જે કેસ ચાલી જતાં કોર્ટ દ્વારા તારણ કાઢેલ કે ભવ્ય ફરસાણના માલીક અર્જુનદાસ ધનવાણીએ પોતાના ખાદ્યચીજના વેપાર દરમિયાન ખોટી રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરેલ હોય અને ઘીની અંદર કાયદાથી પ્રતિબંધિત કલર વાપરેલ છે અને જેના હિસાબે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ - ૨૦૦૭ ની અલગ અલગ કલમોનો ભંગ કરેલ હોય જેથી તેને તકસીરવાન ઠરાવી સજા ફરમાવેલ છે.

આ કામે રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન રાજકોટના જાણીતા એડવોકેટ શ્રી જીશેશ એન. શાહ રોકાયેલા હતા.

(3:26 pm IST)