Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

બનાવટી ચલણી નોટો છાપવાના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

આરોપીએ 'ચાર્જશીટ' બાદ ફરીથી અરજી કરી હતી

રાજકોટ તા. ર : બનાવટી ચલણી નોટો છાપવાના ગુન્હામાં પકડાયેલ આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તારીખ ૧૬/૬/૧૯ ના રોજ પોલીસે આસ્થા રેસીડેન્સી પાછળ લક્ષ્મણ જુલા પાર્ક શેરી નં.૩ ''ઓમ'' મકાનમાં દરોડો પાડી ભારતીય બનાવટી ચલણી નોટ સાથે આરોપી અરવિંદ ધીરૂભાઇ અકબરીને રૂ.ર૦૦૦/ની ૩૩ નોટો તથા રૂ. પ૦૦/ની ૧ર રૂ.ર૦૦/ની ૧પ જેટલી બનાવટી ચલણી  નોટો સાથે પકડી પાડેલ તથા તે સ્થળેથી પોલીસે પ્રિન્ટર, કટર, કોરા કાગળો, ફુટપટ્ટી વિગેરે મુદામાલ પણ કબજે કરેલ અને આરોપીની અટકાયત કરી જેલ હવાલે કરેલ.

જેલ હવાલે રહેલ આરોપીએ ચાર્જશીટ બાદ જામીન ઉપર છુટવા સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર થયેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપીએ બનાવટી નોટો છાપી રાષ્ટ્ર વિરૂદ્ધનો ગુન્હો કરેલ છે અને જે સ્થળેથી બનાવટી નોટો તથા મુદામાલ કબજે થયેલ છે તે સ્થળ આરોપીની માલીકીનું છે અને તેઓ સ્થળ ઉપર રૂબરૂ મળી આવેલ છે. આવા રાષ્ટ્ર વિરૂદ્ધના ગુન્હેગારોને જામીન આપવા જોઇએ નહી અને જામીન આપવામાં આવશે તો તે ફરીથી આવા ગૂન્હા કરશે તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી એ.વી.હીરપરાએ જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(3:22 pm IST)